સમન્સ:શિવસેનાનાં સાંસદ ભાવના ગવળીને 20 ઓક્ટોબરે હાજર થવા સમન્સ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મની લોન્ડરિંગ કેસમાં ગવળીના નિકટવર્તીની પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ ધરપકડ કરી છે

મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા શિવસેનાનાં સાંસદ ભાવના ગવળીને હવે 20 ઓક્ટોબરે હાજર થવા માટે સમન્સ જારી કરવામાં આવ્યા છે. 48 વર્ષીય ગવળી યવતમાળ- વાશિમ મતવિસ્તારનાં લોકસભાનાં સભ્ય છે. તેમને અગાઉ 4 ઓક્ટોબરે બોલાવવામાં આવ્યાં હતાં, જોકે અંગત કામોને લઈને તેમણે નવી તારીખ માગી હતી.

ગવળીના નિકટવર્તી સઈદ ખાનની સપ્ટેમ્બરમાં ઈડીએ આ કેસમાં ધરપકડ કરી છે. ખાનને કબજામાં લીધા પછી ઈડીએ પીએમએલએ કોર્ટને જણાવ્યું કે ગવળી આશરે રૂ. 18 કરોડના ભંડોળ માટે ચેડાં કરીને ખાન થકી ટ્રસ્ટ મહિલા ઉત્કર્ષ પ્રતિષ્ઠાનને ખાનગી કંપનીમાં ફેરવી હતી. આ સંબંધમાં અને ખાન સાથે કડી સંબંધમાં ઈડી પૂછપરછ કરવા માગે છે.ઈડીએ કોર્ટને જણાવ્યું છે કે આ પ્રકરણમાં રૂ. 18.18 કરોડના ભંડોળની ઉચાપત કરવામાં આવી છે. ટ્રસ્ટે જાહેર સંસ્થાઓ પાસેથી દસ્તાવેજો અને વ્યવસ્થાપકની સહીઓ સાથે ચેડાં કરીને સેકશન 8 કંપનીમાં ફેરવવા માટે અરજી કરી હતી.

બુક વેલ્યુ (ટ્રસ્ટની)માં રૂ. 69 કરોડની કુલ એસેટ્સ નવરચિત સેકશન 8 કંપનીમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. કંપની ધારા અનુસાર સેકશન 8 કંપનીનો હેતુ કળા, વાણિજ્ય, વિજ્ઞાન, સંશોધન, શિક્ષણ, રમતગમત, ધર્માદા, સામાજિક કલ્યાણ, ધર્મ, પર્યાવરણીય રક્ષણ કે આવા સમકક્ષ હેતુઓ હોવા જોઈએ. કંપનીના ડાયરેક્ટરો ખાન અને ગવળીનાં માતા શાલિનીતાઈ ગવળી હતાં. ગવળી અને અન્ય બે કંપનીનાં સભ્ય બતાવવામાં આવ્યાં હતાં.

ગવળીએ તેમના સાગરીતો સઈદ ખાન, શેરગુલ ખાન અને અન્યો સાથે મળીને ચેડાં કરી ટ્રસ્ટને કંપનીમાં ફેરવી હતી અને ટ્રસ્ટના ભંડોળની ઉચાપત કરી હતી, એમ ઈડીનું કહેવું છે. આરંભિક તપાસ બતાવેછે કે રિસોદ અર્બન કોઓપરેટિવ સોસાયટીમાં ટ્રસ્ટના ખાતામાંથી મોટી રકમ ઉપાડવામાં આવી હતી અને મોટે પાયે રોકડ જમા કરવામાં આવી હતી. સોસાયટી રૂ. 3 લાખથી વધુ રોકડ પ્રાપ્ત કરવા માટે હકદાર નહોતી, એમ સોસાયટીના બ્રાન્ચ મેનેજરે જણાવ્યું હતું. જોકે એક જ દિવસે મોટે પાયે રોકડ જમા કરવામાં આવી અને ઉપાડી પણ લેવાઈ હતી.

મેનેજરે એમ પણ જણાવ્યું કે આ લેણદેણ ફક્ત બુકમાં એન્ટ્રીઓ હતી, પરંતુ વાસ્તવમાં કોઈ રોકડ ઉપાડાઈ નહોતી. ગવળીની સૂચનાથી આ કરાયું હતું, એવો આરોપ છે. ઈડીએ અગાઉ યવતમાળ, વાશિમ અને મુંબઈમાં ઘણાં બધાં સંકુલો પર આ સંબંધમાં દરોડા પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...