ભાસ્કર વિશેષ:ઓગસ્ટ ક્રાંતિ મેદાનની કાયાપલટ કરીને ફરીથી મૂળ સ્વરૂપ

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વતંત્રતા લડાઈના ભીંતચિત્ર સાથે ક્રાંતિકારીઓના નામ દર્શાવવામાં આવશે : પ્રશાંત ગાયકવાડ

ભારતની સ્વતંત્રતા લડાઈના સાક્ષીદાર મુંબઈના ગ્રાન્ટ રોડના ગોવાલિયા ટેન્ક પરિસરમાં આવેલ ઓગસ્ટ ક્રાંતિ મેદાનની કાયાપલટ કરીને સ્વાતંત્ર્યની લડાઈના ઈતિહાસને જીવંત કરવામાં આવશે. મહાપાલિકાના માધ્યમથી મેદાનનું સુશોભીકરણ અને રિપેરીંગ કરીને મેદાનને મૂળ સ્વરૂપ આપવામાં આવશે. ઉપરાંત આ ઠેકાણે સ્વાતંત્ર્ય લડાઈની યાદ આપતા આકર્ષક ભીંતચિત્ર તૈયાર કરવામાં આવશે. આ લડાઈમાં ભાગ લેનારા ક્રાંતીકારીઓના નામ પણ દર્શાવવામાં આવશે એવી માહિતી સહાયક આયુક્ત પ્રશાંત ગાયકવાડે આપી હતી.

આ કામ માટે મહાપાલિકા 7 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. ઓગસ્ટ ક્રાંતી મેદાનના સ્વતંત્રતા લડાઈના ઐતિહાસિક વારસાને જીવંત કરવાનો હોવાથી આ મહત્વના સુશોભીકરણના કામમાં રાજ્ય સરકાર સાથે વિચારવિનિમય કરવામાં આવી રહ્યો છે. આ પાર્શ્વભૂમિ પર રાજ્યના ઉપમુખ્યમંત્રી અજિત પવાર, પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેની ઉપસ્થિતિમાં મહાપાલિકાના અધિકારીઓની નિર્ણાયક બેઠક તાજેતરમાં યોજાઈ હતી. આગામી અઠવાડિયે આ કામનો શુભારંભ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઓગસ્ટ ક્રાંતી મેદાનના સુશોભીકરણમાં 1942 પ્રમાણે મૂળ સ્વરૂપ આપવામાં આવશે. મેદાનમાં લીલોતરી કરવામાં આવશે. મેદાનમાં ચાલવા માટે 550 મીટરની ફૂટપાથ બનાવવામાં આવશે. બાળકોને રમવા માટે જગ્યા, નાના-નાની પાર્ક અત્યારે છે જેને એ જ સ્થિતિમાં રાખવામાં આવશે.

મેદાનની ફરતે ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવશે. ત્યાં આવેલી બેસ્ટની ચોકી અને સ્વચ્છતાગૃહ હટાવવામાં આવશે. મેદાનની ફરતે આવેલી ભીંત હટાવીને સંપૂર્ણ મેદાનને ઓવલ મેદાનની જેમ આરપાર જોઈ શકાય એવી ગ્રીલની વાડ લગાડવામાં આવશે. મેદાનનો દરજ્જો જાળવવા પાણીની પાઈપલાઈન, સ્ટ્રીટ લાઈટ્સ, કચરાના નિયોજનનું કામ પણ કરવામાં આવશે.

8 ઓગસ્ટ 1942મા ભારત છોડો ચળવળનો પ્રારંભ
7 ઓગસ્ટ 1942ના ઓલ ઈંડિયા કોંગ્રેસ કમિટીએ મૌલાના અબ્દુલ કલામ આઝાદની અધ્યક્ષતા હેઠળ ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠક મધરાત પછી પણ ચાલુ રહી હતી. એના બીજા દિવસે એટલે કે 8 ઓગસ્ટ 1942ના મહાત્મા ગાંધીએ આ મેદાનમાં ભારત છોડો ચળવળનું રણશિંગુ ફૂંક્યું હતું અને અંગ્રેજોને ભારત છોડીને ચાલ્યા જવાનું જણાવ્યું હતું. આ ચળવળ માટે કરો યા મરોનો નારો આપવામાં આવ્યો હતો. આ મેદાનના નામ પરથી મુંબઈ અને દિલ્હી વચ્ચે દોડતી ટ્રેનને ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ નામકરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...