અરજી:પરમવીર સામે રૂ. 200 કરોડની માગણી કર્યાની વધુ એક અરજી

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિલ્ડર વિરુદ્ધ FIR દાખલ નહીં કરવા માટે નાણાંની માગનો આરોપ

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહની મુશ્કેલીઓમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. હવે પરમવીર વિરુદ્ધ મુંબઈ હાઈ કોર્ટમાં નવેસરથી હસ્તક્ષેપ અરજી દાખલ કરવામાં આવી છે. મુંબઈના એક બિલ્ડરે આ અરજી દાખલ કરી છે. અરજીમાં પરમવીરે બિલ્ડરની વિરુદ્ધ એફઆઈઆર દાખલ નહીં કરવામાં આવે તે માટે રૂ. 200 કરોડની માગણી કરી હોવાનો આરોપ છે.

બિલ્ડર દીપક નિકાળજે સાથે અરજદાર કાર્તિક ભટે ચેમ્બુરમાં એક ઝૂંપડપટ્ટી પુનર્વસન ગૃહનિર્માણ પ્રકલ્પ શરૂ કર્યો હતો, જેમાં રૂ. 3.50 કરોડની છેતરપિંડી કરવાના આરોપ સાથે સંતોષ મિઠબાવકરે ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં ભટ વિરુદ્ધ 2020માં એફઆઈઆર દાખલ કરી હતી. એફઆઈઆર પ્રમાણે તપાસ નહીં કરવા માટે ચેમ્બુર પોલીસ સ્ટેશનનાં સિનિયર પીઆઈ શાલિની શર્માએ તત્કાલીન મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહના કહેવા પરથી રૂ. 200 કરોડની લાંચ માગી હતી. આ જ રીતે કથિત પ્રોજેક્ટની રૂ. 425 કરોડની આવકમાંથી 10 ટકાની માગણી કરવામાં આવી હોવાનો પણ આરોપ કર્યો છે.

ઉપરાંત 2018માં આ જ પ્રોજેક્ટ માટે આર્થિક ગુના શાખાના ડીસીપી પરાગ મણેરેએ પરમવીરના કહેવાથી પોતાની પાસે ખંડણી માગી હતી એવો આરોપ અરજદાર ભટે અરજીમાં કર્યો છે. પરમવીરે શાલિની શર્મા અને પરાગ મણેરે સાથે અનેક વેપારીઓ પાસેથી આ રીતે જ ખંડણી ભેગી કરી હોવાનો આરોપ પણ અરજીમાં કર્યો છે. આ અરજી પર જસ્ટિસ એસ એસ શિંદની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠ સામે સમયને અભાવે ગુરુવારે સુનાવણી થઈ શકી નહોતી. આથી 14મી જૂને તે અંગે સુનાવણી થશે.

નોંધનીય છે કે ગુરુવારે પરમવીરને એટ્રોસિટીના કેસમાં 15 જૂન સુધી દિલાસો મળ્યો હતો. પરમવીર સહિત 27 પોલીસ અધિકારીઓએ જાતિવાચક ગાળ આપી હોવાની ફરિયાદ પીઆઈ ભિમરાજ ઘાડગેએ કરી છે. અકોલામાં નોંધાયેલી ફરિયાદ થાણે પોલીસને સોંપવામાં આવી છે. આ એફઆઈઆર રદ કરવા પરમવીરે હાઈ કોર્ટમાં અરજી કરી છે.

અન્ય સમાચારો પણ છે...