કાર્યવાહી:આરોપોને લઈને ક્રુઝ પર ડ્રગ્સ પાર્ટી કેસની તપાસમાંથી હવા નીકળી ગઈ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ જણાવ્યું કે આગામી સોમવારથી અમે ફરી તપાસને ગતિ આપીશુ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઈના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર શ્રેણીબદ્ધ આરોપોને લઈને ક્રુઝ કોર્ડેલિયા ડ્રગ્સ પાર્ટી કેસની તપાસમાં લગભગ ઠપ થઈ ગઈ છે. બે સપ્તાહ પૂર્વે અભિનેત્રી અનન્યા પાંડેને બે વાર પૂછપરછ માટે બોલાવ્યા પછી એનસીબીની તપાસ લગભગ ઠપ છે. એક અધિકારીએ જણાવ્યું કે આરોપોને લીધે તપાસમાં અવરોધ પેદા થાય છે. આથી હાલમાં તો આગ બુઝાવવાનું કામ ચાલી રહ્યું છે.

કોઈ નવી ધરપકડ કરાઈ નથી, કોઈને પૂછપરછ માટે બોલાવાયા નથી અને કોઈ પણ વધુ દરોડા પડાયા નથી.એક સિનિયર અધિકારીએ કબૂલ કર્યું કે વાનખેડે અને એનસીબી પર વિવિધ આરોપોને લઈને હાલપૂરતી તપાસ પાટા પરથી ઊતરી પડી છે. છેલ્લા બે સપ્તાહથી આરોપોને લીધે કેસમાંથી ધ્યાન વિચલિત થયું છે. હાલમાં દિવાળી પણ હોવાથી અમારા દ્વારા કોઈ મોટાં પગલાં લેવાશે નહીં.

ગત બે સપ્તાહમાં 20 આરોપીઓની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી શાહરુખ ખાનના પુત્ર આર્યન સહિત 14 આરોપીઓનો જામીન પર છુટકારો થયો છે, જ્યારે બે અન્યની જામીન અરજી આગામી સપ્તાહમાં સુનાવણી માટે આવશે. અનન્યા પાંડેએ ત્રીજા સમન્સ સામે તબિયત સારી નથી એવું કારણ આપ્યું હતું તો શું તેને પાછી બોલાવવામાં આવશે એવું પુછાતાં અમે યોગ્ય કાનૂની રીતે આગળ વધીશું, એમ આ અધિકારીએ જણાવ્યું હતું.ગત સોમવારથી વાનખેડે બે વાર દિલ્હી જઈ આવ્યા છે.

પહેલી વાર શા માટે ગયાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ બીજી વાર તેઓ પોતાનું જાતિ પ્રમાણપત્ર પછાતજાતિ માટેના રાષ્ટ્રીય પંચને બતાવવા માટે ગયા હતા, રાષ્ટ્રવાદીના પ્રવક્તા નવાબ મલિકે એવો આરોપ કર્યો છે કે વાનખેડેએ પોતાને પછાત જાતિના બતાવીને સરકારી નોકરી મેળવી હતી. એનસીબીની પાંચ સભ્યની વિજિલન્સ મુંબઈમાં વાનખેડે સામેના આરોપોની તપાસ કરી રહી છે. વાનખેડે સામે આર્યનને કેસમાંથી છોડવા માટે લાંચ માગવામાં આવી હતી એવો આરોપ છે.

મલિકે અનેક પ્રશ્ન ઉઠાવ્યા છે
દરમિયાન મલિકે ડ્રગ્સ પાર્ટીમાં વાનખેડેએ પંચ તરીકે રોક્યા હતા તે લોકો સામે અને વાનખેડે દ્વારા તપાસ કરવામાં આવેલા અન્ય કેસ સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. એનસીબીનાં દરેક પગલાં પર એટલી નજર રાખવામાં આવી રહી છે કે હાલમાં દરોડા પાડવાનું મુશ્કેલ છે. ઉપરાંત આરોપોને લઈને નકારાત્મકતાને કારણે તપાસ પરથી ધ્યાન વિચલિત થયું છે. જોકે આશાસ્પદ રીતે આગામી સોમવારથી અમે ફરીથી જોશભેર તપાસ શરૂ કરીશું, એમ અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...