નિર્ણય:ગાવસકરને BKCમાં ફાળવેલી જગ્યામાં 33 વર્ષ પછી પણ સ્પોર્ટસ એકેડેમી ગાયબ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો હવે ત્રણ વર્ષમાં બાંધકામ પૂરું નહીં કરે તો જગ્યા પાછી લેવાશે : ગૃહનિર્માણ વિભાગનો નિર્ણય

ક્રિકેટર સુનિલ ગાવસકરને નિવૃત્તિ પછી 33 વર્ષ પૂર્વે રાજ્ય સરકારે બાંદરા- કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં મોકાની જગ્યામાં પ્લોટ આપ્યો હતો. સુનિલ ગાવસકર ક્રિકેટ ફાઉન્ડેશનને આપેલી આ જગ્યામાં ક્રિકેટ સાથે બેડમિંટન, ફૂટબોલ, ટેબલ ટેનિસ જેવી રમતને પરવાનગી આપવાનો નિર્ણય ગૃહનિર્માણ વિભાગે નિર્ણય લીધો હતો. આ સાથે ત્રણ વર્ષમાં તેનું બાંધકામ પૂરું કરીને એકેડેમી શરૂ કરવાની શરત હતી. જોકે અકળ કારણસર તે હજુ શરૂ કરાઈ નથી.વર્તમાન ગૃહનિર્માણ મંત્રી જિતેન્દ્ર આવ્હાડે હવે આ મુદ્દો ઉખેળ્યો છે.

જો ગાવસકરને આ મ્હાડાની જગ્યા અપાયેલી નહીં હોય તો તે રદ કરવામાં આવી હોત એવું ટ્વીટ તેમણે કર્યું છે. આ જગ્યા 2000 ચોરસમીટરની છે. હવે મ્હાડા સાથે 30 દિવસની અંદર ભાડા કરાર કરવો અને કરાર કર્યા પછી એક વર્ષની અંદર જગ્યામાં બાંધકામ શરૂ કરવાનો અને ત્રણ વર્ષમાં તે પૂરું કરીને પ્રશિક્ષણ શરૂ કરવાની શરત પર ગાવસકર ફાઉન્ડેશનને ક્રિકેટ ઉપરાંત અન્ય રમતનું પ્રશિક્ષણ આપવાની પરવાનગી આપી છે.આ જગ્યામાં ક્રિકેટ સાથે અન્ય રમતોનું પણ પ્રશિક્ષણ અપાશે એવી બાંયધરી આપવાની રહેશે.

ઉપરાંત આ એકેડેમાંથી ઊપજનારા નફામાંથી 25 ટકા રકમ સરકાર પાસે જમા કરવાની રહેશે. ગાવસકર ક્રિકેટમાંથી નિવૃત્ત થયા પછી 1988માં ક્રિકેટમાં પ્રશિક્ષણ આપવાની શરતે આ જગ્યા મ્હાડા થકી આપવામાં આવી હતી. જોકે મોકાની આ જગ્યા એમ જ પડી રહી છે. આથી અમુક સંસ્થાઓએ આ જગ્યા તેમને મળે એવી માગણી મ્હાડા પાસે કરી હતી.

દરમિયાન જગ્યા આપતી વખતે મુકાયેલી શરતો શિથિલ કરવામાં આવે એવી માગણી ગાવસકરે જાન્યુઆરી 2020માં કરી હતી. માર્ચ 2021માં મ્હાડાને તેમણે પત્ર લખ્યો હતો. તે માન્ય કરીને ગાવસકરને બેડમિંટન, ફૂટબોલ, ટેબલ ટેનિસની રમતોનું પ્રશિક્ષણ આપવાની પરવાનગી આપી હતી.

જગ્યામાં શું શું બનાવી શકાશે
આ પૂર્વે સંબંધિત જગ્યામાં નવેમ્બર 2002માં હેલ્થ ક્લબ, ફિટનેસ સેન્ટર, જિમ્નેશિયમ, સ્વિમિંગ પૂલ, સ્ક્વોશ અને પ્રશિક્ષણ માટે રહેવાની વ્યવસ્થા અને સ્પોર્ટસ કેફેટેરિયા શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. હવે ક્રિકેટ સાથે અન્ય રમતોનું પ્રશિક્ષણ પણ આપી શકાશે. ઉપરાંત ખેલાડીઓને ઈજા થાય તો ઉપચાર માટે આરોગ્ય કેન્દ્ર, રમત સંબંધી નિષ્ણાતોનું લેક્ચર આયોજન કરવા માટે હોલ પણ ઊભો કરાશે, ઉપરાંત ઈનડોર ક્રિકેટ સ્ટેડિયમને બદલે મલ્ટી ફેસિલિટીઝ સ્પોર્ટસ સેન્ટર વિથ ઈનડોર એન્ડ આઉટડોર ફેસિલિટીઝ એવું નામ આપવા માન્યતા આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...