ભાસ્કર વિશેષ:ચહેરા ગાંઠ સાથેના નવજાત પર સફળ ઉપચાર

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિકારને કારણે સાતમા મહિનામાં જ ડિલિવરી કરવી પડી હતી

બાઈ જેરબાઈ વાડિયા હોસ્પિટલ ફોર ચિલ્ડ્રન ખાતે ૧૪ દિવસના અપરિપક્વ નવજાતના ચહેરા પર વિચિત્ર ગાંઠનો સફળ ઉપચાર કરવામાં આવ્યો છે. હેમેન્જિયોમા નામે ચહેરા પરની આ ગાંઠ બહુ મોટી હતી અને બહુ દુર્લભ ગાંઠ હતી, જે ૧ લાખમાં ૫ વ્યક્તિમાં જોવા મળે છે. કાંદિવલીનાં રહેવાસી ડિંપલ અને તેનો પતિ ગુલશન હેર ક્લિપ્સ બનાવતી ફેક્ટરીમાં કામ કરે છે. ગયા ડિસેમ્બરમાં ગર્ભ રહેતાં તેમની ખુશીનો કોઈ પાર નહોતો, પરંતુ ૩૦મા સપ્તાહમાં અલ્ટ્રાસોનોગ્રાફીમાં આ વિકાર હોવાનું જણાયું હતું, જે પછી ડિંપલને વાડિયામાં દાખલ કરાઈ હતી.

સાતમા મહિને સીઝેરિયન સેકશનથી ડિલિવરી કરવામાં આવી હતી, જે સમયે નવજાત ફક્ત ૧.૫ કિલોનું હતું અને ચહેરા પર જમણી બાજુ ૧૫ બાય ૧૨ સેમીનો મોટો સોફ્ટ ટિશ્યુનો સમૂહ હતો, જેને લીધે ચહેરો કદરૂપો દેખાતો હતો. આ ગાંઠને લીધે નાક, કાનમાં તકલીફ થવા સાથે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી જણાતી હતી.

પેડિયાટ્રિક મેડિસીન ડિપાર્ટમેન્ટનાં હેડ ડો. સુધા રાવે જણાવ્યું હતું કે વિવિધ પરીક્ષણોમાં હેમેન્જિયોમા નામે બીમારી હોવાનું જણાયું હતું, જે રબર જેવો ઊપસેલો ભાગ હતો અને તે ત્વચામાં વધારાની રક્તવાહિનીઓનું બનેલું હોય છે. જન્મના ૧૩મા દિવસે નવજાત શ્વાસ બરોબર લઈ શકે તેવી પ્રક્રિયા કરાઈ હતી. આગામી બે મહિનામાં સોજો ઓછો થયો, નવજાતને વેન્ટિલેટર પરથી દૂર કરાયું અને તે હવે પોતાની મેળે શ્વાસ લેવા લાગ્યું હતું.

૫૭મા દિવસે એમઆરઆઈ કરતાં ગાંઠનો આકાર ૧૫ બાય ૧૨ સેમી પરથી ૪.૮ બાય ૨.૫ સેમી સુધી ઓછો થયો હતો. આગામી થોડાં વર્ષોમાં આ ગાંઠ આપમેળે આકારમાં ઓછી થતી જશે અને નવજાતની વૃદ્ધિ થયા પછી ગાંઠ દેખાતી બંધ થઈ જશે. જોકે ગાંઠનો આકાર બહુ મોટો હોવાને લીધે ચહેરા પર કાયમી નિશાન રહેશે.

નવજાતને ત્રણ મહિના પછી રજા આપવામાં આવી છે. તેની સંભાળ કઈ રીતે રાખવી તે અંગે માતાને તાલીમ આપવામાં આવી છે, જેમાં ખતરાનાં નિશાન અને કટોકટીમાં પ્રાથમિક ઉપચાર કઈ રીતે આપવો તેની જાણકારી આપવામાં આવી છે. ટીમે અહોરાત્ર જહેમત ઉઠાવીને આ સફળ ઉપચાર કર્યો છે, એમ સીઈઓ ડો. મિની બોધનવાલાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...