બોલીવૂડનો યુવા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના શંકાસ્પદ મોતને આગામી 14 જૂને એક વર્ષ થવા જઈ રહ્યું છે ત્યારે તેનો મિત્ર સિદ્ધાર્થ પિઠાનીને શુક્રવારે ડ્રગ કેસના મામલે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી આપવામાં આવી હતી. મુંબઇ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ પિઠાનીની હૈદરાબાદથી 28મી મેએ ધરપકડ કરી હતી અને સ્થાનિક કોર્ટમાંથી ટ્રાન્ઝિટ વોરંટ પર તેને મુંબઈ લાવવામાં આવ્યો હતો.
પિઠાની પર એનડીપીએસ એક્ટ, 1985ની અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ પછી મુંબઈની મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે પિઠાનીને 1 જૂન સુધી એનસીબી કસ્ટડી આપી હતી અને ત્યાર બાદ 4 જૂન સુધી કસ્ટડી આપી હતી. 4 જૂને તેને કોર્ટ સમક્ષ હાજર કરાતાં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી આપી છે.
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટથી પિઠાની ઝડપાયો
સૌથી રસપ્રદ વાત એ છે કે, સોશિયલ મિડિયા પર પિઠાનીની પોસ્ટે એનસીબીને તેની સાચી જગ્યા શોધી કાઢવામાં મદદ કરી હતી. પિઠાની 6 ઓગસ્ટ, 2020થી એનસીબીની તપાસ ટાળી રહ્યો હતો. ત્યાર બાદ તેને એજન્સી દ્વારા ત્રણ વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેણે તમામ સમન્સને અવગણ્યા હતા. આ પછી તેણે એપ્રિલમાં એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ મૂકી હતી. તેને આધારે તે ઝડપાયો હતો. તેણે હૈદરાબાદની જિમમાં પોતાનો પોઝ આપતો એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેને આધારે તેને પકડી પાડવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.