ડુંગરની તળેટીમાં વસેલા મુંબ્રા, લોકમાન્ય નગર, કલવા અને માજીવડા, માનપાડા ભાગમાં 14 ઠેકાણે ભેખડ ધસી પડવાનું જોખમ છે. આ સંદર્ભે થાણે મહાપાલિકાએ એલર્ટ જારી કરીને ડેન્જર ઝોનના ઠેકાણાઓની યાદી જાહેર કરી છે. તેમ જ પ્રશાસને આ પરિસરના નાગરિકોને ચોમાસા પહેલાં ઘર ખાલી કરવાની નોટિસ પણ બજાવી છે. તેથી માળીણની ઘટનાનું પુનરાવર્તન થાય એવો ડર છે અને હજારો રહેવાસીઓ પર મૃત્યુની લટકતી તલવાર છે.
મહાડના તળિયે અને માળીણ ગામ પર ડુંગર ધસી પડતા આ બંને એક ક્ષણમાં ધરબાઈ ગયા હતા. સેંકડો ગામવાસીઓના મૃત્યુ થયા. ભૂસ્ખલનની આ લટકતી તલવાર ગ્રામીણ ભાગમાં અનેક ઠેકાણે છે ત્યારે થાણે જેવા કોસ્મોપોલિટન શહેરમાં પણ ચોમાસામાં ભેખડ ધસી પડવાનું જોખમ વધી રહ્યું છે. ગયા વર્ષે પણ આવી ઘટનાઓ બની હતી. તેથી નાગરિકોએ પોતાના ઘર ખાલી કરીને સુરક્ષિત ઠેકાણે રહેવા જવું એવી હાકલ મહાપાલિકાએ કરી છે. પણ કોરોનાનો ઓછાયો હજી પણ હોવાથી આ રહેવાસીઓએ ઘર ખાલી કરવા નકાર આપ્યો છે.
થાણે મહાપાલિકાએ શહેરમાં કયા કયા ઠેકાણે ભેખડ ધસી પડવાનું જોખમ છે એવા ઠેકાણાઓની યાદી જાહેર કરી છે. એમાં મહાપાલિકાની હદમાં લોકમાન્ય નગર ભાગમાં ગુરુદેવ આશ્રમ નજીક, ઉપવન, માજીવડા-માનપાડા વોર્ડ સમિતિમાં ડોંગરીપાડા, પાટલીપાડા અને કળશીપાડા, કલવામાં આતકોનેશ્વરનગર, પૌંડપાડા, શિવશક્તિનગર, ઘોલાઈનગર, વાઘોબાનગર, ભાસ્કરનગર તેમ જ મુંબ્રામાં આઝાદનગર, ગાવદેવી મંદિર પરિસર, કેણીનગર, સૈનિકનગર અને કૈલાસનગર જેવા ભાગોમાં ભેખડ ધસી પડવાનું જોખમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.