કાર્યવાહી:ભચાઉની પરિણીતાના કેસમાં પિતા સહિત છ જણની ધરપકડ

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જાનનો ખતરો હોવાથી રક્ષણ ચાલુ રાખવા આદેશ

આંતરજ્ઞાતિ લગ્નને લીધે જાનનો ખતરો ઊભો કરવાના કેસમાં પોલીસે કચ્છના ભચાઉની પરિણીતાના પતિના ભાઈ, પરિણાતાના પિતા, ભાઈ અને તેની સાથે બળજબરીથી લગ્ન કરનાર સહિત છ જણની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે યુગલને તેમના પરિવારજનોથી ખતરો હોવાથી આગામી સૂચના સુધી તેમનું પોલીસ રક્ષણ ચાલુ રાખવાનો આદેશ જસ્ટિસ શાહરુખ કાથાવાલા અને માધવ જામદારની વેકેશન બેન્ચે શનિવારે આપ્યો હતો.

વધારાનાં સરકારી વકીલ પ્રાજક્તા શિંદેએ કોર્ટને માહિતી આપી હતી કે ધરપકડ કરેલા છ જણમાં પરિણીતાના ગામના સરપંચ અને સમુદાયના પ્રમુખનો પણ સમાવેશ થાય છે. હાઈ કોર્ટે અગાઉ મુંબઈના પોલીસ કમિશનર હેમંત નગરાલેને વિડિયો કોન્ફરન્સ થકી સુનાવણીમાં પોલીસની નિષ્ક્રિયતા માટે ઠપકો આપ્યો હતો. આ પછી ગુરુવારે આરોપીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને આરોપીઓની તે જ દિવસે ધરપકડ કરવામાં આવી હતી.

તેમને મેજિસ્ટ્રેટ કોર્ટે 17 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડી આપી છે. મુંબઈના રહેવાસી યુગલમાં મહિલા (23) આહિર સમુદાયની છે અને ગુજરાતના ભચાઉ તાલુકાના ચૌબારી ગામની છે, જ્યારે પુરુષ (22) બ્રાહ્મણ છે. મહિલા કોમર્સ ગ્રેજ્યુએટ છે, જ્યારે પુરુષ પાસે બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝની ડિગ્રી છે.મે 2021માં આ જ ખંડપીઠ સમક્ષ પોતાની પત્નીને કોર્ટમાં હાજર કરવાના આદેશ આપવા માટે અરજી કરી હતી.

21 મેએ ઓનલાઈન સુનાવણીમાં મહિલાને કોર્ટ સામે એવું કહેવા માટે દબાણ કરાયું હતું કે તેની પાસે તેણીની તસવીરો હોવાથી તે લગ્ન કરવા મજબૂર થઈ હતી. આથી પુરુષની અરજી નકારી કાઢવામાં આવી હતી.શુક્રવારે યુગલ કોર્ટની સામે આવ્યું હતું અને તેમની મુશ્કેલીઓની જાણકારી આપી હતી, જે પછી ખંડપીઠે વકીલો દીપા ચવાણ અને મંજિરી શાહને યુગલ માટે અરજીનો મુસદ્દો તૈયાર કરવા વિનંતી કરી હતી.

યુગલ ફેબ્રુઆરી 2020માં ઘર છોડીને ભાગી ગયું હતું અને 10 દિવસ પછી મુંબઈમાં આવ્યું હતું. માર્ચ 2020માં મહિલાને દુષ્કર્મ અને અપહરણની ફરિયાદ કરવા મજબૂર કરાઈ હતી, જે માટે પુરુષને સાડાચાર મહિના જેલમાં રહેવું પડ્યું હતું. આ પછી મહિલાને ગુજરાતમાં લઈ જવાઈ હતી અને અન્ય સાથે સગાઈ કરી દેવાઈ હતી. 23 ડિસેમ્બરે તે પોતાના માતા- પિતા સાથે જોગેશ્વરીના નિવાસસ્થાને પાછી આવી હતી.

ડિસેમ્બરમાં થાણેમાં લગ્ન કર્યાં હતાં : 24 ડિસેમ્બરે આ યુવા યુગલે થાણેમાં લગ્ન કર્યાં હતાં. 29 ડિસેમ્બરે બંનેના સમુદાયના પર્રમુખોએ તેમને મળીને કહ્યું કે મહિલાએ ચૌબારીમાં પાછા જતી રહેવું જોઈએ, જ્યાં 1 જાન્યુઆરી 2021ના રોજ લગભગ 150 પુરુષો સામે તેનું શોષણ કરાયું હતું અને હુમલો પણ કરાયો હતો. 24 મે, 2021ના રોજ તેને એક એવા પુરુષ સાથે બળજબરીથી પરણાવાઈ, જેણે તેણીને વેચાતી લીધી હોવાનું જણાવ્યું હતું, જેણે પછી તેની પર શારીરિક અને જાતીય હુમલો કર્યો હતો.

યુવતી ઓગસ્ટમાં મુંબઈ ભાગી આવી હતી
13 ઓગસ્ટ, 2021ના રોજ તે મુંબઈમાં ભાગી આવી અને પવઈમાં પતિના ઘરે ગઈ હતી. આ પછી તેને વધુ ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો. લગ્નના સાક્ષીદારોને ધમકાવવામાં આવ્યા અને તેમના સંતાનનું અપહરણ પણ કરાયું હતું. 13 સપ્ટેમ્બરે પુરુષના પિતા પર ક્રિકેટની બેટ અને સ્ટમ્પથી હુમલો કરાયો હતો.

યુગલની ફરિયાદ લેવાનો ઈનકાર
26 ઓક્ટોબરે ભચાફ પોલીસની ટીમે મહિલાને જેની સાથે બળજબરીથી લગ્ન કરાવાયાં હતાં તેના ઘરમાંથી રૂ. 50,000ની રોકડ અને રૂ. 7-8 લાખની જ્વેલરી ચોરીના કેસમાં પૂછપરછ માટે નોટિસ મોકલાવી હતી. યુગલની અરજીમાં જણાવાયું કે તેમની પર ગુજરાતમાં થયેલા અત્યાચારની ફરિયાદ લેવાનો પોલીસે ઈનકાર કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...