તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:મહેસૂલ દાવાઓ પર સ્ટે 6 મહિના પછી આપોઆપ રદ થશે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મજબૂત કારણો વિના કોઈ પણ પ્રકરણમાં છ મહિના કરતા વધુ સમય માટે સ્ટે નહીં, રાજ્ય સરકારનો આદેશ

જમીનના પ્રકરણોમાં વર્ષાનુવર્ષ સ્ટે આપવાની મંત્રાલયથી જિલ્લાધિકારી કાર્યાલયોમાં રૂઢી થઈ ગઈ છે જે સુપ્રીમ કોર્ટના આદેશને કારણે બંધ થવાના ચિહ્ન છે. કોઈ પણ મહેસૂલ દાવા પરનો સ્ટે ફક્ત છ મહિના માટે જ રહેશે. એ પછી તે આપોઆપ રદ થશે. મજબૂત કારણો વિના કોઈ પણ પ્રકરણમાં છ મહિના કરતા વધુ સમય માટે સ્ટે આપી શકાશે નહીં એવો સ્પષ્ટ આદેશ રાજ્ય સરકારે કાઢ્યો છે.

ચાલી આવતી રૂઢી અનુસાર જમીનના ફેરફારની નોંધ, જમીનના હક બાબતના દાવાઓ, કુળ કાયદો, કર વસૂલી દાવા, દંડના દાવા વગેરે વિવિધ પ્રકારના દાવાઓની સુનાવણી પ્રાંતાધિકારી, અતિરિક્ત જિલ્લાધિકારી, વિભાગીય આયુક્ત, મહેસૂલ રાજ્યમંત્રી અને મહેસૂલ મંત્રી પાસે થાય છે. સામાન્ય રીતે રાજ્યના પ્રાંતાધિકારી પાસે વર્ષે સાડા ચારથી પાંચ હજાર, અતિરિક્ત જિલ્લાધિકારી પાસે ત્રણથી ચાર હજાર, અપર વિભાગીય આયુક્ત પાસે આઠસોથી હજાર, મંત્રાલયમાં દોઢથી બે હજાર દાવાઓ દાખલ થાય છે. રાજકીય આશીર્વાદ અથવા જુદી જુદી લાલચ દેખાડીને અનેક જણ પોતાના વિરુદ્ધના દાવા પર સ્ટે લાવે છે અને પછી સુનાવણી જ વર્ષો સુધી ચાલતી રહે છે.

આજની તારીખે રાજ્યમાં મહેસૂલ વિભાગમાં વિવિધ તબક્કે જમીન અને મહેસૂલ સાથે સંબંધિત હજારો દાવાઓ વિલંબિત છે. જમીનના ફેરફારના અથવા કોઈએ ગેરકાયદે જમીન પડાવી લીધી હોવાના પ્રકરણમાં સામાન્ય ખેડૂતોને વર્ષો સુધી તારીખ આપવામાં આવે છે. સરકારી વસૂલી પ્રકરણમાં દબાણથી સ્ટે લઈને સરકારનું કરોડો રૂપિયાનું મહેસૂલ ચુકવાતું નથી અથવા ડૂબાડી દેવાય છે. જોકે સુપ્રીમ કોર્ટના એક ચુકાદાનો આધાર લઈને આ રૂઢી પર લગામ તાણવાનો નિર્ણય મહેસૂલ વિભાગે લીધો છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાના પગલે
સુપ્રીમ કોર્ટે એક કેસમાં ગયા વર્ષે 15 ઓકટોબરના કોઈ પણ કોર્ટે દિવાણી કે ફોજદારી કેસમાં આપેલ વચગાળાના સ્ટેની સમયમર્યાદા ફક્ત છ મહિના સુધી રહેશે, કોર્ટ મજબૂત પુરાવાઓને આધારે આવો સ્ટે લંબાવે તો જ આપેલો સ્ટે ચાલુ રહેશે. અન્યથા આ સ્ટે છ મહિના પછી આપોઆપ રદ થશે એવો આદેશ આપ્યો છે. આ નિર્ણયની રાજ્યમાં ચુસ્તતાથી અમલબજાવણી કરવાનો આદેશ મહેસૂલ વિભાગે આપ્યો છે.

આ બાબતે સરકારી નિર્ણય જારી કરવામાં આવ્યો છે એવી માહિતી મંત્રાલયના ઉચ્ચ પદે રહેલા અધિકારીએ આપી હતી. આ આદેશ અનુસાર કોઈ પણ કોર્ટમાં દાખલ મહેસૂલ પ્રકરણમાં ફક્ત છ મહિના માટે સ્ટે આપી શકાશે. મહેસૂલી કોર્ટ મજબૂત પુરાવાઓના આધારે અપવાદાત્મક પરિસ્થિતિમાં વધારવામાં આવેલો સ્ટે ચાલુ રહેશ. નહીં તો છ મહિના પછી સ્ટે આપોઆપ રદ થશે એમ આ આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યાની માહિતી અધિકારીએ ઉમેરી હતી.

અન્ય સમાચારો પણ છે...