કાર્યવાહી:દસ હજાર ST કર્મચારીઓનો નોકરીમાં વાપસીનો માર્ગ બંધ

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેપો પ્રમુખ દ્વારા તેમને ફરજ પર લેવા માટે ઈનકાર

રાજ્ય સરકારમાં એસટી મહામંડળનું વિલીનીકરણ કરવાની માગણી સાથે છેલ્લા બે મહિનાથી વધુ સમયથી એસટી કર્મચારીઓની હડતાળ ચાલી રહી છે. પરિવહન મંત્રી અનિલ પરબે પગાર વધારાની ઘોષણા કર્યા પછી પણ એસટી કર્મચારીઓ આંદોલન કરવા પર મક્કમ છે. આને કારણે દસ હજાર કર્મચારોને સસ્પેન્ડ કરવાં આવ્યા છે. આ બાબતની સુનાવણીમાં હાજર નહીં રહ્યા તેથી 700 કર્મચારીઓ પર બરતરફીની કાર્યવાહી કરવામાં આવી છે. આ પછી અનેક એસટી કર્મચારીઓએ ડેપો પર જઈને ફરજ ફરીથી શરૂ કરવાની વિનંતી કરી રહ્યા છે.

જોકે સેન્ટ્રલ ઓફિસે આ બાબતે કોઈ સૂચના આપી નહીં હોવાનું કહીને ડેપો પ્રમુખો તેમને ફરજ ફરીથી બજાવવાનું શરૂ કરવા ઈનકાર કરી રહ્યા છે.હડતાળિયા એસટી કર્મચારીઓ આંદોલન પાછું ખેંચીને કામ પર પાછા આવવાની વારંવાર વિનંતી કરી રહ્યા છે. બીજી બાજુ અનુરોધ કરીને પણ હજારો કર્મચારીઓ હડતાળ પર મક્કમ હોવાથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા ચે. મહામંડળની શિસ્ત આવેદન કાર્યપદ્ધતિ અનુસાર સસ્પેન્ડેડ કર્મચારીઓ પર બરતરફીની કાર્યવાહી ચાલી રહી છે.

છેલ્લા બે મહિનાથી સરકાર વિલીનીકરણની માગણી માન્ય કરવા તૈયાર નથી. આથી અનેક એસટી કર્મચારીઓ પર ભૂખમરાનો વારો આવ્યો છે. આવા સમયે આ કર્મચારીઓ ફરજ પર હાજર થવાની માગણી કરી રહ્યા છે. જોકે ડેપો પ્રમુખો તેમને સેવામાં લેવા તૈયાર નથી. આથી એસટી કર્મચારીઓની નોકરીમાં વાપસીનો માર્ગ બંધ થયો હોવાની ચર્ચા છે.

આંદોલનને કોરોનાનો ફટકો
દરમિયાન મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેનો ફટકો હવે એસટી કર્મચારીઓને પણ લાગી રહ્યો છે. આઝાદ મેદાનમાં છેલ્લા બે મહિનાથી એસટી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. જોકે રાજ્ય સરકાર અન મુંબઈ પોલીસે જાહેર કરેલા નવા નિયમોને લીધે આ કર્મચારીઓ ચોક્કસ સમય માટે આઝાદ મેદાનમાં બેસી નહીં શકે.

શોક ચાલુ જ રહેશે
દરમિયાન એસટી કર્મચારીઓનો શોક ચાલુ જ રહેશે એમ કર્મચારીઓએ જણાવ્યું હતું. સરકારના નિયમો અનુસાર અમે સાંજે 5થી સવારે 5 સુધી આઝાદ મેદાનની બહાર નીકળી જઈશું. જોકે સવારે 5 વાગ્યે અમે પાછા આઝાદ મેદાનમાં શોક પાળીશું એમ એસટી કર્મચારીઓએ જણાવ્યું હતું. કર્મચારીઓ વતી લડતા એડવોકેટ ગુણરત્ન સદાવર્તે સાથે અમારી ચર્ચા થઈ ગઈ છે. તે પછી જ અમે આ નિર્ણય લીધો હોવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું. અમારી બહાર રહેવાની અને ખાવાની સુવિધા થઈ ગઈ છે. બીજી બાજુ રાજ્યમાં વિવિધ ડેપોમાં શોક ચાલુ જ રહેશે, એમ પણ તેમણે આ સમયે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...