નિવેદન:લાઉડસ્પીકર ઊતરશે નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશેઃ રાજ આક્રમક

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જો ફરી લાઉડસ્પીકર પર અઝાન સંભળાઈ તો હનુમાન ચાલીસા વગાડીશું : મુંબઇની 92% મસ્જિદોમાં લાઉડસ્પીકર પર અઝાન બંધઃ રાજ ઠાકરેનો દાવો

મનસેના લાઉડસ્પીકર વિરુદ્ધ આંદોલનને લઈ મુંબઈ સહિત રાજ્યભરમાં બુધવારે તણાવગ્રસ્ત પરિસ્થિતિ રહી હતી. પોલીસે ઠેર ઠેર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તે છતાં અનેક ઠેકાણે મનસેએ હનુમાન ચાલીસા વગાડીને વિરોધ નોંધાવ્યો હતો આ પછી મનસે પ્રમુખ રાજ ઠાકરેએ આક્રમક બનીને લાઉડસ્પીકર ઊતરશે નહીં ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ જ રહેશે એવી ચીમકી ઉચ્ચારી છે.

મહારાષ્ટ્રમાં મસ્જિદો પર લાઉડસ્પીકરના મુદ્દે બુધવાર સવારથી રાજ્યમાં વાતાવરણ ગરમાયું છે. મનસે સૈનિકોની આક્રમક ભૂમિકાએ મુંબઈ, થાણે, નવી મુંબઈ, કલ્યાણ, પુણે, ધુળે, સોલાપુર સહિત અનેક ઠેકાણે તણાવ પેદા કર્યો હતો. આથી પોલીસ દ્વારા અનેક મનસે કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી રાજ ઠાકરેએ પત્રકાર પરિષદ યોજીને પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. રાજે દાવો કર્યો હતો કે અમારા આંદોલનને કારણે 4 મેના રાજ્યની 92 ટકા મસ્જિદોમાં સવારની અઝાન લાઉડસ્પીકર પર વાગી નથી. આ સાથે રાજે ચેતવણી આપી હતી કે જો ફરી અઝાન સંભળાશે તો અમે ફરીથી મસ્જિદોની સામે બમણા અવાજે હનુમાન ચાલીસા વગાડીશું.

રાજ ઠાકરેએ સરકારને પૂછ્યું છે કે શા માટે અમારી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. લાઉડસ્પીકરનો મુદ્દો ધાર્મિક નથી, અમે સામાજિક દ્રષ્ટિથી તેનો વિરોધ કરીએ છીએ. દરેક વ્યક્તિ આ અવાજના ત્રાસથી પીડાય છે. તેથી, માત્ર મસ્જિદોમાંથી જ નહીં પણ મંદિરોમાંથી પણ અનધિકૃત ભુંગળા હટાવવા જોઈએ, એમ રાજ ઠાકરેએ જણાવ્યું હતું. ઘણી જગ્યાએ પોલીસ અધિકારીઓ અમારા પદાધિકારીઓને, કાર્યકરો અને સમર્થકોને નોટિસ મોકલી રહ્યા છે, ધરપકડ કરી રહ્યા છે, અટકાયત કરી રહ્યા છે. અમારો પ્રશ્ન એ છે કે અમારી સાથે આવું કેમ થાય છે. શું કાયદાનું પાલન કરનારા લોકોને સજા કરવામાં આવશે, અટકાયતમાં લેવામાં આવશે અને જેઓ કાયદાનું પાલન ન કરે તેમને છોડવામાં આવશે?

