અનલોક:રાજ્યમાં દુકાનો રાત્રે 11- હોટેલો 12 સુધી ચાલુ રાખવાની મંજૂરી

મુંબઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં હોવા છતાં બીજી લહેર 100 ટકા ખતમ થઈ નથીઃ ટોપે

મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાના નવા કેસ અને મૃત્યુનું પ્રમાણ અંકુશમાં આવવાને લીધે રાજ્ય સરકાર દ્વારા નિયમોમાં છૂટછાટ આપવામાં આવી રહી છે, જેના ભાગરૂપ દુકાનો અને હોટેલોનો સમય પણ વધારીને આપવામાં આવ્યો છે.

ખાસ કરીને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને વેપારીઓને દિલાસો મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા હવે પછી હોટેલોના રાત્રે 12 વાગ્યા સુધી અને દુકાનોને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવી છે. રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટે દ્વારા મંગળવારે આ અંગેનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. આ આદેશ તુરંત અમલમાં આવ્યો છે.

જોકે સ્થાનિક પ્રશાસન જો તેમને અનુકૂળ જણાતું હોય તો આ સમયમાં નિયંત્રણ લાવી શકે છે, એવી છૂટ પણ આપવામાં આવી છે. બીજી બાજુ 22 ઓક્ટોબરથી થિયેટરો, નાટ્યગૃહોને શરૂ કરવા પરવાનગી આપવામાં આવી છે. ઉપરાંત એમ્યુઝમેન્ટ પાર્કને પણ શરૂ કરવાની પરવાનગી આપી છે. જોકે તેઓ વોટર રાઈડ્સ સિવાયની બધી રાઈડ્સ ચલાવી શકશે એમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

દરમિયાન આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે ત્રીજી લહેર આવવા જેવી પરિસ્થિતિ હાલમાં દેખાતી નથી. કોરોનાનો કોઈ પણ નવો પ્રકાર મળી આવ્યો નથી તે સારી વાત છે. જોકે પરિસ્થિતિ નિયંત્રણમાં આવવા છતાં બીજી લહેર 100 ટકા ખતમ થઈ નથી.

70 ટકા નાગરિકોનું રસીકરણ
આમ છતાં રસીકરણ મહત્ત્વનું છે. તે પૂરું થયા પછી ડર નહીં રહેશે. રાજયમાં હમણાં સુધી 70 ટકા નાગરિકોનું રસીકરણ થઈ ગયું છે. 35 ટકા નાગરિકોએ બંને ડોઝ લઈ લીધા છે. બંને પ્રકારના લોકો મળી 9 કરોડથી વધુ નાગરિકોનું રસીકરણ થયું છે. રસીકરણનો ઉદ્દેશ પાર કરવા દિવાળી સુધી રાજ્યમાં મિશન કવચકુંડલનો અમલ કરાશે.

કોલેજિયનોને રસી મોટો પડકાર
કોલેજિયનોને રસીકરણ એક મોટો પડકાર છે. લોકોએ રસી લેવા માટે સામેથી આગળ આવવું જોઈએ. મુંબઈમાં 85 ટકા રસીકરણ પૂરું થયું છે. બે-ચાર મહિનામાં ચેપનો દર ખાસ્સો ઓછો થયો છે. દોઢ કરોડની વસતિ ધરાવતા મુંબઈમાં વધુ જાનહાનિ નહીં થાય તે માટે પગલાં લેવાઈ રહ્યા છે. દરમિયાન આરોગ્ય અધિકારીઓની નિવૃત્તિની ઉંમર 60 વર્ષ જ રહેશે, જે વધારાશે નહીં. યુવા વર્ગને આગળ લાવવાનું છે. તેમને તક આપવાની છે, એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...