જામીન નામંજૂર:ડ્રગ્સ કેસમાં આર્યન સહિત બધા આરોપીઓની જામીન અરજી ફગાવાઈ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીકએન્ડ રજાને કારણે આરોપીઓને સોમવાર સુધી જેલમાં રહેવું પડશે

ક્રુઝ પર ડ્રગ્સ પાર્ટી પ્રકરણમાં મુંબઈની સ્થાનિક કોર્ટે બંને પક્ષોની ધારદાર દલીલો સાંભળ્યા પછી અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન (23) અને અન્ય સાત આરોપીઓની જામીન અરજી શુક્રવારે ફગાવી દીધી હતી. દરમિયાન શનિવાર- રવિવાર રજા હોવાથી આર્યન સહિતના આરોપીઓને હવે વીકએન્ડ જેલમાં જ વિતાવવું પડશે. આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર શુક્રવારે મેરેથોન સુનાવણી ચાલી હતી.

7 ઓક્ટોબરે આર્યન સહિત આઠ આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા પછી 8 ઓક્ટોબરે કોર્ટમાં જામીન અરજી પર ફરી સુનાવણી થઈ હતી. કોર્ટે જામીન અરજી નકારી કાઢી હતી અને નોંધ કરી કે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવે. તળ મુંબઈમાં મહાપાલિકા વડામથકની બાજુમાં આવેલી કિલ્લા કોર્ટમાં શુક્રવારે બપોરના 12.45 વાગ્યે જામીન અરજી પર સુનાવણી શરૂ થઈ હતી. આ સુનાવણી બપોરના સવાબે વાગ્યા સુધી ચાલી હતી.

બ્રેક બાદ 3 વાગ્યે ફરી એક વાર સુનાવણી શરૂ થઈ હતી. કોર્ટે સાંજે 5 વાગ્યે જામીન અરજી ફગાવી દેતો આદેશ આપ્યો હતો. અરબાઝના વકીલે શું કહ્યું? - અરબાઝ મર્ચન્ટના વકીલે કાર્યવાહી દરમિયાન શરતો સાથે જામીન માટે અરજી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આ કોર્ટની ભૂમિકા આરોપીને રિમાન્ડ આપવા સુધી મર્યાદિત નથી. કોર્ટ પુરાવાઓનું વિશ્લેષણ કરી શકે છે અને જો પુરાવા ન મળે તો કોર્ટને અરબાઝને જામીન આપવાનો અધિકાર છે.

ચેટમાં ફૂટબોલ એટલે ડ્રગ્સનો મોટો જથ્થો
આર્યન અને અરબાઝને છેલ્લે ધરપકડ કરાયેલો 17મો આરોપી અર્ચિત કુમાર ડ્રગ્સ સપ્લાય કરતો હતો. આ કેસમાં કુલ 18 આરોપીઓની ધરપકડ કરાઈ છે. વ્હોટ્સએપ ચેટમાં ફૂટબોલનો ઉલ્લેખ છે, જેનો અર્થ મોટી માત્રામાં ડ્રગ્સ એવો થાય છે. અર્ચિત સાથે ચેટમાં આર્યન ફૂટબોલની વાત કરે છે તે ડ્રગ્સના જથ્થાનો ઉલ્લેખ છે, એવી દલીલ પણ અનિલ સિંહે કરી હતી. આ સાથે કાયદા અનુસાર જામીન અરજી મેજિસ્ટ્રેટ કોર્ટે સેશન્સ કોર્ટ પાસે મોકલવી જોઈએ એવી રજૂઆત પણ તેમણે કરી હતી.

એનસીબીની આક્રમક દલીલો
એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે દલીલ કરી હતી કે, જે કે ઘટનાના સંજોગો, વ્હોટ્સએપ ચેટ એ કોઈ યોગાનુયોગ નથી. આર્યન અને અરબાઝ, આર્યનના ઘરે ભેગા થયા, તેઓ એક જ કારમાં ગયા. આ એક યોગાનુયોગ ન હોઈ શકે. અમે આયોજકો, સપ્લાયરો, આમંત્રણ આપનારાની ધરપકડ કરી છે. આરોપીઓ ડ્રગ્સ માટે તેમના નિયમિત ગ્રાહકો છે. વ્હોટ્સએપ ચેટના રૂપમાં પૂરતા પુરાવા મળી આવ્યા છે, જેમાં આર્યન, અરબાઝ અને મુનમુન ત્રણેય ગુનામાં નજીકથી સંડોવાયેલા હોવાનું જણાય છે.

મુનમુનના વકીલે શું કહ્યું?
મુનમુન ધામેચાના વકીલે દલીલ કરી કે તે રૂમમાં ત્રણ વ્યક્તિ, બલદેવ, સૌમ્યા અને મુનમુન હતાં અને મુનમુન પાસેથી કશું મળ્યું નહોતું. તેની સામેનો ગુનો 5 ગ્રામ ડ્રગ રાખવાનો છે જે એક નાનો જથ્થો છે અને સાઠગાંઠની વાત કરીએ તો મુનમુન સાથેના અન્ય વ્યક્તિઓના જોડાણને સાબિત કરવામાં એનસીબી નિષ્ફળ રહી છે.

આર્યન ખાને શું કહ્યું?
આર્યન ખાને ટિપ્પણી કરી હતી કે, “હું 23 વર્ષનો છું, મારો કોઈ પૂર્વ રેકોર્ડ નથી. હું બોલિવૂડ સાથે સંકળાયેલું છું, હું આમંત્રણને માન આપીને ગયો હતો, જ્યારે મને પૂછવામાં આવ્યું કે મારી પાસે ડ્રગ્સ છે, મેં ના પાડી હતી. મારા મોબાઈલમાંથી ડેટા મેળવીને ફોરેન્સિક માટે મોકલવામાં આવ્યો છે, તેમને કંઈ મળ્યું નથી.

બચાવ પક્ષે શું કહ્યું
બીજી તરફ આર્યનના વકીલ સતીશ માનશિંદેએ મેજિસ્ટ્રેટ કોર્ટ પોતાના અસીલને જામીન શા માટે આપી શકે છે તે વિશે ધારદાર દલીલો કરી હતી. તેમણે સંજય નરહર માલશે વિ. મહારાષ્ટ્ર સરકારના કેસનો ચુકાદો પણ ટાંક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...