મુંબઈ મહાપાલિકા ચૂંટણી:મુંબઈ મહાપાલિકાની 2022ની ચૂંટણી માટે તંત્રની તૈયારી પૂરી

મુંબઈ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધારેલા 9 વોર્ડના અધ્યાદેશ પર રાજ્યપાલની સહી થવાની રાહ જોવાય છે

મુંબઈ મહાપાલિકા ચૂંટણી માટે પ્રશાસન તરફથી તૈયારીઓ પૂરી કરવામાં આવી છે. મુંબઈમાં વધારવામાં આવેલા વોર્ડની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. વધારેલા 9 વોર્ડના અધ્યાદેશ પર રાજ્યપાલની સહી થવાની રાહ જોવાઈ રહી છે એવી માહિતી મહાપાલિકાના અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ આપી હતી. રાજ્યપાલની સહી માટે સમય લાગશે તો આગામી સત્રમાં કાયદો મંજૂર કરીને મુંબઈના વોર્ડની સંખ્યા 227 થી વધારીને 236 કરવામાં આવશે. નિયત મુદતમાં ચૂંટણી પ્રક્રિયા પાર પાડવા મહાપાલિકા પ્રશાસન સક્ષમ છે.

મુંબઈના પશ્ચિમના ઉપનગરોમાં ચારથી પાંચ વોર્ડનો વધારો, પૂર્વના ઉપનગરોમાં ત્રણથી ચાર વોર્ડનો વધારો અને મુંબઈ શહેરમાં એક વોર્ડનો વધારો થવાનો છે. જે ઠેકાણે નવી ઈમારતો, વસતિઓ, તેમ જ લોકસંખ્યાની ઘનતા વધી છે એ ઠેકાણે 9 વોર્ડ તૈયાર કરવામાં આવશે. ઓબીસી અનામત સંદર્ભે નિર્માણ થયેલ પ્રશ્ન મુંબઈ મહાપાલિકા ચૂંટણીમાં અડચણ બની શકશે નહીં કારણ કે મુંબઈમાં ઓબીસી માટે અનામત સીટની સંખ્યા મર્યાદિત છે.

મુંબઈ મહાપાલિકા ક્ષેત્રમાં 2001થી 2011ના દાયકામાં લોકસંખ્યામાં 3.87 ટકા વધારો થયો છે. લોકસંખ્યામાં થયેલો આ વધારો અને વધતું નાગરિકીકરણનો વિચાર કરીને પ્રતિનિધિત્વ નિશ્ચિત કરવું જરૂરી હતું. એ અનુસાર ચૂંટાઈ આવનારા સભ્યોની સંખ્યા વધારવાનું નક્કી કરવામાં આવ્યું.

15 મહાપાલિકાની ચૂંટણી ઠેલાવાની શક્યતા
દરમિયાન આગામી 15 મહાપાલિકાઓની ચૂંટણી આગળ ઠેલવામાં આવે એવી શક્યતા છે. આ ચૂંટણીઓ ફક્ત અને ફક્ત રાજકીય ફાયદા માટે હવે આગળ ઠેલવામાં આવે એવી શક્યતા છે એવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે. ખાસ વાત એટલે પ્રશાસન આ બધી ચૂંટણીઓની પ્રક્રિયા માટે સજ્જ છે. પણ ફક્ત રાજકારણીઓ દ્વારા પોતાના ફાયદા માટે 15 મહાપાલિકાઓની ચૂંટણી આગળ ઠેલશે એવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...