કેબ ડ્રાઈવરનું અપહરણ કરીને લાશ કસારા ઘાટમાં ફેંકી દેનારા બે જણની પોલીસ ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે. યુપીના એક ગેરેજ માલિકના કહેવાથી કાર ચોરી કરવા માટે હત્યા કરી હોવાનું આરોપીઓએ જણાવ્યું છે. આ પ્રકરણમાં પોલીસે રાહુલકુમાર બાબુરાવ ગૌતમ (24) અને ધર્મેન્દ્રકુમાર ઉર્ફે વકીલ સંપતરામ ગૌતમ (27)ની ધરપકડ કરી છે. આ બંને અને તેમના અન્ય ચાર સાગરીતે 1 ઓગસ્ટે કલ્યાણથી ધુળે જવા માટે કેબ પકડી હતી. કેબ કસારા ઘાટ પહોંચતાં આરોપીઓએ કેબ રોકવા માટે કહ્યું હતું.
કેબ રોકતાં જ આરોપીઓએ ધારદાર શસ્ત્રથી કેબ ડ્રાઈવરની હત્યા કરી નાખી હતી, જે પછી કસારાના ઘાટ વિસ્તારમાં લાશ ફેંકી દીધી હતી. આ પછી કાર ઉત્તર પ્રદેશ લઈ ગયા હતા, એમ કલ્યાણના એમએફસી પોલીસ સ્ટેશનના અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.કેબ ડ્રાઈવર નહીં આવતાં તેની કંપનીએ બીજા દિવસે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેબ બુક કરાઈ હતી તે સેલ ફોન થકી આરોપીઓનું પગેરું મેળવ્યું હતું. આ પછી વિવિધ ચેક નાકા પર સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને આરોપીઓને 9 ઓગસ્ટે યુપીના ભદોહીથી ઝડપી લીધા હતા, જે પછી તેમને અહીં લાવવામાં આવ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.