ધરપકડ:કરોડોના GST ગોટાળામાં ઋષભ બુલિયનના ભાગીદારની ધરપકડ

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નકલી કંપનીઓ ઊભી કરીને આઈટીસીનો લાભ લીધો હતો

નકલી અથવા અસ્તિત્વમાં નહીં હોય તેવી કંપનીઓમાંથી રૂ. 7.11 કરોડની નકલી જીએસટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) મેળવવા માટે સોના- ચાંદીની વસ્તુઓના વેપારી મેસર્સ ઋષભ બુલિયનના ભાગીદારની સીજીએસટી મુંબઈ સાઉથની એન્ટી- ઈવેઝન પાંખ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

પ્રિન્સિપાલ ચીફ કમિશનર દ્વારા આગેવાની હેઠળના ઝોનલ હેડ ક્વાર્ટર્સ ખાતે મુંબઈ ઝોનના સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ) દ્વારા પૂરા પડાયેલા ઈનપુટ્સને આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. 11 ફેબ્રુઆરીના રોજ મેસર્સ ઋષભ બુલિયનના વેપારના મુખ્ય સ્થળે સર્ચ હાથ ધરવામાં આવી હતી.

આ પછી 12 ફેબ્રુઆરીના રોજ કંપનીના ભાગીદારો નિવેદનમાં મેસર્સ ગોલ્ડમાઈન બુલિયન, મુંબઈ અને મેસર્સ રિદ્ધિ સિદ્ધિ ગોલ્ડ, મુંબઈને નામે રૂ. 7.11 કરોડની રકમની અપાત્ર આઈટીસી મેળવી હોવાનું કબૂલ કર્યું હતું, જે બંને કંપની તેના વેપારના મુખ્ય સ્થળે તપાસ કરતાં અસ્તિત્વ જ નથી બહાર આવ્યું હતું. આમ, મેસર્સ ગોલ્ડમાઈન બુલિયન અને મેસર્સ રિદ્ધિ સિદ્ધિ ગોલ્ડ થકી આરોપીએ અનુક્રમે રૂ. 4.89 કરોડ અને રૂ. 2.22 કરોડની બોગસ આઈટીસી પ્રાપ્ત કરી હતી.

તપાસ અને નિવેદન દરમિયાન ભેગા કરાયેલા પુરાવાને આધારે કંપનીના ભાગીદારની સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાતાં 14 દિવસની ન્યાયિક કસ્ટડી આપવામાં આવી છે.

સીજીએસટીના મુંબઈ સાઉથ કમિશનરેટ દ્વારા છેલ્લા છ મહિના દરમિયાન રૂ. 570 કરોડથી વધુની જીએસટી ચોરી પકડી પાડી છે. રૂ. 7 કરોડ વસૂલ કર્યા છે અને આઠ જણની ધરપકડ કરી છે. આગામી દિવસોમાં પણ જીએસટી ચોરો સામે આ ઝુંબેશ ચાલુ રખાશે, એમ વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...