કસ્ટમ્સ દ્વારા મુંબઈ એરપોર્ટ પર આશરે આઠ કિલો ઉચ્ચ ગુણવત્તાના હેરોઈન નામે માદક પદાર્થ સાથે માતા- પુત્રીની ધરપકડ કરવામાં આવી છે. આ જથ્થાનું મૂલ્ય રૂ. 40 કરોડ છે. માતા બીમાર હોવાથી તેના ઉપચારનો ખર્ચ આપવાનું આશ્વાસન આપીને દાણચોરી કરવાની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.બંનેને આયેશા મુકેટી અને રૂકિયા વોંઝા તરીકે ઓળખવામાં આવી છે.
તેઓ કોંગો દેશના નાગરિક છે. બંને પાસેથી 8 કિલો હેરોઈન મળી આવ્યું છે. આયેશાને વિચિત્ર બીમારી છે, જેને કારણે તેનું શરીર સૂજી જાય છે. આથી તેને ચાલવામાં પણ મુશ્કેલ નડતી હતી. તેની પર તબીબી ઉપચાર માટે તેઓ તબીબી વિઝા પર શનિવારે મુંબઈ એરપોર્ટ પર ઊતરી હતી.કસ્ટમ્સે વિશ્વસનીય માહિતીને આધારે બંનેની તપાસ કરી હતી.
તે સમયે આયેશાની બેગમાંથી 1980 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું, જ્યારે તેની પુત્રીના સામાનમાંથી 5980 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું. આ ઉચ્ચ ગુણવત્તાનું હેરોઈન અફઘાનિસ્તાનમાંથી લવાયું હોવાની શંકા છે. તેનું મૂલ્ય રૂ. 40 કરોડ છે. આયેશાનો તબીબી ખર્ચ ઉઠાવવાનું આશ્વાસન આપીને તસ્કરોએ તેની પાસે ભારતમાં ડ્રગ્સની દાણચારી કરાવી હોવાનું જણાય છે.
મહિલાના પેટમાંથી ડ્રગ્સ મળ્યું
દરમિયાન કસ્ટમ્સે વધુ એક ઓપરેશનમાં યુગાંડા દેશની નાગરિક શરીફા નાયિગાની ધરપકડ કરી છે. તેના પેટમાં ડ્રગ્સ ભરેલી કેપ્સ્યુલો હોવાની શંકા પરથી તેને અટકાયતમાં લઈ જે જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેના પેટમાંથી કેપ્સ્યુલમાંથી 42 ગ્રામ હેરોઈન મળી આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.