વિશેષ કોર્ટનો આદેશ:INS વિક્રાંત ભંડોળની ઉચાપતમાં સોમૈયાને જામીનનો ઈનકાર

મુંબઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પુત્રની જામીન અરજી પર મંગળવારે ફેંસલો

યુદ્ધજહાજ આઈએનએસ વિક્રાંતને ભંગારવાડે જવાથી બચાવવા માટે ભંડોળ ભેગું કરીને તેની ઉચાપત કરવા સંબંધિત છેતરપિંડીના કેસમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયા દ્વારા કરાયેલી આગોતરા જામીન અરજી સોમવારે વિશેષ અદાલતે ફગાવી દીધી હતી.

અદાલતે એવી નોંધ કરી કે સોમૈયાએ પૈસા ભેગા કર્યા તે દર્શાવતાં ચિત્રો છે, એક પત્ર છે, કે તે રાજ્યપાલ પાસે પૈસા જમા કરવા જઈ રહ્યા હતા, પરંતુ તેમણે પૈસા રાજ્યપાલ પાસે જમા કર્યા નથી. સૌમયા વતી વરિષ્ઠ વકીલ અશોક મુંદરગીએ દલીલ કરી હતી કે, ભાજપ, કોંગ્રેસ અને શિવસેના દ્વારા જહાજને બચાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને તેમને હવે રાજકીય વેરઝેરના કારણે નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

મુંદરગીએ રજૂઆત કરી હતી કે 2022માં, લગભગ નવ વર્ષ પછી વાંધો એ છે કે ફરિયાદીને રસીદ આપવામાં આવી નહોતી. તેમણે પ્રશ્ન કર્યો કે આટલા લાંબા સમયથી ફરિયાદી શું કરી રહ્યા હતા. વિક્રાંતના બધા ભાગો 2014માં વેચવામાં આવ્યા હતા, મુંદરગીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે શિવસેના પક્ષ પણ જવાબદાર હતી. તે પણ પૈસા ભેગા કરી રહી હતી. તેમણે કહ્યું કે સોમૈયા હવે સરકારમાં નથી. તેમણે કહ્યું કે તે એક પાર્ટી હતી જેણે કાર્યક્રમનું આયોજન કર્યું હતું.મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગે (ઇઓડબ્લ્યુ) દ્વારા આગોતરા જામીન અરજીનો વિરોધ કરતાં કહ્યું કે, તપાસ અધિકારી સમક્ષ હાજર થવાને બદલે સોમૈયા કોર્ટમાં પહોંચી ગયા છે. નોંધનીય છે કે શિવસેનાના સાંસદ સંજય રાઉત દ્વારા સોમૈયા પિતા- પુત્રએ વિક્રાંતને બતાવવા માટે રૂ. 57 લાખ ભેગા કર્યા તે ક્યાં ગયા એવો પ્રશ્ન કર્યો હતો.

આ પછી નિવૃત્ત લશ્કરી અધિકારી બબન ભીમરાવ ભોસલેએ ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે આઈપીસીની કલમ 406, 420 અને 34 હેઠળ એફઆઈઆર દાખલ કરી છે.પોલીસે કોર્ટને કહ્યું કે, તેમની પાસે ફરિયાદી સિવાય સાક્ષીદારો પણ છે અને આરોપીઓએ સ્વીકાર્યું છે કે, તેઓએ ભંડોળ ભેગું કર્યું હતું. આરોપીએ નાણાં ભેગા કરવા માટે કોઈ સક્ષમ અધિકારી પાસેથી પરવાનગી લીધી નહોતી. જે હેતુ માટે ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની તપાસ કરવી જરૂરી છે અને સોમૈયા સંસદના ભૂતપૂર્વ સભ્ય છે અને પ્રભાવશાળી વ્યક્તિ હોવાથી કેસમાં ફરિયાદી અને સાક્ષીદારો પર દબાણ લાવી પુરાવા સાથે ચેડાં કરી શકે છે અને તેથી તપાસ પ્રક્રિયામાં અવરોધ ઊભો કરી શકે છે.

મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચના ઇઓડબ્લ્યુ યુનિટ-6ના પીઆઈ વિનય ઘોરપડે દ્વારા દાખલ કરવામાં આવેલા જવાબમાં કહેવામાં આવ્યું છે કે ફરિયાદીએ જે પણ માહિતી હતી તે આપી છે. વર્ષ 2022માં ભેગી થયેલી રકમ વિશેની માહિતી પ્રાપ્ત કર્યા પછી, ફરિયાદીને ખાતરી થઈ કે, આ રકમની ઉચાપત કરવામાં આવી છે. તેમણે તરત જ આ સંબંધે ફરિયાદ નોંધાવી. તેઓ કોઈ પણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા નથી.

ફરિયાદ સાત વર્ષ પછી કેમ કરાઈ?
આથી આરોપીઓ દ્વારા કરાયેલા આક્ષેપો કે ફરિયાદ દાખલ કરવામાં સાત વર્ષથી વધુનો વિલંબ થયો છે, અને તે ચોક્કસ રાજકીય પક્ષની સૂચનાઓ હેઠળ કરવામાં આવ્યો છે એ દલીલ યોગ્ય નથી. પોલીસના જવાબ મુજબ, આ કેસમાં ફરિયાદી એક નિવૃત્ત લશ્કરી કર્મચારી છે. તેમણે ઝુંબેશ માટે 2,000 રૂપિયા રોકડા દાનમાં આપ્યા હતા. ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સોમૈયાએ ડિસેમ્બર 2013માં ટ્વીટ કર્યું હતું કે તેઓ યુદ્ધજહાજને બચાવવાની માગણી સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલને મળી રહ્યા છે અને મુંબઈના નાગરિકો તેને બચાવવા માટે 140 કરોડ રૂપિયાનું દાન આપવા તૈયાર છે.

સોમૈયાએ આરોપ નકારી કાઢ્યા
સોમૈયાએ શહેરનાં વિવિધ રેલવે સ્ટેશનોની બહાર ઝુંબેશ ચલાવીને આશરે રૂ. 57 કરોડ ભેગા કર્યા હતા, પરંતુ 2014માં જહાજને તોડી પાડવામાં આવ્યું હતું અને ભંગારમાં વેચવામાં આવ્યું હતું. આમ, જહાજને ભંગારવાડે જતું બચાવવા ભેગાં કરાયેલાં નાણાંનો ઉપયોગ ક્યારેય થયો નહોતો. ફરિયાદ અનુસાર, એક આરટીઆઇ હેઠળની અરજીમાં મહારાષ્ટ્રના રાજ્યપાલના કાર્યાલયે જણાવ્યું હતું કે, સોમૈયાએ આ સંબંધમાં રાજ્યપાલ કાર્યાલયમાં કોઈ પૈસા જમા કરાવ્યા નથી. સોમૈયાએ જોકે બધા આરોપ નકારી કાઢ્યા છે.

અન્ય સમાચારો પણ છે...