તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ગદર્શન:કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં ફેમિલી ડોકટરો પર જવાબદારી

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મારો ડોકટર બનીને નાગરિકોનું માર્ગદર્શન કરવાથી શરૂઆતમાં જ સંક્રમણ રોકવામાં મદદ

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની વિશિષ્ટ સંકલ્પનાના સ્વરૂપ મુજબ રાજ્ય ટાસ્ક ફોર્સના નિષ્ણાત ડોકટરોએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુંબઈના લગભગ 700 ખાનગી ડોકટરોનું માર્ગદર્શન કર્યું હતું. કોરોના બાબતે મેડિકલ સારવાર વિશે શું પદ્ધતિ અમલમાં મૂકવી એની ચર્ચા સાથે જ આ ડોકટરોની અનેક શંકાઓનું નિરસન કરવામાં આવ્યું હતું. ખાસ વાત એટલે ત્રણચાર દિવસ પહેલાં આ રીતે જ મુંબઈના લગભગ 300 ડોકટરો સાથે સંવાદ સાધવામાં આવ્યો હતો. આ બંને વીડિયો કોન્ફરન્સ મળીને લગભગ 1000 ડોકટરોએ ભાગ લીધો હતો.

ફક્ત થોડા ડોકટરો સાથે વાત ન કરતા ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરીને નીચલા સ્તરે (ગ્રાસરૂટ લેવલ) કામ કરતા ડોકટરો સાથે વાત કરવાનો અને તેમની સૂચનાઓ સાંભળવાના મુખ્યમંત્રીના ઉપક્રમનું મેડિકલ ક્ષેત્રમાં સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ જ પ્રમાણે રાજ્યના અન્ય વિભાગના ડોકટરો સાથે સંવાદ સાધવામાં આવશે. આ સંવાદના પ્રારંભમાં મુખ્યમંત્રીએ કોરોનાના પ્રતિબંધમાં મેડિકલ ક્ષેત્રમાં કરી રહેલી લડાઈ માટે ડોકટરોના વખાણ કર્યા હતા અને આગામી સંભવિત ત્રીજી લહેર માટે સજ્જ રહેવા જણાવ્યું હતું.

કોરોનાના સમયમાં ફેમિલી ડોકટરોની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે કારણ કે કોઈ પણ નાનીમોટી બીમારીમાં દર્દીઓ સૌથી પહેલાં પોતાના નજીકના અને પરિવારના ડોકટર સાથે સંપર્ક સાધે છે. તેથી તેમની જવાબદારી ખૂબ મહત્ત્વની છે. સામાન્ય લોકો માટે મારો ડોકટર બનીને તેમનું માર્ગદર્શન કરવામાં આવે તો રોગની શરૂઆતમાં તબક્કામાં જ એને રોકવામાં ઘણી મદદ થશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. લક્ષણો વિનાના દર્દીઓ હોસ્પિટલમાં જાય છે અને જરૂર ન હોય તો પણ તેમને બેડ ઉપલબ્ધ કરી આપવામાં આવે છે. તેથી સાચી જરૂરિયાતવાળા દર્દીને બેડ મળતા નથી.

એ જ પ્રમાણે કોવિડનો દર્દી મોડેથી દવાખાનામાં જતા હોવાથી યોગ્ય સારવાર માટે મોડું થઈ જાય છે. તેથી ફેમિલી ડોકટર તપાસ કરે ત્યારે કોવિડના લક્ષણો ઓળખીને તરત સારવાર શરૂ કરે તો સમયસર દર્દીને સાજા કરવામાં મદદ થશે. હોમ ક્વોરન્ટાઈન દર્દીઓ પર બધા ડોકટરોએ ધ્યાન આપવું, તેમની પૂછપરછ કરતા રહેવું. તેથી દર્દીને માનસિક ટેકો મળે છે અને તબિયત બગડતી હોય તો એને સમયસર હોસ્પિટલમાં દાખલ કરવો શક્ય થશે.

આ બધા માટે તમામ ડોકટરોએ ઘરે સારવાર લેનારા દર્દીને પ્રોટોકોલ પ્રમાણે સારવાર મળે છે કે નહીં એના પર વ્યક્તિગત ધ્યાન આપવું અને વોર્ડ અધિકારીને પણ યોગ્ય માહિતી સમયે સમયે આપતા રહેવી. તેથી દર્દીની બાબતમાં આગળનું વ્યવસ્થાપન કરવું મહાપાલિકા માટે સહેલું થશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. કોવિડ સેંટરમાં સેવા આપો: પોતાના પરિસરના કોવિડ કેર સેંટર અથવા જમ્બો સેંટરને પણ તમારી સેવાની જરૂર છે એ ધ્યાનમાં રાખીને ખાનગી ડોકટરોએ ત્યાં પોતાના નામ નોંધાવવા એવી હાકલ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં તમામ ઠેકાણે સારવારમાં એકસૂત્રતા હોવી જરૂરી છે.

