ભાસ્કર વિશેષ:નવા વર્ષે વોટર મેટ્રો શરૂ કરવા તડામાર તૈયારી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ પ્રોજેક્ટનંુ 99 ટકા કામ પૂરું થયું હોવાનું મહારાષ્ટ્ર મેરિટાઈમ બોર્ડે જણાવ્યું

મુંબઈ મહાનગર વિસ્તારમાં જમીન પર અને જમીનની નીચે મેટ્રોનું નેટવર્ક બનાવવામાં આવી રહ્યું છે ત્યારે હવે પાણી પરથી પણ મેટ્રો દોડવાની છે. આ પ્રકલ્પનું 99 ટકા કામ પૂરું થયું હોઈ મુંબઈગરાને નવા વર્ષની ભેટ આપવા માટે પ્રશાસન તડામાર તૈયારી કરી રહ્યું છે.

બહુપ્રતિક્ષિત વોટર ટેક્સી સેવાને ટેક્સી નહીં કહેતાં વોટર મેટ્રો નામ આપવાનો વિચાર ચાલી રહ્યો છે, એમ મહારાષ્ટ્ર મેરિટાઈમ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી અમિત સૈનીએ જણાવ્યું હતું. મુંબઈથી બેલાપુર માર્ગનું 99 ટકા કામ પૂરું થયું છે. સફળ ટ્રાયલ રન પણ લેવામાં આવ્યો છે. બેલાપુર જેટી પર નાનાં કામો બાકી છે.

તે તુરંત પૂર્ણ કરાશે. ઉદઘાટનની તારીખ નિશ્ચિત કરવા રાજ્ય અને કેન્દ્રીય મંત્રાલયસાથે સંપર્ક સાધી રહ્યા છીએ. તે માટે મુંબઈ પોર્ટ ટ્રસ્ટ અને સિડકો પ્રશાસન સાથે સમન્વય સાધીને ફોલો-અપ કરવામાં આવી રહ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.નવી મુંબઈને દક્ષિણ મુંબઈ સાથે જળમાર્ગથી જોડવાની યોજના છેલ્લા ત્રણ દાયકાથી કાગળ પર હતી. સમયાંતરે અવરોધ આવવાથી તે અટવાઈ પડી હતી. રસ્તા માર્ગ પર ટ્રાફિકની ગીચતા ઓછી કરવા સાથે કિનારપટ્ટી આસપાસનાં શહેરોને સીધા મુંબઈ સાથે જોડવાનો ઉદ્દેશ આની પાછળ છે.

ફેરીઓ કેટલી કરવાની તે નક્કી નથી
કેટામરાન શ્રેણીની એપોલો-2 સ્પીડ બોટ આ માર્ગ પર સેવા આપશે. તે માટે ગેટવે એલિફન્ટા જળ પરિવહન સહકારી સંસ્થાને પરવાનગી આપવામાં આવી છે. જોકે આ માર્ગ પર કેટલી ફેરી ચલાવવી તે હજુ નિશ્ચિત નથી. પ્રથમ તબક્કામાં પીક અવરના સમયે બે ફેરી ચલાવવામાં આવશે. પ્રવાસીઓનો પ્રતિસાદ જોયા પછી આગામી નિર્ણય લેવાશે.

12 વોટર મેટ્રોની ઘોષણા કરી
તત્કાલીન શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ 12 માર્ગ પર વોટર મેટ્રો સેવા શરૂ કરનાની ઘોષણા કરી હતી. તેમાં દેશાંતર્ગત ટર્મિનલથી નેરુલ, બેલાપુર, વાશી, ઐરોલી, રેવસ, કારંજા, ધરમતર, કાન્હોજી આંગ્રે ટાપુ અને થાણેનો સમાવેશ થાય છે. બેલાપુરથી થાણે અને ગેટવે ઓફ ઈન્ડિયા-વાશીથી થાણે માર્ગનો સમાવેશ હતો. તેમાંથી મુંબઈથી બેલાપુર કામ પૂરું થવા આવ્યું છે પણ અન્ય માર્ગ માટે રાહ જોવી પડશે.

જળ પરિવહનનું ભાડું વધશે
ઓગસ્ટ - સપ્ટેમ્બરમાં હિસ્સાધારકો સાથે ચર્ચા કરીને મુંબઈથી બેલાપુર જળ પરિવહનના દર (પ્રવાસી દીઠ રૂ. 300) નક્કી કરવામાં આવ્યા હતા. જોકે થોડા સમયથી ડીઝલના ભાવોમાં એકધાર્યા વધારાને લીધે નિયોજિત દરમાં વધારો કરવા બાબતે ચર્ચા ચાલી રહી છે, એમ સૈનીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...