તો આ મુદ્દાને ધાર્મિક વળાંક!
મસ્જિદો પર લાઉડસ્પીકરમાંથી મોટા અવાજે અઝાન કરવી એ ધાર્મિક મુદ્દો નથી. આખા વર્ષ દરમિયાન મસ્જિદો દ્વારા દિવસભર અપાતી અઝાનનો અમે વિરોધ કરીએ છીએ. જોકે રાજ ઠાકરેએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે જો કોઈ આ મુદ્દા પર ધર્મથી જવાબ આપશે તો અમે તે જ રીતે જવાબ આપીશું. હિંદુ ધાર્મિક તહેવારોને એક સપ્તાહ અથવા 15 દિવસ માટે મંજૂરી છે ત્યારે રાજ ઠાકરેએ પૂછ્યું કે શા માટે માત્ર મસ્જિદોને જ લાઉડસ્પીકર માટે 365 દિવસની મંજૂરી છે. જો મસ્જિદોને 365 દિવસની મંજૂરી આપવી હોય, તો તેઓએ દરરોજ પરવાનગી મેળવવી આવશ્યક છે. તેમણે એમ પણ કહ્યું કે જો તેઓ સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત નિયમોનું પાલન કરવાનું વચન આપે તો જ તેમને મંજૂરી આપવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે 55 ડેસિબલ સુધીના અવાજને મંજૂરી આપવાનો નિર્દેશ આપ્યો છે. એટલે કે, મસ્જિદોએ ધ્યાન રાખવું જોઈએ કે લાઉડસ્પીકરનો અવાજ મિક્સરના અવાજ કરતાં વધુ ન હોવો જોઈએ. રાજ ઠાકરેએ પૂછ્યું કે પ્રાર્થના માટે લાઉડસ્પીકરની જરૂર નથી, કારણ કે તમારી પ્રાર્થના કોણ સાંભળવા માગે છે, શું પોલીસને દરરોજ તમારા લાઉડસ્પીકરનું ડેસિબલ માપવા પડશે?

135 મસ્જિદો દ્વારા નિયમોનું ઉલ્લંઘન
મુંબઈમાં આજે સવારે 5 વાગ્યાની અંદર લાઉડસ્પીકર પરથી 1440માંથી 135 મસ્જિદોમાં અઝાન થઈ હતી. શું રાજ્ય સરકાર તેમની સામે પગલાં લેશે, એવો સવાલ રાજ ઠાકરેએ કર્યો હતો. મંગળવારે મારી સાથે મુંબઈના જોઈન્ટ કમિશનર ઑફ પોલીસ વિશ્વાસ નાંગરે- પાટીલે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે મસ્જિદોના મૌલવીઓ સાથે આ મામલે ચર્ચા કરી છે. સવારે 5 વાગ્યાની પહેલાં અઝાન નહીં આપવામાં આવે. તો પછી અઝાન કેવી રીતે થઈ, શું નિયમો ફક્ત અમારા માટે જ છે, એવો પ્રશ્ન તેમણે પૂછ્યો હતો.

આંદોલન ચાલુ જ રહેશે
મનસે દ્વારા લાઉડસ્પીકર વિરુદ્ધ શરૂ કરવામાં આવેલું આંદોલન આજ પૂરતું સીમિત નહોતું. જ્યાં સુધી તમામ મસ્જિદો પરના અનધિકૃત લાઉડસ્પીકર હંમેશ માટે બંધ ન થાય અને આ સામાજિક સમસ્યા કાયમ માટે નાબૂદ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. અમે પ્રાર્થનાના વિરોધમાં નથી. પરંતુ શા માટે લાઉડસ્પીકર પર પ્રાર્થના કરવા માટે આગ્રહ રાખવામાં આવે છે? મહારાષ્ટ્રમાં આ બંધ થવું જોઈએ. અમે રાજ્યમાં રમખાણો ઇચ્છતા નથી. પણ લાઉડસ્પીકર તો ઉતારવા જ પડશે એમ રાજે કહ્યું.

મને બહારના રાજ્યમાંથી ફોન આવ્યા!
મનસેએ બુધવારે વહેલી સવારે લાઉડસ્પીકર સામે આંદોલન શરૂ કર્યા બાદ પોલીસે મનસેના કાર્યકરોની ધરપકડ કરવાનું શરૂ કર્યું છે, જે બાદ અમારા નેતાઓને રાજ્યના વિવિધ ભાગોમાંથી ફોન આવી રહ્યા છે. મને પોલીસનો ફોન આવ્યો. રાજ્ય બહારથી પણ ફોન આવ્યા હતા. તેથી હું સાંજે 6 વાગ્યે પત્રકાર પરિષદ લેવાનો હતો, પરંતુ કેટલાક મુદ્દાની ચોખવટ જરૂરી હતી એથી સમય બદલાવીને વહેલો કર્યો, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...