આક્ષેપ:પરમવીર સામે આતંકી કસાબને છાવરવાનો ગંભીર આરોપ

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિવૃત્ત એસીપીએ પો. કમિશનર પાસે તપાસની માગ કરી

મહારાષ્ટ્ર પોલીસના નિવૃત્ત એસીપી શમશેર ખાન પઠાણે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહ પર મુંબઈ પર હુમલાના આંતકીઓને છાવરવાનો ગંભીર આરોપ લગાવીને શહેર પોલીસ કમિશનરને એક પત્ર દ્વારા પગલાં લેવાની માગણી કરી છે. પઠાણે પરમવીર પર 26/11ના આતંકવાદી અજમલ આમિર કસાબની મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે કસાબની પાસેથી મળેલા ફોનને પરમવીરે પોતાની પાસે રાખી લીધા હતા અને તે ક્યારેય તપાસ અધિકારીઓને સોંપ્યા નહોતા. તે એ જ ફોન હતો, જેના વડે કસાબ પાકિસ્તાનમાંથી નિર્દેશ મેળવી રહ્યો હતો. પરમવીર પર કસાબની સાથે આવેલા કેટલાક અન્ય આતંકીઓ અને તેના હેન્ડલર્સની મદદ કરવા તથા પુરાવાનો નાશ કરવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. પઠાણે ચાર પાનાંની એક ફરિયાદ મુંબઈના

પોલીસ કમિશનર હેમંત નગરાલેને મોકલી છે. પત્રમાં શમશેર ખાને કહ્યું છે કે 2007થી 2011ની વચ્ચે તે પાયધુની પોલીસ સ્ટેશનમાં સિનિયર પીઆઈ તરીકે તહેનાત હતા. તેમના બેચમેટ એનઆર માલી ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં સિનિયર પીઆઈ તરીકે કાર્યરત હતા. બંનેનાં અધિકાર ક્ષેત્ર મુંબઈ ઝોન-2માં આવે છે. પઠાણે જણાવ્યું છે કે 26/11ના દિવસે કસાબની ધરપકડ ગિરગાવ ચોપાટી વિસ્તારમાંથી કરવામાં આવી હતી. આ અંગેની માહિતી મને જ્યારે મળી ત્યારે મેં એનઆર માલી સાથે ફોન પર વાત કરી હતી.

વાતચીત દરમિયાન માલીએ મને જણાવ્યું હતું કે કસાબની પાસેથી એક મોબાઈલ ફોન પણ જપ્ત થયો છે. વધુમાં તેમણે કહ્યું હતું કે અહીં ઘણા મોટા અધિકારીઓ આવ્યા છે, જેમાં એટીએસના તત્કાલીન ચીફ પરમવીર પણ છે. માલીના જણાવ્યા મુજબ, આ ફોન કોન્સ્ટેબલ કાંબળેની પાસે હતો અને તે પરમવીરે પોતાની પાસે રાખી લીધો હતો. મોબાઈલ ફોન આ મામલામાં સૌથી મહત્ત્વનો પુરાવો હતો. આ ફોનથી કસાબ પાકિસ્તાનમાંથી નિર્દેશ મેળવી રહ્યો હતો. આ ફોન તેના પાકિસ્તાન અને હિન્દુસ્તાનમાંના અનેક હેન્ડલરની લિન્કને સામે લાવી શકતો હતો. આ કારણે આ ઘટનાના થોડા દિવસ પછી મેં માલી સાથે ફરી વાત કરી અને આ મામલામાં થોડી વધુ વિગતો કાઢવાની કોશિશ કરી હતી.

ફોનમાંથી વધુ જાણકારી મળી હોત
માલીએ જણાવ્યું હતું કે, આ કેસની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ મહાલે કરી રહ્યા છે અને પરમવીરે તેમને આ મોબાઈલ ફોન સોંપ્યો નહોતો. એ પછી અમે બંનેએ વાંધો ઉઠાવ્યો કે, આ એક મોટો પુરાવો હતો અને જો તે સોંપવામાં નહીં આવે તો એ દેશના દુશ્મનોની મદદ કરશે. અમને શંકા હતી કે મોબાઈલ ફોનમાં આતંકીઓના પાકિસ્તાન અને ભારતમાં ઉપસ્થિત હેન્ડલરના નંબર હશે. કદાચ ફોન મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને એ સમયે આપવામાં આવ્યો હોત તો વધુ જાણકારી એકત્રિત કરી શકાઈ હોત, કારણ કે 26 તારીખ પછી પણ આતંકવાદીઓએ તેમના હુમલા ચાલુ રાખ્યા હતા.

