કાર્યવાહી:રાજ ઠાકરે સામે સાંગલીની કોર્ટે જૂના પ્રકરણમાં ધરપકડ વોરન્ટ જારી કર્યું

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંગલીમાં આંદોલન દરમિયાન દુકાનો બંધ કરાવવા પ્રકરણે કેસ

મનસે પ્રમુખ રાજ ઠાકરેએ મસ્જિદ પરના લાઉડસ્પીકરો ઉતારવા માટે આપેલા અલ્ટિમેટમને લઈ તેમની સામે ગુનો બને છે કે કેમ તે અંગે ગૃહખાતું મેરેથોન બેઠકો લઈ રહ્યું છે ત્યારે જ રાજ સામેએક જૂનો કેસ બહાર કાઢવામાં આવ્યો છે. સાંગલી શિરાલા કોર્ટે મનસે પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. વોરંટ ગયા મહિને જારી કરવામાં આવ્યું હતું. જોકે મુંબઈ પોલીસે આ કેસમાં કોઈ કાર્યવાહી કરી નહોતી. રાજ ઠાકરે છેલ્લા થોડા સમયથી હિંદુત્વને મુદ્દે આક્રમક બનતાં તેમની સામે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

રાજ ઠાકરે સાથે મનસેના અન્ય એક નેતા શિરીષ પારકર સામે પણ વોરન્ટ જારી કરાયા છે. મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડેને રાજ ઠાકરેની ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરવા અને ખેરવાડી પોલીસને પારકરની ધરપકડ કરીને હાજર કરવા આદેશ આપવામાં આવ્યો છે, એમ સહાયક સરકારી વકીલ જ્યોતિ પાટીલે મંગળવારે જણાવ્યું હતું. રાજ ઠાકરે વિરુદ્ધ 2008માં દાખલ કરાયેલા કેસ પ્રકરણમાં બિનજામીનપાત્ર ધરપકડ વોરન્ટ જારી કરવામાં આવ્યું છે. આ કેસમાં ભારતીય ફોજદારી સંહિતાની કલમ 109, 117, 143 અને મુંબઈ પોલીસ એક્ટની કલમ 135 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

હાઈ કોર્ટના આદેશ મુજબ કેસનો નિકાલ કરવામાં આવી રહ્યો છે એવું કારણ આપવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે સાંગલીના મનસે કાર્યકર તાનાજી સાવંતે 2018માં આંદોલન શરૂ કર્યું હતું. આ સમયે વિસ્તારની દુકાનો બળજબરીથી બંધ કરાવવામાં આવી હતી. બાદમાં તાનાજી સાવંત અને રાજ ઠાકરે સામે કેસ નોંધવામાં આવ્યો હતો.સાંગલી કોર્ટે મુંબઈના પોલીસ કમિશનરને રાજ ઠાકરેની ધરપકડ કરવાનો સીધો નિર્દેશ આપ્યો હતો. 6 એપ્રિલના રોજ આ વોરંટ જારી કરવામાં આવ્યું હતું.

જોકે મુંબઈ પોલીસે વોરંટ પર કાર્યવાહી કરી નહોતી. વોરંટની નકલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ કેસ 10 વર્ષથી વધુ જૂનો છે. બિન-જામીનપાત્ર વોરંટની નકલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ કેસ 10 વર્ષથી વધુ જૂનો છે. હાઈ કોર્ટના નિર્દેશ મુજબ, 5-10 વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ કેસોને વહેલામાં વહેલી તકે ક્લિયર કરવા જોઈએ અને તેથી વોરંટનો અમલ કરવા અને કોર્ટમાં રિપોર્ટ સુપરત કરવા માટે ખાસ કોન્સ્ટેબલની નિમણૂક કરાઇ છે.

શું છે મામલો?
2008માં રેલવે ભરતીમાં સ્થાનિક ભૂમિપુત્રોને અગ્રતા આપવાની માગણીકરવામાં આવેલા આંદોલન પ્રકરણે કલ્યાણ કોર્ટના આદેશથી રાજ ઠાકરેની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડના વિરોધમાં શિરાલા તાલુકાના શેડગેવાડી ગામમાં મનસે કાર્યકર્તાઓએ ધરણાં કર્યાં અને દુકાનદારોને તેમની દુકાનો બંધ કરવાની ફરજ પાડી હતી. આ અંગે શિરાલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલામાં શિરાલા ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં રાજ ઠાકરે સહિત મનસેના 10 કાર્યકરો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ જ પ્રકરણમાં શિરાલાની કોર્ટે સુનાવણીની તારીખે કોર્ટમાં હાજર ન રહેવા બદલ મનસે પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...