કોરોના મહામારી:કોરોનાનો દર્દી મળતાં વરિષ્ઠ ગાયિકા લતા મંગેશકરની સોસાયટી સીલ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વરિષ્ઠ ગાયિકા લતા મંગેશકર મુંબઈના પેડર રોડ સ્થિત પ્રભુકુંજ સોસાયટીમાં રહે છે. આ ઈમારતમાં કોરોનાનો દર્દી મળી આવતા મુંબઈ મહાપાલિકાએ ઈમારત સીલ કરી હતી. આ ઈમારતમાં વરિષ્ઠ નાગરિકો વધારે રહેતી હોવાથી મુંબઈ મહાપાલિકાએ તકેદારીના પગલા તરીકે ઈમારતને સીલ કરી હતી. રાજ્યમાં કોરોનાનો ફેલાવો મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. એમાં મુંબઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યા નિયંત્રણમાં આવી રહી છે ત્યારે લતા મંગેશકર રહે છે એ પ્રભુકુંજ ઈમારતમાં કોરોનાનો દર્દી મળી આવવાથી ખળભળાટ મચી ગયો હતો. આ સોસાયટીના રહેવાસીઓમાં વરિષ્ઠ નાગરિકોની સંખ્યા મોટી હોવાથી સોસાયટી સીલ કરવામાં આવી હતી. આ સંપૂર્ણ સોસાયટી સેનિટાઈઝ કરવામાં આવશે અને પરિસરમાં દવાની ફવારણી કરવામાં આવશે. આ સોસાયટીમાં લતા મંગેશકર સહિત તેમના ભાઈ હ્રદયનાથ મંગેશકર અને બહેન ઉષા મંગેશકર રહે છે.

દરમિયાન મહાપાલિકાની કાર્યવાહી પછી લતા મંગેશકરની તબિયતની પૂછપરછ કરતા અનેક ફોન આવતા થયા હોવાથી તેમણે એક પરિપત્ર કાઢીને માહિતી આપી હતી. પ્રભુકુંજ સોસાયટી બંધ કરવામાં આવી છે કે એમ પૂછતા અનેક ફોન મને આવી રહ્યા છે. મહાપાલિકાએ ઈમારત સીલ કરી છે. વરિષ્ઠ નાગરિકોની સુરક્ષાની દષ્ટિએ આ ઈમારત સીલ કરવામાં આવી છે. કોરોના સંક્રમણથી સતર્ક રહેવાની જરૂરિયાત છે એમ લતા મંગેશકરે નિવેદનમાં જણાવ્યું છે.કોરોનાનો ફેલાવો જોતા અમારી સોસાયટીમાં ગણેશોત્સવ સાદગીથી ઊજવવામાં આવી રહ્યો છે. અમારા કુટુંબના બધાની તબિયત સારી છે. તેથી કુટુંબીઓ બાબતે કોઈએ અફવા ફેલાવવી નહીં.

એક કુટુંબ તરીકે સોસાયટીના બધા લોકો કોરોના બાબતે સતર્ક છે અને કોરોના રોકવાના તમામ નિયમોનું ચુસ્તતાથી પાલન કરવામાં આવી રહ્યું છે. સોસાયટીના વરિષ્ઠ નાગરિકોને કંઈ થાય નહીં એનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અત્યારે ભગવાનની કૃપાથી અને લોકોના આશીર્વાદથી અમારું કુટુંબ સુરક્ષિત છે એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...