તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ આપના આંગણે:નાશિકની ગુજરાતી શાળાના શિક્ષકો બાળકોને ઘેર ઘેર જઈને ભણાવે છે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

“શિક્ષણ આપના આંગણે” ઉક્તિને નાશિક સ્થિત શ્રી પંચવટી એજયુકેશન સોસાયટી સંચાલિત શ્રી ગોદાવરીબાઈ પ્રાથમિક શાળા અને શેઠ શ્રી આર.પી માધ્યમિક વિદ્યાલય શાળાના શિક્ષક- શિક્ષિકાઓએ સાર્થક કરી છે. કોરોનાના આ કપરા કાળમાં શાળાઓ બંધ છે અને વિદ્યાર્થીઓ શાળામાં આવી શકતા નથી. વળી ઓનલાઇન શિક્ષણમાં પણ બાળકોનો જોઈએ એવો પ્રતિસાદ મળતો ન હોવાથી આ શિક્ષકોએ શિક્ષણના કાર્યને વ્રત તરીકે સ્વીકારી સ્વેચ્છાએ બાળકોને ઘરે જઈને ભણાવવાનું સત્કાર્ય હાથ ધર્યું છે.

પ્રાથમિક અને માધ્યમિક એમ બન્ને શાળાના બધા જ શિક્ષકો વિસ્તાર પ્રમાણે બાળકોને રોજ બે કલાક ભણાવવા જાય છે. સવારે ૧૦ થી ૧ શાળામાં ઓનલાઇન ભણાવે અને ત્યાર બાદ બપોરે ૨ થી ૪ બાળકોને ઘરે ભણાવવા જાય છે. ઘણા વિસ્તાર એવા પણ છે જ્યાં ચોમાસામાં પાણી ભરાય છે અને ગાડી પણ જઈ શકતી નથી એવા વિસ્તારોમાં શિક્ષકો કીચડમાં ચાલીને પણ બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. ઉદ્દેશ માત્ર એક જ છે કે એક પણ બાળક શિક્ષણથી વંચિત નહીં રહેવો જોઈએ. શિક્ષકોના આ વ્રતને સંસ્થાના સંચાલકોએ બિરદાવ્યું અને સંચાલકો પણ શિક્ષકો સાથે બાળકોના ઘરે જઈને શિક્ષણ વિશે પાલકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય હાથ ધર્યું છે.

સંચાલકોનું મિશન માતૃભાષા
આ નાશિકની એકમાત્ર ગુજરાતી શાળા છે જેમના સંચાલકો મિશન માતૃભાષા દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, માજી શિક્ષકોને સાથે લઈને એક જનજાગૃતિ અભિયાન ચલાવે છે, માતૃભાષાના માધ્યમના ભણતરનું મહત્ત્વ વાલીઓ સુધી પહોંચે તે માટે પ્રયત્નો કરે છે. જેના પરિણામ સ્વરૂપ આ વખતે અંગ્રેજી માધ્યમના ૨૫ વિદ્યાર્થીઓ માતૃભાષાના માધ્યમ તરફ પાછા ફર્યા જે એક ઉત્તમ ઉદાહરણ છે કે જો સમાજમાં સાચી સમજણ અપાય તો વાલીઓ આંધળી દોટ પડતી મૂકી સાચા રસ્તે વળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...