તપાસ:દસ DCPએ ટ્રાન્સફર ઓર્ડર ફેરવવા દેશમુખ, પરબને રૂ. 40 કરોડ આપ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈડીને આપેલા નિવેદનમાં સચિન વાઝેનો ખળભળાટ મચાવનારો દાવો
  • જોકે મની લોન્ડરિંગ કેસની ચાર્જશીટમાં દેશમુખ કે પરબનાં નામ નથી, પાલાંડે અને શિંદે હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં

મુંબઈના તત્કાલીન પોલીસ કમિશનર પરમવીર સિંહ દ્વારા જારી ટ્રાન્સફરના આદેશને ફેરવવા માટે મુંબઈના 10 ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) દ્વારા રાજ્યના પરિવહન મંત્રી અનિલ પરબ અને તત્કાલીન ગૃહમંત્રી અનિલ દેશમુખને રૂ. 40 કરોડ ચૂકવવામાં આવ્યા હતા, એવો ખળભળાટજનક દાવો એન્ટિલિયા વિસ્ફોટક કેસ અને મનસુખ હિરન હત્યા કેસના મુખ્ય આરોપી બરતરફ એપીઆઈ સચિન વાઝેએ કર્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સામે વાઝેએ નિવેદનમાં આ દાવો કર્યો છે.

ઈડી દ્વારા દેશમુખના ભૂતપૂર્વ પર્સનલ સેક્રેટરી સંજીવ પાલાંડે અને પર્સનલ આસિસ્ટન્ટ કુંદન શિંદે વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં તાજેતરમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. વાઝેનું નિવેદન તેનો જ એક ભાગ છે. જુલાઈ 2020માં પરમવીરે મુંબઈમાં 10 ડીસીપીની સાગમટે બદલી કરવાનો આદેશ જારી કર્યો હતો. વાઝેએ નિવેદનમાં દાવો કર્યો છે કે દેશમુખ તે સમયે રાજ્યના ગૃહમંત્રી હતા અને પરબ પરમવીરે જારી કરેલા ટ્રાન્સફરના આદેશથી ખુશ નહોતા.

આ પછી મને જાણકારી મળી કે ટ્રાન્સફરના ઓર્ડરમાં જેમનાં નામ હતાં તે ડીસીપીઓએ રૂ. 40 કરોડ ભેગા કર્યા હતા, જેમાંથી રૂ. 20-20 કરોડ દેશમુખ અને પરબને આપવામાં આવ્યા હતા, એવો દાવો વાઝેએ કર્યો છે. પાલાંડે અને શિંદેની ધરપકડ ઉપરાંત મની લોન્ડરિંગ કેસમાં દાખલ ચાર્જશીટમાં વાઝેને પણ એક આરોપી બતાવવામાં આવ્યો છે. જોકે ચાર્જશીટમાં દેશમુખ કે તેમના કોઈ પણ પરિવારના સભ્યને આરોપી તરીકે બતાવવામાં આવ્યા નથી. પાલાંડે અને શિંદે હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

ક્રાઈમ બ્રાન્ચની ક્રિમિનલ ઈન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ)ના પ્રભારી પીઆઈ વાઝેની મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈના નિવાસસ્થાન એન્ટિલિયા નજીક 20 જિલેટિન સ્ટિક્સ અને ધમકીનો પત્ર સાથેની એસયુવી મૂકવા સંબંધે અને રાઝદાર થાણેના વેપારી મનસુખ હિરનની હત્યાને મામલે આ વર્ષે માર્ચમાં વાઝેની ધરપકડ કરાઈ હતી, જે પછી તેને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યો છે.

શિંદેને રૂ. 4.6 કરોડ ભરેલી 16 બેગ આપી
ચાર્જશીટમાં જણાવાયું છે કે પાલાંડે અને શિંદેએ મની લોન્ડરિંગ કેસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ઈડી અનુસાર તેની તપાસમાં એવું બહાર આવ્યું છે કે દેશમુખ બાર અને રેસ્ટોરાંવાળા પાસેથી ભેગા કરેલા હપ્તા હસ્તક આપવા માટેવાઝેને કોલ કરતા હતા. દાખલા તરીકે, જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021 વચ્ચે વાઝેએ શિંદેને રૂ. 4.6 કરોડ ભરેલી 16 બેગ આપી હતી, જ્યારે પાલાંડે દેશમુખે આપેલા આદેશોની જાણકારી વાઝેને આપવાનું કામ કરતો હતો.

એપ્રિલમાં દેશમુખ સામે ગુનો
પરમવીર સિંહ દ્વારા ભ્રષ્ટાચારના આરોપ કર્યા પછી એપ્રિલમાં દેશમુખ સામે સીબીઆઈએ ગુનો દાખલ કર્યા પછી ઈડી દેશમુખ અને તેમના સહયોગીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. પરમવીરની આ વર્ષે માર્ચમાં મુંબઈ પોલીસ કમિશનર પદેથી બદલી કરાઈ હતી, જ્યારે એપ્રિલમાં દેશમુખે રાજીનામું આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...