તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિયુક્તિનો વિવાદ:ઊર્મિલા માતોંડકર સહિત 3 સભ્યોની નિયુક્તિ પર હજુ પણ લટકતી તલવાર

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધાન પરિષદમાં12 ઉમેદવારની નિયુક્તિનો વિવાદ
  • 3 ઉમેદવાર નજીકમાં ચૂંટણીઓ હાર્યા હોવાથી નિયુક્તિ નહીં કરી શકાય, મુશ્કેલી હોય તો મુખ્ય મંત્રી અંતિમ નિર્ણય લેશે

વિધાન પરિષદમાં રાજ્યપાલના ક્વોટામાંથી નિયુક્ત કરવામાં આવનારા 12 વિધાનસભ્યોને લઈને વિવાદ ચગી રહ્યો છે ત્યારે નવી માહિતી સામે આવી છે. આ 12 ઉમેદવારોમાંથી ત્રણ નજીકમાં ચૂંટણીઓ હાર્યા છે અને આવા હારેલા ઉમેદવારની વિધાન પરિષદમાં નિયુક્તિ નહીં થઈ શકે એવો નિયમ છે. આ અંગે શું કરી શકાય તેની પર અમે સલાહમસલત કરી રહ્યા છીએ. જો કોઈ મુશ્કેલી હોય તો મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અંતિમ નિર્ણય લેશે, એમ ઉપ મુખ્ય મંત્રી અજિત પવારે ગુરુવારે જણાવ્યું હતું.

જોકે અરુણ જેટલી હાર્યા પછી પણ તેમને નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં લીધા હતા એવો બચાવ પણ તેમણે કર્યો હતો. પવારના આ વક્તવ્યને લઈને શિવસેનાની ઉમેદવાર ઊર્મિલા માતોંડકર અને રાષ્ટ્રવાદીએ સૂચવેલા બે ઉમેદવાર રાજુ શેટ્ટી અને પ્રા. યશપાલ ભિંગેની નિયુક્તિ સામે પ્રશ્નચિહન ઉપસ્થિત થયું છે. નોંધનીય છે કે છેલ્લા આઠ મહિનાથી 12 ઉમેદવારને નીમવા બાબતે મહાવિકાસ આઘાડીના નેતાઓ અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી વચ્ચે વાદવિવાદ ચાલી રહ્યો છે. આખરે બુધવારે ઠાકરે, પવાર અને કોંગ્રેસના બાળાસાહેબ થોરાત રાજ્યપાલને મળ્યા હતા, જે પછી નિયુક્તિનો માર્ગ મોકળો થશે એમ લાગતું હતું.

જોકે હવે નવી મુશ્કેલી આવી છે.રાજુ શેટ્ટી સ્વાભિમાની શેતકરી સંઘટનાના નેતા છે. તેઓ 2019ની લોકસભાની ચૂંટણી હાતકણંગલેથી લડ્યા હતા. તેમાં શિવસેનાના ઉમેદવાર ધૈર્યશીલ માનેએ તેમને હરાવ્યા હતા. વંચિત બહુજન આઘાડીના નેતા યશપાલ ભિંગેને નાંદેડ લોકસભામાં કોંગ્રેસના અશોક ચવ્હાણે હરાવ્યા હતા. આ જ રીતે ઊર્મિલાએ 2019માં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી, પરંતુ ભાજપના ગોપાલ શેટ્ટીએ પરાજિત કરી હતી. આ પછી તેણે કોંગ્રેસ સાથે છેડો ફાડીને શિવસેનામાં પ્રવેશ કર્યો છે.

નોંધનીય છે કે રાષ્ટ્રપતિ નિયુક્ત રાજ્યસભાના સભ્ય સપન દાસગુપ્તાએ પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી લડવા માટે સાંસદપદેથી રાજીનામું આપ્યું હતું. ભાજપ તરફથી ઉમેદવારી અરજી ભરવા પર વિરોધીઓ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આ પછી દાસગુપ્તાએ રાજીનામું આપીને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી લડી હતી. વિધાનસભાની ચૂંટણીમાં દાસગુપ્તા હારી ગયા હતા. આ પછી તેમની ફરીથી રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નિયુક્તિ કરવામાં આવી હતી. આથી આ માપદંડ વિધાન પરિષદમાં લાગુ થશે કે કેમ તે જોવાનું રહેશે.

12 ઉમેદવારો કોણ છે
કોંગ્રેસ સૂચિત નામોમાં સચિન સાવંત, રજની પાટીલ, મુઝફ્ફર હુસૈન, અનિરુદ્ધ વનકર, રાષ્ટ્રવાદી વતી એકનાથ ખડસે, રાજુ શેટ્ટી, યશપાલ ભિંગે, આનંદ શિંદેનાં નામ સૂચવવામાં આવ્યાં છે, જ્યારે શિવસેનાએ ઊર્મિલા માતોંડકર, નીતિન પાટીલ, વિજય કરંજકર, ચંદ્રકાંત રઘુવંશીનાં નામ સૂચવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...