નિયમોનું કડક પાલન કરવા નિર્દેશ:લગ્ન સમારંભો, થર્ટીફર્સ્ટની પાર્ટીઓમાં નિયમભંગ કરનાર પર સખત કાર્યવાહી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા દ્વારા નવો ફતવો: વોર્ડ સ્તરે પાલિકા કર્મીઓની ટીમો પાર્ટીઓ પર વોચ રાખશે
  • બંધિયાર જગ્યામાં ક્ષમતાના 50% ઃ ખુલ્લી જગ્યાઓમાં 25% જ હાજરી, હોટેલ્સ, રેસ્ટોરાં, થિયેટરો, મોલ્સને નિયમોનું કડક પાલન કરવા નિર્દેશ

કોવિડ-19 વાઈરસનો નવો પ્રકાર ઓમિક્રોન દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી આરોગ્ય યંત્રણા પર દબાણ આવ્યું છે. કોવિડની ત્રીજી લહેર આવે નહીં તે માટે સરકાર અને પ્રશાસન વારંવાર અનુરોધ કરે છે છતાં મોટા ભાગનાં ઠેકાણે કોવિડના નિયમોની ઐસીતૈસી કરવામાં આવી રહી છે. ખાસ કરીને લગ્ન સહિતના સમારંભોમાં નિયમો તોડવામાં આવી રહ્યા છે. તેમાં વળી ક્રિસમસ, થર્ટીફર્સ્ટ અને ન્યૂ ઈયરની પાર્ટીઓની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ હોવાથી ત્રીજી લહેર આવવા માટે નિમિત્ત બની શકે એવો ડર હોવાથી મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલે નવો ફતવો બહાર પાડ્યો છે.

નિયમોની ઐસીતૈસી કરનાર સામે મહાપાલિકાની વોર્ડ સ્તરે ટીમો અને પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે. વિવિધ ઉપાયયોજનાઓને લીધે મુંબઈમાં કોવિડનો પ્રકોપ આજે અંકુશમાં આવ્યો છે. જોકે ઓમિક્રોનને લીધે અનેક દેશોમાં પરિસ્થિતિ વણશી હોઈ ત્યાં લોકડાઉનની પરિસ્થિતિ ઊભી થઈ છે. ભારત અને મહારાષ્ટ્રમાં આવી પરિસ્થિતિ ઉદભવે નહી તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વારંવાર જનતાને સાવધાની રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. જોકે તેને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. લગ્ન અને અન્ય સમારંભોમાં નિયમો તોડવામાં આવી રહ્યા છે. હવે આવા લોકો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.

સરકાર અને પોલીસે પણ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ફોજદારી સંહિતા અનસાર અને ચેપી રોગ વ્યવસ્થાપન કાયદો અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે એવા આદેશ જારી કરાયા છે. ખાસ કરીને ક્રિસમસ, થર્ટીફર્સ્ટ અને ન્યુ ઈયરમાં વિવિધ ઠેકાણે ગિરદી થવાનું જોખમ છે. લગ્ન સમારંભ, અન્ય સમારંભ, હોટેલ્સ, રેસ્ટોરાં, અન્ય સાર્વજનિક આસ્થાપનાઓમાં પણ ગિરદી ટાળવાનું જરૂરી બની ગયું છે, એમ કમિશનરે જણાવ્યું છે.

ખાનગી- સરકારી આસ્થાપનાને અનુરોધ
હોટેલ્સ, રેસ્ટોરાં, થિયેટર, અન્ય સર્વ સરકારી અને ખાનગી આસ્થાપનાઓને પણ હાજરી નિયમ અનુસાર કરવા અને નિયમોનું સખતાઈથી પાલન કરવા નિર્દેશ અપાયા છે. જાહેર પરિવહન સહિત અન્ય બધાં જાહેર સ્થળે રસીકરણ પૂર્ણ કર્યું હોય તેઓ જ પ્રવેશ કરી શકાશે. જાહેર સ્થળ કે આસ્થાપનાઓમાં કાર્યરત સર્વ મનુષ્યબળનું રસીકરણ પૂરું થયેલું જરૂરી છે. કમિશનરે એમ પણ જણાવ્યું કે ક્રિસમસ, નવા વર્ષની સ્વાગત માટેની પાર્ટીઓનું આયોજન ટાળવું જોઈએ. સમારંભોમાં ગિરદી નહીં કરો, કોવિડ પ્રતિબંધાત્મક નિયમોનું પાલન કરો એવો અનુરોધ ચહલે કર્યો છે.

આ નિયમો તોડ્યો તો કાર્યવાહી કરાશે
બંધિયાર હોલ, ક્લબ કે કોઈ પણ અન્ય જગ્યામાં કોઈ પણ સમારંભ, કાર્યક્રમ, ઉપક્રમમાં તે જગ્યાની કુલ ક્ષમતાના 50 ટકા જ લોકો હાજરી આપી શકશે. ખુલ્લી જગ્યાઓમાં તેની ક્ષમતાના 25 ટકા જ લોકો હાજરી આપી શકશે. વળી, આવી જગ્યાઓમાં એક હજારથી વધુ લોકો ભેગા થવાના હોય તો સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણને સૂચના આપવાનું અને પૂર્વમંજૂરી લેવાનું અત્યાવશ્યક છે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...