રાજ્યમાં 1270 મેટ્રિક ટન ઓક્સિજનની નિર્મિતી કરવામાં આવે છે. જોકે કોવિડના કારણે અત્યારે આપણી જરૂરિયાત 1700 મેટ્રિક ટન થઈ છે. ઓક્સિજનની બાબતમાં સ્વાવલંબી થવા માટે અને લાંબા સમય માટે રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. તેથી ટૂંક સમયમાં રાજ્ય અંતર્ગત વધારાના ઓક્સિજનની નિર્મિતી કરવી શક્ય થશે. ટાસ્ક ફોર્સે શંકાનું નિરસન કર્યું: આ સમયે આરોગ્ય વિભાગના અતિરિક્ત મુખ્ય સચિવ ડો. પ્રદીપ વ્યાસ, ટાસ્ક ફોર્સના ડો. સંજય ઓક, ડો. શશાંક જોશી, ડો. રાહુલ પંડિત તેમ જ ડો. તાત્યારાવ લહાનેએ કોવિડના સમયમાં સારવાર પદ્ધતિ પર ડોકટરોનું માર્ગદર્શન કર્યું હતું અને તેમની શંકાઓનું નિરસન કર્યું હતું.

સ્ટેરોઈડ્સનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરવો, છ મિનિટ વોક ટેસ્ટનું મહત્ત્વ, ઓક્સિજનની જરૂર છે એ કેવી રીતે ઓળખવું, ફૂગના કારણે થતા મ્યુકર માઈકોસિસમાં શું સારવાર કરવી, ઓક્સિજનનું સ્તર જોખમકારક સ્તરે છે એટલે ચોક્કસ શું, રેમડેસિવીર કયારે અને કેટલી વાપરવી, વેન્ટિલેટર પર દર્દીની સંભાળ, લોહીમાં શુગરનું પ્રમાણ સ્થિર રહેવા પર કેવી રીતે ધ્યાન આપવું, કોવિડ થયા બાદ કેટલો સમય દેખરેખ રાખવી, કોવિડના દર્દીને ચોક્કસ ક્યારે રસી મૂકવી એના પર મહત્ત્વનું માર્ગદર્શન આપ્યું અને શંકાઓનું નિરસન કર્યું હતું.

આરટીપીસીઆર ટેસ્ટનું મહત્ત્વ, સીટી સ્કેનની ચોક્કસ કેટલી જરૂર છે એના પર પણ માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. કોરોનાના લક્ષણો છેતરામણા હોય છે. તેથી આવનાર દરેક દર્દી કોરોનાનો નથી ને એવો પ્રશ્ન આપણા મનમાં રાખીને એની તપાસ ડોકટરે કરવી જરૂરી છે એમ જણાવવામાં આવ્યું હતું. ​​​​​​​બીજી લહેરનો સામનો કરતા સમયે સંભવિત ત્રીજી લહેરનું નિયોજન કરીન એમાં ખાસ કરીને ખાનગી ડોકટરો પર વિશ્વાસ મૂકીને તેમને મોટા પ્રમાણમાં સહભાગી કરવા માટે વીડિયો કોન્ફરન્સમાં અનેક ડોકટરોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

ટાસ્ક ફોર્સના નિષ્ણાત ડોકટરો સાથે વાત કરવાની તક મળી હોવાથી અનેક ડોકટરોની અનેક શંકાઓનું નિરસન થયું તેમ જ સારવાર કરવા માટે આત્મવિશ્વાસ વધ્યો હોવાનું કેટલાક ડોકટરોએ જણાવ્યું હતું. અનેક ડોકટરોએ ઓનલાઈન ચાલી રહેલી વીડિયો કોન્ફરન્સમાં જ કોવિડ લડાઈમાં કામ કરવાની ઈચ્છા હોવાથી એના માટે પૂછપરછ કરી હતી. કેટલાક ડોકટરોએ આયુર્વેદ, હોમિયોપેથી ડોકટરોને પણ સહભાગી કરવા એવી વિનંતી કરી હતી.

નાના બાળકો પર ધ્યાન રાખો
ત્રીજી લહેરમાં નાના બાળકો માટે જોખમ હોવાનું ધ્યાનમાં રાખીને રાજ્યમાં બાળરોગ નિષ્ણાતોની એક ટાસ્ક ફોર્સ નિર્માણ કરવામાં આવી રહી છે જેના વિશે માહિતી આપવામાં આવી હતી. નાના બાળકોની વર્તણુકમાં ફેરફાર, તેમને થનારી શરદી, ઉધરસ, તાવ, ડાયેરિયા, તેમ જ દૂધ અને અન્ય ખોરાક ઓછો થવો જેવા લક્ષણો પર ધ્યાન આપવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...