ગુનાઓનો આંકડો ચિંતાજનક:મુંબઈમાં મહિલાઓ પર અત્યાચારનો ચઢતો ગ્રાફ

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સગીર છોકરીઓના વાલી ફરિયાદ કરવા આવે છે

મુંબઈમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓના કારણે રાજકારણ તપ્યું છે ત્યારે પોલીસના આંકડાઓ અનુસાર મહિલાઓ પરના અત્યાચારની ઘટનાઓમાં દિવસે દિવસે વધારો થતો હોવાનું જણાયું છે. દુષ્કર્મ, વિનયભંગ, સહિત સગીર છોકરીઓનું અપહરણ, તેમને દેહવ્યવસાયમાં ધકેલવી જેવી ઘટનાઓ ચાલુ જ છે. આ વર્ષે ઓગસ્ટ મહિના સુધી મુંબઈમાં દુષ્કર્મના 619 અને વિનયભંગના 1258 ગુનાઓ દાખલ થયા છે. ગુનાઓના આંકડા વધારે છે છતાં એની પાછળના કારણો જુદા જુદા હોવાનું દેખાય છે.

મહિલાઓ, સગીર છોકરીઓ પર અત્યાચાર બંધ થાય એ માટે અનેક ઉપાયયોજનાઓ કરવામાં આવી છે. કાયદા વધુ કઠોર કરવામાં આવ્યા છે. સગીર છોકરી પર જાતીય અત્યાચાર રોકવા માટે પોક્સો જેવા સખત કાયદા ઘડવામાં આવ્યા. આમ છતાં અત્યાચારની ઘટનાઓ બંધ થતી નથી. મુંબઈના આંકડાઓ જોઈએ તો વર્ષેદહાડે આ આંકડો વધતો દેખાય છે. જાતીય અત્યાચાર સાથે જ દહેજ માટે અને અન્ય કારણોસર મહિલાઓ સાથે છેતરપિંડી થાય છે.

ગુનાઓનો આંકડો વધે એ ચિંતાજનક છે છતાં આ પહેલાં જનજાગૃતિના અભાવે શારીરિક, માનસિક અને જાતીય અત્યાચાર સહન કરવામાં આવતા હતા. વધતી જનજાગૃતિના કારણે મહિલાઓ, સગીર છોકરીઓના વાલી ફરિયાદ કરવા માટે આગળ આવતા હોવાથી ગુનાઓનો આંકડો વધતો હોવાનું પોલીસે જણાવ્યું છે. મહિલાઓ પરના અત્યાચારના ગુનાઓમાં આરોપીઓમાં ઓળખીતા આરોપીઓનું પ્રમાણ વધારે છે.

અન્ય સમાચારો પણ છે...