જાહેરાત:1 ડિસેમ્બરથી રાજ્યમાં 1થી 4 ધોરણ સુધી સ્કૂલો શરૂ થશે

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટૂંક સમયમાં કોરોના નિયમાવલી જાહેર કરાશે

પહેલાથી ચોથા ધોરણ સુધીની સ્કૂલો 1 ડિસેમ્બરથી શરૂ કરવાનો નિર્ણય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ પહેલાં જ પાંચમા ધોરણથી ઉપરના વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. હવે પહેલાથી ચોથા ધોરણ સુધીના ક્લાસ શરૂ કરવામાં આવવાથી રાજ્યમાં તમામ સ્કૂલો શરૂ થશે. આ સંદર્ભે ટૂંક સમયમાં કોરોના નિયમાવલી જાહેર કરવામાં આવશે એમ પ્રશાસન તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું પહેલાથી ચોથા ધોરણ સુધી બાળકો નાના હોવાથી તેમની સુરક્ષાનું ધ્યાન મુખ્યત્વે સ્કૂલો પર રહેશે. સ્કૂલના શિક્ષકો, પ્રિન્સિપાલ અને સ્કૂલ પ્રશાસનને આ સંદર્ભના યોગ્ય આદેશ આપવામાં આવશે.

ગ્રામીણ ભાગોમાં પાંચમાથી બારમા અને શહેરી ભાગોમાં આઠમાથી બારમા ધોરણ સુધી સ્કૂલ-કોલેજ શરૂ કરવામાં આવી હતી. એ પછી ગ્રામીણ ભાગોમાં પહેલાથી ચોથા અને શહેરી ભાગોમાં પહેલાથી સાતમા ધોરણ સુધી સ્કૂલ શરૂ કરવા બાબતે ચર્ચા ચાલુ થઈ હતી. એની ફાઈલ મુખ્યમંત્રીને મંજૂરી માટે મોકલી હતી. ગુરુવારે થયેલી મંત્રીમંડળની બેઠકમાં એના પર સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એમ સ્કૂલ શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું.

રાજ્ય સરકારના આ નિર્ણયના કારણે હવે રાજ્યમાં ગ્રામીણ અને શહેરી ભાગોમાં પહેલાથી બારમા ધોરણ સુધી તમામ વર્ગની સ્કૂલ શરૂ થઈ છે. આગામી સમયમાં આ વર્ગ માટે લાગુ કરવાની નિયમાવલી બાબતે ટાસ્ક ફોર્સ સાથે ચર્ચા કરવામાં આવશે. વિદ્યાર્થીઓના વાલી, શિક્ષકો સાથે ચર્ચા કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષિત અને આરોગ્યપ્રદ વાતાવરણ કેવી રીતે આપવામાં આવશે એનું ધ્યાન રાખવામાં આવશે એમ પણ ગાયકવાડે પત્રકાર પરિષદમાં આ નિર્ણયની માહિતી આપતા ઉમેર્યું હતું. બાળકોનું કોઈ શૈક્ષણિક નુકસાન ન થાય એનું ધ્યાન રાખવામાં આવશે. બાળકો સાથે બેસીને ભણે એવી જરૂરિયાત નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. એ અનુસાર ચર્ચા કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...