સાર્વજનિક ગણેશોત્સવની તૈયારી:ગણેશોત્સવ મંડળોની હજી સુધી ફક્ત 197 અરજી મળી

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષના આધારે આ વર્ષે પરવાનગી અપાશે

ગણેશોત્સવને માંડ એક મહિનો બાકી રહ્યો છે ત્યારે હજી સુધી મુંબઈ મહાપાલિકાને ગણેશોત્સવ મંડળોની ફક્ત 197 અરજી મળી છે. મહાપાલિકાએ ગણેશોત્સવની પરવાનગી માટે 14 જુલાઈથી અરજી મગાવવાની શરૂઆત કરી હતી. કોરોનાના રોગચાળાને લીધે ગણેશોત્સવ મંડળોમાં હજી ઉત્સાહનું વાતાવરણ નથી.

મુંબઈમાં લગભગ 11,000 સાર્વજનિક ગણેશોત્સવ મંડળો છે. એમાંથી જે મંડળો રસ્તા પર મંડપ ઊભો કરીને ગણેશોત્સવ ઉજવે છે એવા મંડળોએ મહાપાલિકાની પરવાનગી લેવી પડે છે. આવા લગભગ 3000 મંડળો દર વર્ષે મહાપાલિકા પાસે પરવાનગી માટે આંટાફેરા કરે છે. દર વર્ષે આ સંખ્યા વધતી રહે છે. દર વર્ષે મહાપાલિકાને સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની અઢીથી ત્રણ હજાર અરજી મળે છે. જોકે આ વર્ષે પરવાનગી આપવાનું ચાલુ કર્યાથી છેલ્લા પોણા ત્રણ મહિનામાં 197 અરજીઓ મળી છે એવી માહિતી મહાપાલિકાના અધિકારીઓએ આપી હતી.

આ વખતના ગણેશોત્સવ પર પણ કોરોનાનો ઓછાયો છે. એમાં ગણપતિ મૂર્તિની મર્યાદા, ઓનલાઈન દર્શન, ફાળો ઉઘરાવવા મનાઈ, મોટી જાહેરાતોના પ્રદર્શન પર બંધી જેવા પ્રતિબંધોના કારણે ગણેશોત્સવ ઉજવવો મંડળોને મુશ્કેલ લાગી રહ્યું છે. ગયા વર્ષે અનેક નાના મંડળોએ ગણેશોત્સવ મંડળોએ ઉજવણી રદ કરી હતી. તેથી આ વર્ષે પણ આ મંડળો ફરીથી ગણેશોત્સવ ઉજવશે એ બાબતે શંકા છે.

મહાપાલિકાની શરતોની અડચણ?
ગયા વર્ષની પરવાનગીના આધારે જ આ વર્ષે પણ ગણપતિ મંડળોને પરવાનગી આપવામાં આવશે. ગયા વર્ષે જેમને પરવાનગી આપવામાં આવી હતી તેમણે ફરીથી પોલીસ અને પરિવહન વિભાગની પરવાનગી માટે ધક્કા ખાવા ન પડે એવી સગવડ આ વર્ષે કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...