સમન્સ:શિવસેનાનાં સાંસદ ભાવના ગવળીને ઈડીનો ત્રીજાે સમન્સ

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉના સમન્સ પર ગવળીએ સમય માગ્યો હતો

શિવસેનાનાં યવતમાળ- વાશિમનાં સાંસદ ભાવના ગવળીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ત્રીજા સમન્સ બજાવવામાં આવ્યા છે. ભાવના ગવળીને હવે 24 નવેમ્બરે ઈડીના કાર્યાલયમાં હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. અગાઉ ગવળીને બે સમન્સ આપવામાં આવ્યા હતા. જોકે તે સમયે ગવળી ઈડી કાર્યાલયમાં હાજર રહ્યાં નહોતાં.

ગવળીને 4 ઓક્ટોબરે બીજા સમન્સ આપવામાં આવ્યા ત્યારે તેમણે તબિયતનું કારણ આપીને તેઓ હાજર રહ્યાં નહોતાં. તે સમયે તેમણે ઈડીની તપાસમાં હાજર રહેવા માટે સમય માગ્યો હતો. ઈડીના ત્રીજા સમન્સ પર હવે તેઓ કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવું રહ્યું.

ભાવના ગવળીના ટ્રસ્ટમાં રૂ. 17 કરોડની કથિત ગેરરીતિ પ્રકરણે ઈડી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સામાજિક કાર્યકર્તા હરીશ સારડાએ ગવળી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન પાસેથી બાલાજી સહકારી પાર્ટિકલ બોર્ડે રૂ. 43.35 કરોડનું કરજ લીધું હતું. હરીશ સારડાએ એવો દાવો કર્યો હતો કે ગવળીએ એનસીડીસી પાસેથી કરજ લીધું હતું, પરંતુ તે કંપની ક્યારેય શરૂ થઈ નહોતી.

ભાવના એગ્રો પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ કંપનીમાં અનિયમિતતા કર્યાનો પણ આરોપ કરવામાં આવ્યો હતો. આ કંપની માટે બે અલગ અલગ બેન્ક પાસેથી રૂ. 7.5 કરોડનું કરજ લેવામાં આવ્યું હતું. આ પછી કંપની ગવળીના ખાનગી સચિવને રૂ. 7.9 કરોડમાં વેચવામાં આવી હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે ગવળીએ ઉંમરના ફક્ત 24મા વર્ષે લોકસભામાં પ્રવેશ કર્યો હતો. આ પછી 2004, 2009, 2014 અને 2019 એમ પાંચ વાર લોકસભાની ચૂંટણી જીતીને રાજકારણમાં તેમણે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું હતું. ઉત્તમ જનસંપર્ક અને કોઈ પણ પડકારને સીધા ઝીલવાની હિંમત તેમનું જમા પાસું માનવામાં આવે છે. છેલ્લાં 20-22 વર્ષમાં ગવળીએ યવતમાળ- વાશિમ મતવિસ્તારના પાણીથી લઈને અન્ય અનેક સમસ્યાઓનો ઉકેલ લાવવામાં તેમણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

અન્ય સમાચારો પણ છે...