આક્ષેપ:પરમવીર સામે આતંકી કસાબને છાવરવાનો ગંભીર આરોપ

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિવૃત્ત એસીપીએ પો. કમિશનર પાસે તપાસની માગ કરી

મહારાષ્ટ્ર પોલીસના નિવૃત્ત એસીપી શમશેર ખાન પઠાણે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહ પર મુંબઈ પર હુમલાના આંતકીઓને છાવરવાનો ગંભીર આરોપ લગાવીને શહેર પોલીસ કમિશનરને એક પત્ર દ્વારા પગલાં લેવાની માગણી કરી છે. પઠાણે પરમવીર પર 26/11ના આતંકવાદી અજમલ આમિર કસાબની મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે કસાબની પાસેથી મળેલા ફોનને પરમવીરે પોતાની પાસે રાખી લીધા હતા અને તે ક્યારેય તપાસ અધિકારીઓને સોંપ્યા નહોતા. તે એ જ ફોન હતો, જેના વડે કસાબ પાકિસ્તાનમાંથી નિર્દેશ મેળવી રહ્યો હતો.

પરમવીર પર કસાબની સાથે આવેલા કેટલાક અન્ય આતંકીઓ અને તેના હેન્ડલર્સની મદદ કરવા તથા પુરાવાનો નાશ કરવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. પઠાણે ચાર પાનાંની એક ફરિયાદ મુંબઈના પોલીસ કમિશનર હેમંત નગરાલેને મોકલી છે.પત્રમાં શમશેર ખાને કહ્યું છે કે 2007થી 2011ની વચ્ચે તે પાયધુની પોલીસ સ્ટેશનમાં સિનિયર પીઆઈ તરીકે તહેનાત હતા. તેમના બેચમેટ એનઆર માલી ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં સિનિયર પીઆઈ તરીકે કાર્યરત હતા. બંનેનાં અધિકાર ક્ષેત્ર મુંબઈ ઝોન-2માં આવે છે.

પઠાણે જણાવ્યું છે કે 26/11ના દિવસે કસાબની ધરપકડ ગિરગાવ ચોપાટી વિસ્તારમાંથી કરવામાં આવી હતી. આ અંગેની માહિતી મને જ્યારે મળી ત્યારે મેં એનઆર માલી સાથે ફોન પર વાત કરી હતી. વાતચીત દરમિયાન માલીએ મને જણાવ્યું હતું કે કસાબની પાસેથી એક મોબાઈલ ફોન પણ જપ્ત થયો છે. વધુમાં તેમણે કહ્યું હતું કે અહીં ઘણા મોટા અધિકારીઓ આવ્યા છે, જેમાં એટીએસના તત્કાલીન ચીફ પરમવીર પણ છે. માલીના જણાવ્યા મુજબ, આ ફોન કોન્સ્ટેબલ કાંબળેની પાસે હતો અને તે પરમવીરે પોતાની પાસે રાખી લીધો હતો. મોબાઈલ ફોન આ મામલામાં સૌથી મહત્ત્વનો પુરાવો હતો. આ ફોનથી કસાબ પાકિસ્તાનમાંથી નિર્દેશ મેળવી રહ્યો હતો. આ ફોન તેના પાકિસ્તાન અને હિન્દુસ્તાનમાંના અનેક હેન્ડલરની લિન્કને સામે લાવી શકતો હતો. આ કારણે આ ઘટનાના થોડા દિવસ પછી મેં માલી સાથે ફરી વાત કરી અને આ મામલામાં થોડી વધુ વિગતો કાઢવાની કોશિશ કરી હતી.

ફોનમાંથી વધુ જાણકારી મળી હોત
માલીએ જણાવ્યું હતું કે, આ કેસની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ મહાલે કરી રહ્યા છે અને પરમવીરે તેમને આ મોબાઈલ ફોન સોંપ્યો નહોતો. એ પછી અમે બંનેએ વાંધો ઉઠાવ્યો કે, આ એક મોટો પુરાવો હતો અને જો તે સોંપવામાં નહીં આવે તો એ દેશના દુશ્મનોની મદદ કરશે. અમને શંકા હતી કે મોબાઈલ ફોનમાં આતંકીઓના પાકિસ્તાન અને ભારતમાં ઉપસ્થિત હેન્ડલરના નંબર હશે. કદાચ ફોન મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને એ સમયે આપવામાં આવ્યો હોત તો વધુ જાણકારી એકત્રિત કરી શકાઈ હોત, કારણ કે 26 તારીખ પછી પણ આતંકવાદીઓએ તેમના હુમલા ચાલુ રાખ્યા હતા.

આતંકી હુમલાના થોડા દિવસ પછી મેં ફરીથી માલી સાથે વાત કરી હતી અને તેમણે મને જણાવ્યું હતું કે તેમણે આ વાત મુંબઈ દક્ષિણ ક્ષેત્રના અધિકારી વેંકટેશમને મુલાકાત કરીને તેમને પરમવીર પાસેથી આ ફોન લઈને તે સંબંધિત તપાસ અધિકારીઓને તપાસ માટે આપવાનું કહ્યું હતું. હું આ કેસનો હિસ્સો નહોતો, આ કારણે મેં આ કેસમાં વધુ ફોલોઅપ લીધું નથી. જોકે એ વાત બધાને ખબર છે કે કસાબની પાસેથી કોઈ પણ ફોન જપ્ત થવા અંગેની માહિતી કોઈ પણ કોર્ટ કે તપાસ એજન્સી સમક્ષ આવી નથી.

અન્ય સમાચારો પણ છે...