ભાસ્કર વિશેષ:ઉનાળામાં નેશનલ પાર્કમાં વન વિભાગનું ખાસ ધ્યાન

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તલાવડી પાણીથી ભરેલી રાખવા વનરક્ષકોનું સંપૂર્ણ જંગલમાં પેટ્રોલિંગ

વધતી ગરમી નાગરિકો માટે અસહ્ય બની રહી છે ત્યારે જંગલના મૂગા અને અબોલ પશુપક્ષીઓના શા હાલ થતા હશે? જોકે મુંબઈમાં આવેલા બોરીવલી સ્થિત નેશનલ પાર્કમાં આ બાબતે સ્થિતિ રાહતજનક છે. પશુપક્ષીઓની તરસ છીપાવવા નેશનલ પાર્કનું વન વિભાગ ખાસ ધ્યાન રાખે છે. પાર્કમાં આવેલી તલાવડીઓનું મેઈનટેનન્સ અને એને હંમેશા પાણીથી ભરેલી રાખવા માટે વનરક્ષકો ભરતડકામાં પણ સંપૂર્ણ જંગલમાં ફરીને પેટ્રોલિંગ કરી રહ્યા છે. તેથી જ સખત ગરમીમાં પણ નેશનલ પાર્ક લીલોછમ અને પાણીથી ભરપુર છે.

મુંબઈ અને થાણે શહેરની સીમા પરનેશનલ પાર્ક અને તુંગારેશ્વર અભયારણ્ય છે. નેશનલ પાર્ક 104 સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલું છે અને તુંગારેશ્વર 86 સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલું છે. બંને ઠેકાણાની સંપૂર્ણ હદમાં વન વિભાગની કુલ 47 બીટ છે. આ બીટમાં કાર્યરત વનરક્ષક અને બીજા કર્મચારીઓ ઉનાળામાં પશુપક્ષીઓ તરસથી ટળવળે નહીં એ માટે ખાસ ધ્યાન રાખે છે. પાર્કના સંપૂર્ણ જંગલ ક્ષેત્રમાં તુલસી અને વિહાર તળાવની સાથે જ કુદરતી ઝરાઓ પણ છે. એ સાથે જ 30 થી 40 કૃત્રિમ તળાવડીઓ બાંધવામાં આવી છે.

દર ત્રણ દિવસે આ તમામ તલાવડીઓની સાફસફાઈ કરવામાં આવે છે. પશુપક્ષીઓને પણ નિર્મળ પાણી મળે એ માટે વનરક્ષકો સંપૂર્ણ જંગલમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ વર્ષે ગરમી સખત છે. તેથી નાગરિકો પણ પોતાના ઘરમાં, બારીની બહાર પાણી મૂકીને વ્યવસ્થા કરી રહ્યા છે. જોકે જંગલમાં પશુપક્ષીઓએ પાણી શોધવા માટે ફરવું પડે છે. તેમને એક ચોક્કસ અંતર પર પાણી મળી રહે એ માટે વન વિભાગે જંગલમાં ઠેકઠેકાણે પાણીની તલાવડીઓની વ્યવસ્થા કરી છે. કૃત્રિમ તલાવડીઓમાં ટેંકર દ્વારા પાણી છોડવામાં આવે છે.

એક વખત ભરેલી તલાવડીમાં એક અઠવાડિયા સુધી પાણી રહે છે. તેથી દર સાતઆઠ દિવસે કૃત્રિમ તલાવડીમાં પાણી ભરવા માટે નેશનલ પાર્કના પરિસરમાં ટેંકર મોકલવામાં આવે છે. વન વિભાગના કર્મચારીઓ દરરોજ તડકાની પરવા ન કરતા જંગલ પરિસરમાં પેટ્રોલિંગ કરે છે અને તલાવડીમાં બાકી રહેલા પાણીનો અંદાજ કાઢે છે. તલાવડીમાં ભેગો થયેલ કાદવ અને કચરો સમયસર સાફ કરવામાં આવે છે. પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોવાથી પશુપક્ષીઓના તરસના કારણે મૃત્યુ થતા નથી એમ અધિકારીઓ જણાવે છે.

આદિવાસી પાડાના નાગરિકો પણ મદદે
નેશનલ પાર્કની સંપૂર્ણ હદમાં લગભગ 32 આદિવાસી પાડા છે. ઠેકઠેકાણે કૃત્રિમ તલાવડી ઉપલબ્ધ કરી આપવાની ઝુંબેશમાં આ આદિવાસી પાડાઓના નાગરિકો પણ મદદ કરે છે. આ વર્ષે ઉનાળામાં પશુપક્ષીઓ માટે જંગલમાં ઠેકાઠેકાણે પાણી રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ કામ માટે આદિવાસીઓ વિશેષ શ્રમદાન કરી રહ્યા છે એમ વન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...