કાર્યવાહી:એન્ટિલિયા કેસમાં સુનીલ માને પણ પોલીસ દળમાંથી બરતરફ

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસ્ફોટક અને હત્યા કેસમાં ચોથા અધિકારીની હકાલપટ્ટી કરી દેવાઈ

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના બહુમજલી ઘર એન્ટિલિયા નજીક 20 જિલેટિન સ્ટિક્સ અને ધમકીભર્યા પત્ર સાથે મહિંદ્રા સ્કોર્પિયો કાર ગોઠવવા અંગે અને થાણેના વેપારી મનસુખ હિરન રાઝ ખોલી નાખશે એવા ડરથી ક્રૂરતાથી તેની હત્યા કરવા સંબંધે સસ્પેન્ડેડ પીઆઈ સુનીલ ધર્મા માનેની પણ પોલીસ દળમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. મુંબઈના પોલીસ કમિશનર હેમંત નગરાલે દ્વારા ભારતીય બંધારણની કલમ 311(2) (બી)ની જોગવાઈ હેઠળ મંગળવારે માનેને પોલીસ સેવામાંથી તુરંત અમલ સાથે બરતરફ કરવામાં આવે છે એવો આદેશ જારી કરવામાં આવ્યો હતો.

આ પૂર્વે માસ્ટરમાઈન્ડ સચિન વાઝે, તેનો સાગરીત રિયાઝ કાઝી અને ખાસ માણસ અને લખનભૈયા એન્કાઉન્ટ કેસમાં દોષી વિનાયક શિંદેને બરતરફ કરવામાં આવ્યા છે. માનેની આ કેસમાં અનેક વાર એનઆઈએ દ્વારા પૂછપરછ પછી ધરપકડ કરવામાં આવી હતી. મનસુખ હિરનની હત્યા થઈ ત્યારે માને ક્રાઈમ બ્રાન્ચની કાંદિવલી શાખાનો પ્રભારી પીઆઈ હતો. તેને વાઝે સાથે સારા સંબંધ હોવાથી મનસુખને ફોન કોલ કરીને માનેએ જ બોલાવી લીધો હતો. આ પછી થાણેમાં રેતીબંદર ખાડી ખાતે લઈ જઈને મનસુખની હત્યા કરવા સુધી માનેએ સક્રિય ભૂમિકા ભજવી હોવાનું એનઆઈએની તપાસમાં બહાર આવ્યું હતું.

નોંધનીય છે કે 25 ફેબ્રુઆરીએ વાઝે અને તેના સાગરીતોએ વિસ્ફોટકો સાથેની સ્કોર્પિયો કાર અંબાણીના ઘર નજીક ગોઠવી હતી. આ પછી બે ગુંડાઓનું એન્કાઉન્ટર કરીને વિસ્ફોટક કેસ ઉકેલી કાઢ્યો છે એવું કહીને વાઝે શાબાશી મેળવવા માગતો હતો.

અન્ય સમાચારો પણ છે...