ભાસ્કર વિશેષ:સોનાના ભાવો સ્થિર થતાં વેચાણ વધવાની આશા

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અર્થવ્યવસ્થા પણ ઊભરી રહી હોવાથી ગ્રાહકો ખર્ચ કરવા પ્રોત્સાહિત થશે

દુનિયામાં સોનાના સૌથી મોટા ઉપભોક્તા ભારતમાં સોનાના ઊછળતા ભાવો અને મહામારીની અસરે ભારતના ઝવેરીઓ પર છેલ્લાં બે વર્ષમાં જોરદાર ફટકો પડ્યો હતો. જોકે હવે લોકડાઉનના નિયમો હળવા થયા છે, સોનાના ભાવો સ્થિર થયા છે અને અર્થવ્યવસ્થા ફરીથી ઊભરવા લાગી હોવાથી આગામી તહેવારની મોસમ અને લગ્નસરામાં વેચાણ વધવાની ઝવેરીઓમાં આશા બંધાઈ છે.

દેખીતી રીતે જ ગયા વર્ષની તુલનામાં આ વર્ષ સારું રહેશે એવું દેખાય છે. ગ્રાહકોના સેન્ટિમેન્ટમાં નાટકીય રીતે સુધારો થયો છે. બીજી બાજુ પ્રવાસ પર ખર્ચ ઓછો થયો છે. આવાં અનેક પરિબળોને લીધે ગ્રાહકો ઝવેરાત પર વધુ ખર્ચ કરવાની સંભાવના છે, જે ઝવેરાત માટે ઉત્તમ તક છે, એમ જ્વેલ મેકર વેલફેર એસોસિયેશનના અધ્યક્ષ સંજયભાઈ શાહે જણાવ્યું હતું.

બજારમાં નવો પ્રાણ ફૂંકવા માટે ઝવેરીઓ ખરીદદારોને ઉત્તમ મૂલ્ય આપવા માટે નવી રેન્જ રજૂ કરી રહ્યા છે અને ટેક- સાવી યુવા ગ્રાહકોને આકર્ષવા માટે ડિજિટલ પદ્ધતિથી પણ ગોલ્ડ વેચી રહ્યા છે. ઓક્ટોબર નવેમ્બરમાં વર્ષનાં વેપારમાંથી આશરે 25 ટકા ધંધો થાય છે.

2020ના છેલ્લા ત્રણ મહિનામાં સોનાની માગણી માટે વર્ષનું સૌથી મજબૂત ત્રિમાસિક રહ્યું હતું. જોકે એકંદરે મહામારી અને સોનાના ઉચ્ચ ભાવોએ 2020માં માગણી ત્રીજા ભાગ જેટલી ઓછી થઈને 25 વર્ષમાં સૌથી નીચે રહી હતી, એવું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની આંકડાવારી કહે છે.ભારતીય રૂપિયામાં નબળાઈ સાથે વૈશ્વિક દરોમાં વધારાને લઈને ગયા વર્ષે ઓગસ્ટમાં સોનાના ભાવ તોલાના રૂ. 56,000થી વધી ગયા હતા. જોકે તાજેતરમાં તે રૂ. 48,000 આસપાસ સ્થિર થયા છે અને તેથી ગ્રાહકો ખરીદી કરવા માટે પ્રેરિત થઈ શકે છે.

તહેવારોની મોસમમાં લોકો લગડી, સિક્કા, દાગીનાની વધુ ખરીદી કરશે એવો અંદાજ છે. 2020માં લોકોની આવકની અનિશ્ચિતતા, નોકરીની અનિશ્ચિતાની અસર સૌએ મહેસૂસ કરી હતી, પરંતુ હવે તેમાંથી લોકો બહાર આવી ગયા છે અને ખરીદીના સેન્ટિમેન્ટ્સ ઉચ્ચ છે, એમ તેમણે જણાવ્યું હતું.

સંગઠિત સેગમેન્ટને લાભ
ઓછી આયાત ડ્યુટી અને જૂન 2021થી ફરજિયાત હોલમાર્કિંગની રજૂઆતમાંથી બજારના સંગઠિત સેગમેન્ટને લાભ થશે, જેને લીધે વેપાર ગયા વર્ષ કરતાં વધુ સ્પર્ધાત્મક બનશે. દરમિયાન સરકાર દ્વારા કોરોના સંબંધી નિયમો હળવા કરવાને લીધે લોકો હવે ફરીથી ધામધૂમથી લગ્ન ઊજવવનું શરૂ કરશે, જેને લીધે દેખીતી રીતે જ દાગીનાઓની માગણીમાં ફરીથી ઉછાળો આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...