થાણે ફેમિલી કોર્ટે એક દાયકાથી વધુ સમયથી વિવિધ દાવાઓમાં ફસાયેલા વૃદ્ધ દંપતીને 30 મિનિટની અંદર છૂટાછેડા મંજૂર કર્યા હતા. વાસ્તવમાં અદાલતે જ બંને પક્ષકારોને પરસ્પર છૂટાછેડા માટે વિચારણા કરવાની સલાહ આપી હતી. દંપતીએ 7 મેના રોજ તેમના દાવાઓ અંગે રાષ્ટ્રીય લોક અદાલતનો સંપર્ક કર્યો હતો. 73 વર્ષની ઉંમરના પતિ અને 65 વર્ષની પત્નીએ કોર્ટની સલાહ સ્વીકારી અને 9 મેના રોજ બપોરે 1.30 વાગ્યાની આસપાસ પરસ્પર છૂટાછેડા માટે અરજી કરી જે બપોરે 2 વાગ્યા સુધીમાં કોર્ટે મંજૂર કરી હતી.
બંને વચ્ચે કાનૂની લડાઈ 2012માં શરૂ થઈ. પત્નીએ થાણે ફેમિલી કોર્ટમાં ભરણપોષણ મેળવવા માટે કેસ દાખલ કર્યો, કારણ કે તે અલગ રહેવા લાગી હતી. આ પછી બંને પક્ષોએ ઘરેલુ શોષણના એક સહિત ચાર જુદા જુદા કેસ દાખલ કર્યા હતા. વૃદ્ધિને સુનાવણી માટે દક્ષિણ મુંબઈથી છેક થાણે સુધીની મુસાફરી કરવી પડતી હતી. આથી દંપતીએ રાષ્ટ્રીય લોક અદાલતનો સંપર્ક કર્યો અને દાયકા લાંબી લડાઈમાંથી રાહત માગી હતી. ત્યાર બાદ પેનલે દંપતી અને તેમના વકીલોનું કાઉન્સેલિંગ કર્યું અને તેમને આ લાંબા ગાળાના મુકદ્દમા અને સંબંધિત ખર્ચમાંથી મુક્ત કરવા માટે, પરસ્પર છૂટાછેડા માટે અરજી કરવા વિચારવાનું કહ્યું.
વયોવુદ્ઘ પતિએ કહ્યું, વિવિધ કેસનો સામનો કરતી વખતે હું શારીરિક, માનસિક અને આર્થિક રીતે સંપૂર્ણપણે થાકી ગયો હતો. આ પ્રક્રિયાએ મારા બાળકો પર પણ અસર કરી હતી.મહિલાનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ જગતાપે જણાવ્યું હતું કે, બંને પક્ષકારોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તેમને પૂછવામાં આવ્યું કે તેઓ ક્યાં સુધી લડત ચાલુ રાખશે. ન્યાયાધીશે તેમને એમ પણ કહ્યું હતું કે, બંનેએ શાંતિપૂર્ણ જીવન જીવવા માટે આનો અંત આવવો જોઈએ. અમારા બંને અસીલો સંમત થયા કારણ કે તે દાયકાથી ચાલતી કાનૂની લડાઈને સમાપ્ત કરવા તૈયાર થયા હતા.
આ પ્રકારનો કદાચ પહેલો જ કિસ્સો
તદનુસાર, દંપતીએ, રાષ્ટ્રીય લોક અદાલત દ્વારા નિર્ધારિત શરતોને ધ્યાનમાં રાખીને, 9 મેના રોજ બપોરે 1.30 વાગ્યે પરસ્પર છૂટાછેડા માટે અરજી કરી હતી અને મુખ્ય ન્યાયાધીશ એસ એન રૂકમેએ કાનૂની પ્રક્રિયાને અનુસરીને 30 મિનિટમાં છૂટાછેડા મંજૂર કર્યા હતા.
પતિએ કહ્યું, “મારી વેદનાને ધ્યાનમાં લેવા અને આટલા ટૂંકા ગાળામાં છૂટાછેડાને અંતિમ સ્વરૂપ આપવા બદલ હું ન્યાયાધીશનો આભાર માનું છું. વૃદ્ધના વકીલ એડવોકેટ સહાનીએ જણાવ્યું હતું કે, “આ કદાચ પહેલી ઘટના છે કે જ્યાં કોર્ટે તે જ દિવસે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓના ગુણોત્તરનો ઉપયોગ કરીને પિટિશનનો નિકાલ કર્યો હોય. એવા કિસ્સાઓમાં બંને પક્ષોના લગ્ન તમામ વ્યવહારિક હેતુઓ માટે નિરર્થક પામેલા હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.