પુણે જિલ્લાના વકફ મંડળમાં નોંધણીકૃત સંસ્થાએ રૂ. 7.76 કરોડની રકમની ઉચાપત કરવા અંગે પોલીસે બે જણ સામે ગુનો દાખલ કર્યો છે. મહારાષ્ટ્ર રાજ્ય વકફ મંડળ પાસે નોંધણીકૃત પુણે જિલ્લાના એક ટ્રસ્ટને સરકાર પાસેથી જમીન હસ્તાંતરણની ભરપાઈ પેટે મળનારી રકમની પરસ્પર ઉચાપત કરવા સંબંધે અને તે માટે બનાવટી દસ્તાવેજો રજૂ કરીને સરકાર અને વકફ મંડળની છેતરપિંડી કરવા સંબંધે પુણેમાં બે જણ વિરુદ્ધ બંડગાર્ડન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. વકફ મંડળના પુણે પ્રાદેશિક વક્ફ અધિકારીની ફરિયાદ પરથી આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ સંબંધે ઈમ્તિયાઝ મહંમદ હુસૈન શેખ અને ચાંદ રમજાન મુલાણી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બંનેએ આપસમાં સાઠગાંઠ કરીને પોતાને તાબૂત ઈનામ ઈન્ડોમેન્ટ ટ્રસ્ટના અધ્યક્ષ અને સચિવ બતાવીને કથિત રકમની ઉચાપત કરી છે. ટ્રસ્ટ મહારાષ્ટ્ર વકફમાં નોંધણીકૃત છે. આ મંડળ પાસેથી 5 હેક્ટર 51 આર ક્ષેત્રની જમીન એમઆઈડીસી નિયમ અંતર્ગત રાજીવ ગાંધી ટેકનોલોજી તબક્કો 4 માટે સરકાર તરફથી હસ્તાંતરણ કરવામાં આવી હતી.
આ માટે રૂ. 9.64 કરોડ રકમ મંજૂર થઈ હતી, પરંતુ ઘણા દિવસ સુધી આ રકમ નહીં મળવાથી ટ્રસ્ટે વક્ફ મંડળને જાણ કરી હતી, જે પછી તપાસ કરતાં ઉચાપત બહાર આવી હતી.બંને આરોપીએ પોતાને સંબંધિત ટ્રસ્ટના અધ્યક્ષ અને સચિવ બતાવ્યા હતા અને બોર્ડના ઉપ મુખ્ય કાર્યકારી અધિકારીનો નકલી એનઓસી પત્ર પુણે ભૂસંપાદન ઉપ જિલ્લાધાકિરી પાસે રજૂ કર્યો હતો.
આ પછી બંનેએ જમીન સંપાદનની ભરપાઈ પેટે મળેલી રૂ. 7.76 કરોડ રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ ટ્રસ્ટના બેન્ક ખાતે જમા નહીં કરતાં વ્યક્તિગત બેન્ક ખાતામાં જમા કરીને ઉચાપત કરી હતી.આ ઘટનાની જાણ થતાં પુણે વકફ અધિકારી ખુશરો ખાને બંડગાર્ડન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
કઠોર પગલાં લેવાશેઃ મલિક
દરમિયાન અલ્પસંખ્યાક વિકાસ અને ઔકાફ વિભાગના મંત્રી નવાબ મલિકે જણાવ્યું કે ટ્રસ્ટ અને સંસ્થાઓ તરફથી મુસ્લિમ સમાજહિતનાં કામ કરાયછે. જોકે અમુક ઠગો ગેરલાભ ઉઠાવે છે. આવા લોકોને રોકવા અને વકફ મંડળ પાસે નોંધણીકૃત સંસ્થાઓ દ્વારા ગેરરીતિ રોકવા માટે કડક પગલાં લેવામાં આવશે. આ રીતે ઉચાપત કરનાર સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.