એશિયાની (અને ભારતની) પહેલી ટ્રેન મુંબઈ અને થાણે વચ્ચે 16 એપ્રિલ 1853ના દોડી હતી. આ ઘટનાને 16 એપ્રિલ 2022ના 169 વર્ષ પૂરા થઈને 170માં વર્ષમાં પદાર્પણ થઈ રહ્યું છે. ભારતની રેલવેના પહેલા પ્રવાસ નિમિત્તે, આઝાદી અમૃત મહોત્સવ, રેલવે સપ્તાહ અને વૈશ્વિક સ્થાપત્ય દિન નિમિત્તે મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની ઈમારત પર આગામી રવિવારે એક લાઈટ એન્ડ સાઉન્ડ કાર્યક્રમ રજૂ થશે. વિકોટરિયા ટર્મિનસ (અત્યારનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ) નામથી જાણીતી મધ્ય રેલવેના હાલના મુખ્યાલયની ઈમારત સ્થાપત્યનો બેનમૂન નમૂનો છે.
આ ભવ્ય ઈમારત મૂળ તો જીઆઈપી રેલવે કાર્યાલય તરીકે નિયોજિત હતી. આર્કિટેક્ટ ફ્રેડરિક વિલિયમ સ્ટીવન્સે આ સ્થાપત્યનો સ્કેચ તૈયાર કર્યો હતો. 1878માં એનું બાંધકામ શરૂ થયું અને 1887માં બ્રિટનના મહારાણી વિકટોરિયાનું નામ આ સ્ટેશનને આપવામાં આવ્યું. આ સ્ટેશન બાંધવા માટે લગભગ એક દાયકાનો સમય લાગ્યો અને એના માટે 16 લાખ 13 હજાર 863 રૂપિયા ખર્ચીને સ્ટીવન્સે એ સમયે એશિયાની સૌથી મોટી ઈમારતના સ્થાપત્યની રચના કરી.
વિકટોરિયા ટર્મિનસની રચના ગોથિક શૈલીમાં ભારતીય સંદર્ભને અનુરૂપ બનાવવામાં આવી. ગોથિક શૈલી મોગલ અને હિંદુ સ્થાપત્યકલાને રંગ તથા જટીલતા પ્રદાન કરે છે. આ સ્થાપત્યમાં પહેલો મહત્વનો ફેરફાર 1929માં કરવામાં આવ્યો. સ્ટેશનને લાગીને પહેલાં અન્ય એક સ્ટેશન ઉપનગરીય પરિવહન માટે અનામત હતું અને એમાં 6 પ્લેટફોર્મ હતા.
ધીમે ધીમે પ્રવાસીઓની વધતી સંખ્યા જોતા સીએસએમટી સ્ટેશનમાંથી છૂટતી લોકલ ટ્રેન અને મેલ-એક્સપ્રેસના પ્લેટફોર્મ તથા ટ્રેનની સંખ્યા પણ વધારવામાં આવી. માર્ચ 1996માં આ સ્ટેશનનું નામકરણ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ કરવામાં આવ્યું. 19મી સદીના ઉતરાર્ધમાં સ્થાપત્યના ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે જુલાઈ 2004માં યુનેસ્કોએ વૈશ્વિક વારસા સ્મારક તરીકે આ ઈમારતની નોંધ કરી. જુલાઈ 2017થી એનું નામ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ કરવામાં આવ્યું.
લાઈટ એન્ડ સાઉન્ડ
ભારતીય રેલવેના 170મા વર્ષમાં પદાર્પણ નિમિત્તે આગામી રવિવારે લાઈટ એન્ડ સાઉન્ડના જુદા જુદા કાર્યક્રમ રજૂ થશે. આ કાર્યક્રમમાં રેલવે કર્મચારી એવા 70 કલાકારો ભારતીય સાંસ્કૃતિક વારસાની રજૂઆત કરશે. એ સમયે સાહિત્યાના 9 રસનો ઉપયોગ કરીને વિવિધ ભાવ દ્વારા રેલવેનો ઈતિહાસ જીવંત કરવામાં આવશે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ઈમારત, રેલવે અને દેશના ઐતિહાસિક પ્રસંગો પર આધારિત વિવિધ ભાવનાઓને દર્શાવતો આ કાર્યક્રમ નૃત્યુ, નાટક, સંગીત, કવિતા અને સ્વરની રજૂઆત દ્વારા કરવામાં આવશે એવી માહિતી રેલવે તરફથી આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.