તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર સાઈકલ ટ્રેક માટે ટેન્ડર

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં બીકેસી સિવાય ચાર સાઈકલિંગ ટ્રેક બનાવવાની યોજના

સાઈકલિંગનું મહત્ત્વ વધી રહ્યું છે અને સાઈકલિસ્ટોની સંખ્યા વધી રહી છે. જોકે સાઈકલિસ્ટો માટે અલાયદા માર્ગનો અભાવ છે. આથી સાઈકલિસ્ટોનાં સંગઠનો દ્વારા છાશવારે અલગ સાઈકલ ટ્રેકની માગણી વર્ષોથી કરવામાં આવી રહી છે. તેને પ્રતિસાદ આપતાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર સાઈકલ ટ્રેક પ્લાનિંગ અને ડિઝાઈનિંગ અને જંકશન સુધારણા માટે કન્સલ્ટન્ટની પસંદગી કરવા ટેન્ડર જારી કરવામાં આવ્યાં છે.ટેન્ડર સુપરત કરવાની છેલ્લી તારીખ 28 જૂન રાખવામાં આવી છે.

એક મહિના પૂર્વે ઓથોરિટીએ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે માટે પણ આવાં જ ટેન્ડર જારી કર્યાં હતાં. બાંદરા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) ઉપરાંત શહેરમાં વેપારી કેન્દ્રોને ધ્યાનમાં લેતાં યોગ્ય સ્થળો ખાતે ચાર વધુ સાઈકલિંગ ટ્રેક બનાવવાની યોજના છે. 2011માં ઓથોરિટીએ રૂ. 6 કરોડના રોકાણ સાથે બીકેસીમાં સાઈકલિંગ ટ્રેક બનાવ્યો હતો, પરંતુ સ્કૂટર અને મોટરસાઈકલ રાઈડરો દ્વારા તેનો ઉપયોગ શરૂ કરાયો અને ફોર- વ્હીલરો દ્વારા તેની પર પાર્કિંગ શરૂ થતાં યોજના પડી ભાંગી હતી. હવે એક દાયકા પછી મુંબઈ ઉપનગરના પાલકમંત્રી આદિત્ય ઠાકરેએ શહેરના મુખ્ય રસ્તાઓ પર સાઈકલિંગ ટ્રેક બનાવવાની ઘોષણા કરી છે.

કન્સલ્ટન્ટની નિયુક્તિ પછી કામમાં ગતિ
આ ટેન્ડર થકી કન્સલ્ટન્ટની નિયુક્તિ કરાશે, જે પછી કામને ગતિ મળશે. કન્સલ્ટન્ટ પ્રસ્તાવ તૈયાર કરશે, જેની પર ઓથોરિટી આખરી નિર્ણય લેશે. ટ્રેકની લંબાઈ, સ્થળ, ખર્ચ વગેરે કન્સલ્ટન્ટ દ્વારા પ્રસ્તાવિત કરાશે, જે પછી તેની સમીક્ષા કરાશે, એમ એમએમઆરડીએના અધિકારીએ જણાવ્યું હતું.​​​​​​​

સાઈકલિંગ ટ્રેકની શા માટે જરૂર છે
મુંબઈ જેવા શહેરમાં ટ્રાફિકને લીધે સાઈકલિંગ કરવાનું મુશ્કેલ છે, જેને કારણે આવા ટ્રેક જરૂરી છે. સવારે 7 પછી ટ્રાફિક એટલો હોય છે કે સાઈકલિંગ જોખમી બની જાય છે. આથી અલાયદો માર્ગ જરૂરી છે. સરકારની આ પહેલ સારી છે, પરંતુ ઓથોરિટીએ અમારાં સૂચનો પણ લેવાં જોઈએ. જોકે હમણાં સુધી અમારો કોઈ સંપર્ક કરાયો નથી, એમ સાઈકલિંગ એસોસિયેશનના પ્રેસિડેન્ટ અનિલ તાંબેએ જણાવ્યું હતું. સાઈકલિસ્ટો માટે સાઈકલિંગ ટ્રેક સુધારવા સાથે ફૂટપાથ અને પાદચારી ક્રોસિંગમાં પણ સુધારણા થવી જોઈએ. આ માર્ગો પર અતિક્રમણ નહીં થાય તેનું સ્થાનિક પ્રશાસને વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...