વાલીઓમાં ડરનું વાતાવરણ:સંસ્કારી નગરી પુણેમાં આઠ વર્ષના બાળકની ક્રૂરતાથી હત્યાને લઈ તણાવ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હત્યારા પકડાય નહીં ત્યાં સુધી અંતિમસંસ્કારનો ઈનકાર

સંસ્કારી નગરી તરીકે ઓળખ પામેલા પુણેમાં વધુ એક આંચકાજનક ઘટના બની છે. ફક્ત આઠ વર્ષના બાળકની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી છે. તેનો મૃતદેહ ઘરથી ફક્ત 100 મીટરે મળી આવ્યો છે. બાળકને લક્ષ્મણ દેવાસી તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે. આ ઘટનાને લીધે વાલીઓમાં ડરનું વાતાવરણ ફેલાયું છે. પિંપરી- ચિંચવડમાં ચિખલી ખાતે આ ઘટના નોંધાઈ છે.

આ બાળકની માથામાં પથ્થર મારીને હત્યા કરવામાં આવી છે. રવિવારે બપોર બાદ તે ગુમ થઈ ગયો હતો. આથી માતા- પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી ભારે શોધખોળને અંતે આખરે રવિવારે રાત્રે ઘર નજીકથી લોહીના ખાબોચિયામાં લાશ મળી આવી હતી.

દેવાસીની આંખોમાં સિમેન્ટનો ટુકડો નાખ્યો હતો. પોલીસે રાત્રે 8.30 વાગ્યે મૃતદેહ કબજામાં લીધો હતો, જે પછી સોમવારે એક હજારથી વધુ મારવાડી સમાજના લોકો પોલીસ સ્ટેશનની બહાર ભેગા થઈ ગયા હતા, જેને લીધે મામલો તંગ બન્યો હતો. હત્યારા ઝડપાય નહીં ત્યાં સુધી બાળકના અંતિમસંસ્કાર નહીં કરીએ એવી માગણી આ ક્રોધિત જ્ઞાતિજનો કરતા હતા. એડિશનલ કમિશનર દિલીપ શિંદે, ડીસીપી આનંદ ભોઈટે અને પીઆઈ વસંત બાબર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બાળકના સંબંધીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

શંકાને આધાર ચાર કબજામાં
મૃતદેહનું પોસ્ટમોર્ટમ વાયસીએમ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. સોમવારે પણ સંબંધીઓએ મૃતદેહનો કબજો લીધો નહોતો. બીજી બાજુ પોલીસે તુરંત ટીમો બનાવીને શંકાને આધારે ચાર જણને કબજામાં લીધા હતા અને તેમની આકરી પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. જોકે તે છતાં હત્યા કોણે કરી છે અને ચોક્કસ શું કારણ હોઈ શકે તે પોલીસ જાણી શકી નહોતો. બાળકનો પિતા કરિયાણાની દુકાન ચલાવે છે, જેની પર આખા પરિવારનું ગુજરાન ચાલે છે.

ચીખલી વિસ્તાર સંવેદનશીલ
આ ઘટનાથી ચિખલી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. ચિખલી અગાઉથી જ હત્યા, લૂંટ, ખંડણીની બાબતમાં સંવેદનશીલ માનવામાં આવે છે. ઘરફોડી, ચોરી, છેડતી, ગુંડાઓ દ્વારા હપ્તાબાજીના ગુનાઓ લગભગ રોજ બને છે. 31 માર્ચે રાત્રે ચાર હુમલાખોરોએ કુસુમ નાગરગોજે પર જીવલેણ હુમલો કરીને તેમની ગણેશ હાઉસિંગ સોસાયટીમાં તામ્હાણે બસ્તી સ્થિત પીસીએમસી ફેશન રેડીમેડ કપડાની દુકાનમાં લૂંટ ચલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...