રાષ્ટ્રવાદી અવ્વલ:મહાવિકાસ આઘાડીમાં શિવસેનાને સૌથી ઓછું ભંડોળઃ રાષ્ટ્રવાદી અવ્વલ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ પક્ષની સરકારમાં ભંડોળ મેળવવાની બાબતમાં કોંગ્રેસનો બીજો નંબર

શિવસેના, રાષ્ટ્રવાદી અને કોંગ્રેસ આ ત્રણેય પક્ષની મહારાષ્ટ્ર મહાવિકાસ આઘાડી સરકારમાં છાશવારે કોઈક ને કોઈક મુદ્દે મતભેદ સર્જાય છે. શિવસેના અને કોંગ્રેસના વિધાનસભ્યો છાશવારે તેમની સાથે સાવકું વર્તન કરવામાં આવી રહ્યું છે એવી ફરિયાદ કરતા રહે છે. હવે એક એવી ચોંકાવનારી માહિતી સામે આવી છે, જેમાં મુખ્ય મંત્રી શિવસેનાનો હોવા છતાં ભંડોળ મેળવવાની બાબતમાં આ જ પક્ષ જ સૌથી પાછળ હોવાનું બહાર આવ્યું છે.

મહાવિકાસ આઘાડી સરકારમાં આમ તો ત્રણેય પક્ષને ફાળે સમાન ભંડોળ જવું જોઈએ, પરંતુ સામે આવેલી માહિતી પરથી એવું સ્પષ્ટ છે કે સમાન તો ઠીક પણ ભંડોળ મેળવવાની બાબતમાં આ ત્રણેય પક્ષો વચ્ચે મોટી અસમાનતા છે.ભંડોળ મેળવવાની બાબતમાં શરદ પવારની રાષ્ટ્રવાદીનો પ્રથમ ક્રમ આવે છે, જ્યારે હંમેશાં સાવકું વર્તન કરવામાં આવે છે અને નિર્ણય પ્રક્રિયામાં સહભાગી કરાતા નથી એવી ફરિયાદ કરનાર કોંગ્રેસ ભંડોળ મેળવવાની બાબતમાં બીજા ક્રમે આવે છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે મુખ્ય મંત્રી હોવા છતાં શિવસેનાને ભાગે આ ત્રણ પક્ષની સરખામણીમાં સૌથી ઓછું ભંડોળ આવે છે.

બજેટમાંથી મળેલી માહિતી અનુસાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ બજેટ મેળવનારો સૌથી મોટો પક્ષ છે. આ પછી બીજા ક્રમે કોંગ્રેસ અને છેલ્લે શિવસેનાનો નંબર લાગે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે મુખ્ય મંત્રીનો પુત્ર આ આદિત્ય ઠાકરેના પર્યાવરણ ખાતાને પણ મોટો ફટકો પડ્યો છે. પર્યાવરણ ખાતા પાસે રૂ. 420 કરોડની જોગવાઈ છે. જોકે તે છતાં હમણાં સુધી ફક્ત 3 ટકા, એટલે કે, 14 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જ્યારે આદિત્ય ઠાકરેના જ ખાતાની સ્થિતિ આવી હોય તો શિવસેનાના અન્ય મંત્રીઓની સ્થિતિ કેવી હોઈ શકે તેનો અંદાજ સહેજે લગાવી શકાય છે.

અત્રે એ પણ નોંધનીય છે કે ભૂતકાળમાં ભંડોળની બાબતમાં શિવસેનાના અમુક વિધાનસભ્યોએ પણ વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ તેમને ચૂપ કરી દેવાયા હતા. હવે તે ચિત્ર સામે આવ્યું છે તે શિવસેનાના વિધાનસભ્યો માટે ચોંકાવનારું છે એમ કહી શકાય.

ભંડોળની જોગવાઈ કેટલી છે
મહાવિકાસ આઘાડી સરકારમાં શિવસેનાના સૌથી વધુ 56 વિધાનસભ્ય છે તેને માટે રૂ. 52,255 કરોડ, કોંગ્રેસના 43 વિધાનસભ્યો છે, જેને માટે રૂ. 1,00,024 કરોડ અને રાષ્ટ્રવાદી 53 વિધાનસભ્યો સાથે રૂ. 2,24,411 કરોડનું ભંડોળ મેળવે છે.

અન્ય સમાચારો પણ છે...