રાજ્ય સરકારના મહત્વકાંક્ષી બીડીડી ચાલ પ્રકલ્પમાં ઊભી રહેનાર ઈમારતોની દેખભાળની જવાબદારી 12 વર્ષ માટે મ્હાડાને સોંપવામાં આવી છે. બીડીડી ચાલનો પુનર્વિકાસ વિકાસ નિયંત્રણ નિયમાવલીના સમૂહ પુનર્વિકાસ 33(9) અન્વેય થશે. એમાં દેખભાળનો ઉલ્લેખ ન હોવાથી રાજ્ય સરકારે એ પ્રમાણે સુધારો કરવો પડશે.
જોકે આ નિર્ણયથી રહેવાસીઓ ખુશ નથી. બીડીડી ચાલ પ્રકલ્પનું ખાતમૂરત દેવેન્દ્ર ફડણવીસ સરકારના સમયે થયું હતું. કામની શરૂઆત મહાવિકાસ આઘાડી સરકારના સમયમાં થઈ. ના.મ.જોશી માર્ગ, નાયગાવ અને વરલી એમ ત્રણ પ્રકલ્પ માટે કંપનીઓની પસંદગી કરવામાં આવી છે. આ ત્રણેય પ્રકલ્પનું કામ શરૂ થયું છે.
નાયગાવ પ્રકલ્પ માટે હજી રહેવાસીઓનો વિરોધ ચાલુ છે. છતાં કામ ચાલુ થયું છે. આ ત્રણેય ચાલના પુનર્વિકાસ બાબતે ગૃહનિર્માણ મંત્રી જિતેન્દ્ર આવ્હાડે બેઠક બોલાવી હતી. એમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કેટલાક વર્ષ માટે દેખભાળનો ખર્ચ મ્હાડા ઉઠાવશે તેથી રહેવાસીઓએ નિરાંતનો શ્વાસ લીધો છે.
આ પ્રકલ્પના કારણે મ્હાડાને કરોડો રૂપિયાનો ફાયદો થવાનો હોવાથી મ્હાડાએ પુનર્વસનમાં ઊભી થયેલી ઈમારતોની જવાબદારી પોતે લેવી જોઈએ એમ કેટલાક રહેવાસીઓનું જણાવવું છે. આ પ્રકલ્પમાં પુનર્વસનના ઘર 10 વર્ષ સુધી વેચી શકાશે નહીં. જો વેચવામાં આવે તો એ પછીના વર્ષોમાં દેખભાળની જવાબદારી સંબંધિત રહેવાસીની રહેશે.
ઉપરાંત દરેક રહેવાસીને સ્વતંત્ર એગ્રીમેન્ટ આપવાના બદલે સંયુક્ત એગ્રીમેન્ટ આપવામાં આવશે. ત્રણેય પ્રકલ્પના તમામ રહેવાસીઓની ટ્રાન્ઝિટ કેમ્પમાં વ્યવસ્થા થતી ન હોવાનું જણાયું છે. તેથી આવા રહેવાસીઓને 23 હજાર રૂપિયા ભાડું અને દર ત્રણ વર્ષે 5 ટકા વધારો આપવામાં આવશે. આ રકમ નજીવી છે એમ રહેવાસીઓનું જણાવવું છે. 5 મહિનાનું ભાડું એકસાથે આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અનધિકૃત બાંધકામનો પ્રશ્ન
આ ત્રણેય ચાલના પરિસરમાં અનધિકૃત બાંધકામ, સ્ટોલ કાઢી નાખવામાં આવે એવો આદેશ પણ આપવામાં આવ્યો છે. જોકે આ બેઠકમાં નક્કર ઉકેલ કાઢવામાં આવ્યો ન હોવાથી પ્રશ્ન યથાવત ઊભો છે. બીડીડી ચાલ પ્રકલ્પની ઘોષણા થયા પછી અનેક અનધિકૃત બાંધકામ ઊભા થયા છે. સાર્વજનિક બાંધકામ વિભાગના સંચાલક કાર્યાલયની સાંઠગાંઠથી આ બાંધકામના બનાવટી કાગળપત્રો તૈયાર કરવામાં આવ્યા છે. તેથી આ લડાઈ કોર્ટમાં પહોંચે એવી શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.