આતંકી હુમલાના થોડા દિવસ પછી મેં ફરીથી માલી સાથે વાત કરી હતી અને તેમણે મને જણાવ્યું હતું કે તેમણે આ વાત મુંબઈ દક્ષિણ ક્ષેત્રના અધિકારી વેંકટેશમને મુલાકાત કરીને તેમને પરમવીર પાસેથી આ ફોન લઈને તે સંબંધિત તપાસ અધિકારીઓને તપાસ માટે આપવાનું કહ્યું હતું. હું આ કેસનો હિસ્સો નહોતો, આ કારણે મેં આ કેસમાં વધુ ફોલોઅપ લીધું નથી. જોકે એ વાત બધાને ખબર છે કે કસાબની પાસેથી કોઈ પણ ફોન જપ્ત થવા અંગેની માહિતી કોઈ પણ કોર્ટ કે તપાસ એજન્સી સમક્ષ આવી નથી.

કસાબનો મોબાઈલ મળ્યો નથી: નિકમ
મહારાષ્ટ્ર પોલીસના રિટાયર્ડ એસીપી શમશેર ખાન પઠાણે મુંબઈના પૂર્વ કમિશનર પરમવીર સિંહ પર 26-11 મુંબઇ હુમલાના એકમાત્ર જીવીત આંતકવાદી અજમલ આમિર કસાબનો મોબાઇલ છુપાવવા મામલે કરેલા ગંભીર આરોપ પર આ કેસના વિશેષ સરકારી વકીલ ઉજ્જવલ નિકમે “દિવ્ય ભાસ્કર’ને કહ્યું કે, 26-11 મુંબઇ હુમલામાં અન્ય આંતકીઓ પાસેથી 6 થી 7 મોબાઈલ મળ્યા હતા અને એ કોર્ટમાં રજૂ કરાયા હતા, પરંતુ એ વાત પણ ખરી છે કે, એકમાત્ર જીવિત પકડાયેલા આંતકવાદી કસાબનો મોબાઇલ મળ્યો નહોતો. જોકે આ મામલે નિકમની અસરકારક દલીલ અને પુરાવાઓના કારણે કસાબને ફાંસીની સજા મળી હતી.

વેંકટેશમે પણ કોઈ પગલાં લીધાં નહીં
પઠાણે આગળ લખ્યું હતું કે આ વાતથી માલી ખૂબ પરેશાન થયા અને કંઈપણ કહ્યા વગર ત્યાંથી નીકળી ગયા. માલી એટલા માટે પણ પરેશાન હતા કે આ ઘટનાની માહિતી વેંકટેશમને આપવામાં આવી છતાં તેમણે આ અંગે કોઈ પગલાં લીધાં નહોતાં. જોકે માલીએ આ સમગ્ર મામલામાં પોતાની વ્યક્તિગત તપાસ ચાલુ રાખી અને તેમણે જ્યારે ઓફિશિયલ રેકોર્ડ શોધ્યો તો એમાં લખવામાં આવ્યું હતું કે કસાબની પાસેથી કોઈ પણ ફોન મળ્યો નથી. કોઈ પણ આતંકી મોબાઈલ વગર આટલું મોટું ષડયંત્ર કઈ રીતે રચી શકે. એનો અર્થ એ હતો કે મોબાઈલ ફોન મળ્યો હતો અને એને મહાલેને સોંપવામાં આવ્યો નહોતો. પરમવીરે પુરાવાને નષ્ટ કર્યા અને આ સમગ્ર ષડયંત્રમાં તેઓ દેશના દુશ્મનોની સાથે સામેલ હતા. પઠાણે મુંબઈ પોલીસ કમિશનર પાસે માગણી કરતાં જણાવ્યું છે કે હું રિટાયર્ડ એસીપી હોવાના કારણે આ મામલામાં ચૂપ રહી શકું એમ નથી, આ અંગે પરમવીરની સામે એક ફરિયાદ નોંધીને મામલાની તપાસ થવી જોઈએ.

પુરાવા જમા કરાવવાની કહેતા ભડક્યા
પઠાણે જણાવ્યું હતું કે હવે હું રિટાયર્ડ થઈ ચૂક્યો છું, અને સમાજસેવાનું કામ કરી રહ્યો છું. માલી પણ હવે આસિસ્ટન્ટ પોલીસ કમિશનરની પોસ્ટ પરથી રિટાયર્ડ થઈ ચૂક્યા છે. આ અંગે થોડા દિવસ પહેલાં મેં ફરીથી જ્યારે માલીને પૂછ્યું તો તેમણે મને જણાવ્યું હતું કે હું આ પુરાવાની વાત કરવા માટે પરમવીર પાસે ગયો હતો. તેમણે પરમવીરને આ પુરાવાને ક્રાઈમ બ્રાન્ચને સોંપવા માટે પણ કહ્યું હતું, જોકે તેઓ ભડક્યા હતા. તેમણે પોતે સિનિયર હોવાની વાત કહીને માલીને ઓફિસમાંથી બહાર કાઢ્યા હતા. આ દરમિયાન પરમવીરે કહ્યું હતું કે માલી, તમારે આ મામલા સાથે કોઈ લેવાદેવા નથી.

અન્ય સમાચારો પણ છે...