તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:નેવી એડમિરલના વેશમાં અનેકને ઠગનારો ઝડપાયો

મુંબઇ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

નેવીના એડમિરલ દરજ્જાના અધિકારીનો વેશ ધારણ કરીને નકલી ઓળખપત્રો બનાવીને અનેક લોકોને ઠગનારા નવી મુંબઈના મનીષ અરિસેલા (24)ની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ નેવીથી લઈને સંરક્ષણ મંત્રાલય સુધીના બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા છે, જેનાથી પોલીસ પણ ચોંકી ગઈ છે. નેવીની કેન્ટીનમાંથી ફોન, લેપટોપ, સોનું અને અન્ય જરૂરી વસ્તુઓ અડધી કિંમતમાં અપાવીશ એમ કહીને આરોપીએ એક શખસ સાથે રૂ. 7.32 લાખની છેતરપિંડી કરી હતી. તેણે વાશી પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે શોધખોળ શરૂ કરી હતી.

આરોપીને મેટ્રો સિનેમા પાસેથી ઝડપી લેવાયો હતો. તેની પાસેથી કેપ્ટન આઈડી 6216541 અને નેવીનું નકલી ઓળખપત્ર મળી આવ્યા હતા. ઉપરાંત આરોપી પાસેથી એડમિરલ પદનું ઓળખપત્ર, રક્ષા મંત્રાલયનું નકલી ઓળખપત્ર, નેવી કેન્ટીનમાંથી ખરીદી કરવા જરૂરી નકલી દસ્તાવેજો, ફેલિસિટેશન સેરિમનીનું નકલી આમંત્રણપત્ર, નવી મુંબઈ પોલીસ કમિશનરે સુરક્ષા પૂરી પાડી હોવાનો નકલી પત્ર, નેવીના વેસ્ટર્ન નેવલ કમાન્ડનો નકલી પત્ર, સર્વિસ એપોઈન્ટમેન્ટ બોર્ડનું નકલી પત્ર, ઓટોમોબાઈલ ડિપાર્ટમેન્ટનો નકલી પત્ર મળી આવ્યા છે. ઉપરાંત નેવીનો યુનિફોર્મ પણ જપ્ત કરાયો છે. આરોપીએ હમણાં સુધી અનેક લોકો સાથે રૂ. 16 લાખની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.

તે બારમું ધોરણ ભણેલો છે અને અંગ્રેજી સારું બોલી શકતો હોવાથી લોકોને વિશ્વાસમાં લેતો હતો. કોલ સેન્ટરમાં કામ કર્યું છે, જે પછી પુણેના ખડકવાસલા ખાતે નેવીની ટ્રેનિંગ બાબતે વિગતો મેળવી હતી. નેવી કેન્ટીનમાંથી વસ્તુઓ સસ્તામાં મળે છે એવી માહિતી મળતાં તે નેવીનો યુનિફોર્મ પહેરીને લોકોને કેન્ટીનમાંથી વસ્તુઓ ખરીદી અપાવવાને નામે ઠગવા લાગ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...