તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વરસાદે પોરો ખાધો હોવાથી મુંબઈગરાઓ પર પાણીકપાત સમસ્યાની લટકતી તલવાર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘણા દિવસથી મુંબઈ શહેરને પાણી પુરવઠો પૂરો પાડતા તળાવોમાં ઝાઝો વધારો થયો નથી

છેલ્લા દસ-બાર દિવસથી વરસાદ ગાયબ છે. તેથી જુલાઈના પહેલા અઠવાડિયા સુધી મુંબઈને પાણીપુરવઠો કરતા તળાવોમાં ઝાઝો વધારો થયો નથી. ગયા વર્ષની સરખામણીએ લગભગ એક લાખ મિલિયન લીટર પાણી વધુ છે છતાં દોઢ કરોડ મુંબઈગરાઓની તરસ છીપાવવા માટે હજી ઘણા વરસાદની જરૂર છે. આ અઠવાડિયાના અંત સુધી વરસાદની રાહ જોઈને પાણીકપાત કરવી કે હજી થોડા દિવસ વરસાદ માટે રાહ જોઈને પછી પાણીકપાતનો નિર્ણય લેવો એનો નિર્ણય મહાપાલિકા આવતા અઠવાડિયે લેશે.

જૂનના પહેલા અઠવાડિયાથી મુંબઈમાં મૂળશધાર વરસાદ થયો હતો પણ છેલ્લા થોડા દિવસથી વરસાદે પોરો ખાધો છે. તેથી ચોમાસામાં મુંબઈગરાઓ પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. બીજી તરફ શહેરને પાણીપુરવઠો કરતા થાણે, પાલઘર, નાશિકના તળાવોના ક્ષેત્રમાં વરસાદ ખાસ પડ્યો નથી. તેથી તાનસા, મોડકસાગર, ભાતસા અને મધ્ય વૈતરણા જેવા સૌથી વધુ પાણી સાચવતા તળાવોમાં પાણીમાં ઝાઝો વધારો થયો નથી. 6 જુલાઈના બધા તળાવોમાં મળીને કુલ 2,70,000 મિલિયન લીટર એટલે કે 18.72 ટકા પાણી બચ્યું છે.

ગયા વર્ષની સરખામણીએ પાણી અત્યારે વધુ છે. તળાવોમાં દસ ટકાની નીચે અનામત સ્ટોક ગણવામાં આવે છે. અત્યારે રહેલું પાણી આઠ ટકા વધુ છે છતાં કુદરતની લીલા જોતા આગામી દિવસોમાં જોરદાર વરસાદ નહીં પડે તો પીવાના પાણીની સ્થિતિ મુશ્કેલ થઈ શકે છે. મહાપાલિકા હંમેશા 30 જુલાઈ સુધી પૂરતું પાણી અને એ પછી વરસાદનો અંદાજ લઈને પાણીકપાતનો નિર્ણય લે છે. અત્યારે રહેલા પાણીના સ્ટોકની સરખામણીએ પાણીકપાતની શક્યતા નથી. છતાં તકેદારી તરીકે મહાપાલિકા ટૂંક સમયમાં નિર્ણય લે એવી શક્યતા છે.

આ વખતે એક લાખ એમએલડી વધુ પાણી
તમામ સાત તળાવો પૂર્ણપણે ભરાઈ જવા 14,47,363 મિલિયન લીટર પાણીની જરૂર છે. અત્યારે 2,70,937 મિલિયન લીટર પાણી છે. 2020ની સરખામણીએ આ વખતે 1,60,692 મિલિયન લીટર પાણી વધારે છે. 2020માં 6 જુલાઈના 11.10 ટકા એટલે કે 1,60,692 મિલિયન લીટર પાણી હતું. 2019માં 14.96 ટકા એટલે કે 2,16,522 મિલિયન લીટર પાણી હતું.

પાણીકપાતના નિર્ણય માટે બેઠક
હવામાન ખાતાએ આ અઠવાડિયાના અંતે ફરીથી જોરદાર વરસાદ પડશે એવો અંદાજ વ્યક્ત કર્યો છે. એની રાહ જોઈએ તેમ જ આવતા અઠવાડિયે પણ વરસાદ નહીં પડે તો કપાતનો નિર્ણય લેવો કે હજી થોડા દિવસ રાહ જોવી એ બાબતે બેઠક લેવામાં આવશે એવી માહિતી મહાપાલિકાના ચીફ વોટર એન્જિનિયર અજય રાઠોડે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...