તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહત્ત્વપૂર્ણ નિર્ણય:મંત્રાલયમાંથી 300 પાવરફુલ અધિકારીઓની સાગમટે બદલી

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકાદ સેક્રેટરી કરતાં પણ આ અધિકારીઓ વધુ પાવર બતાવતા હતા

એન્ટિલિયા વિસ્ફોટક કેસ બાદ ક્રાઈમ બ્રાન્ચમાં સેંકડો અધિકારીઓની સાગમટે બદલીઓ બાદ હવે મંત્રાલયના તથાકથિત પાવરફુલ અધિકારીઓનો વારો ઉદ્ધવ ઠાકરે સરકારે કાઢ્યો છે. એકાદ સેક્રેટરી કરતાં પણ વધુ પાવર હોવાનું મનાતા આ અધિકારીઓ વર્ષોવર્ષ એક જ જગ્યા પર ધામો નાખીને બેઠેલા હતા. આવા 300 અધિકારીઓની ઠાકરે સરકારે બદલી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.સાગમટે 300 અધિકારીઓની બદલી કરવાની અગાઉ કોઈ મુખ્ય મંત્રીઓએ હિંમત કરી નહોતી. જોકે ઠાકરેએ આ પ્રથા તોડતાં ધામો નાખીને બેઠેલા અધિકારીઓની સાગમટે બદલી કરીને અન્ય અધિકારીઓને પણ કડક સંદેશ મોકલ્યો છે એવું માનવામાં આવે છે.

મત્રાલયમાં અનેક અધિકારીઓ એક જ વિભાગમાં વર્ષોથી ધામો નાખીને બેઠેલા હતા. તેઓ વિભાગના સેક્રેટરી તો ઠીક પણ કેબિનેટ સભ્ય કરતાં પણ વધુ પ્રભાવશાળી હતા. કોઈ પણ કેબિનેટ સભ્ય તેમની બદલી કરવાની હિંમત કરતા નહોતા. મહાવિકાસ આઘાડી સરકાર સત્તા પર આવ્યા પછી આ બાબત પ્રશાસનના ધ્યાનમાં આવી હતી. દીર્ઘ વિચાર પછી મુખ્ય મંત્રી સાથે સલાહમસલત કર્યા બાદ આવા અધિકારીઓની સાગમટે બદલીનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સેક્રેટરી કરતાં પણ પ્રભાવશાળી
અમુક અધિકારીઓ વર્ષોથી એક જ જગ્યાએ ચોંટી રહ્યા હોવાથી તેમની હિંમત વધી હતી. કોઈ પણ તેમનું કશું વાંકું કરી શકતો નહોતો. આ બાબત ધ્યાનમાં આવતાં બાબુઓ અને અમુક મંત્રીઓ વચ્ચે સલાહમસલત થઈ હતી, જે પછી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. બુધવારે આ અંગેનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. હવે આ આદેશનો અમલ કઈ રીતે થાય છે તેની પર સૌની મીટ રહેશે. એક અધિકારીએ જણાવ્યું કે બે દિવસમાં બદલીઓ અને બઢતીઓનો અમલ થશે એવી આશા છે.

અગાઉના મુખ્ય મંત્રી નિષ્ફળ ગયા
અગાઉ દેવેન્દ્ર ફડણવીસ, પૃથ્વીરાજ ચવ્હાણ જેવા ભૂતપૂર્વ મુખ્ય મંત્રીઓએ પણ આવા અધિકારીઓની બદલી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ સફળ થયા નહોતા. જોકે ઠાકરેએ તે કરી બતાવ્યું. ખાસ કરીને ઠાકરેના ચીફ સેક્રેટરી સીતારામ કુંટેની આમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોવાનું માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...