આતંકીની ધરપકડ:નાગપુરમાં RSSના વડામથકની રેકી કરનારો જમ્મુ-કાશ્મીરમાં ઝડપાયો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૈશના આ આતંકીએ અન્ય મહત્ત્વપૂર્ણ સ્થળોની પણ રેકી કરી છે

નાગપુર સ્થિત સંઘના મુખ્યાલયની રેકી કરનારા શકમંદ આતંકવાદીને નાગપુર એટીએસે જમ્મુ- કાશ્મીરમાંથી પકડી પાડ્યોછે. આરોપી રઈસ અહમદ અસદુલ્લા શખ આતંકવાદી સંગઠન જૈશ- એ- મોહમ્મદ માટે કામ કરતો હતો. જમ્મુ- કાશ્મીર પોલીસે આરોપીને એક અન્ય કેસમાં જાન્યુઆરીમાં પકડ્યો હતો. હવે નાગપુર એટીએસે પ્રોડકશન વોરન્ટ પર તેને કબજામાં લીધો છે અને નાગપુર લાવવામાં આવ્યો છે.

ગયા વર્ષે જુલાઈમાં શેખ નાગપુર આવ્યો હતો. તેણે હેડગેવાર સ્મૃતિ ભવન કેમ્પસ અને અન્ય મહત્ત્વપૂર્ણ સ્થળોની રેકી કરી હતી. આ જાણકારી પછી સંઘ મુખ્યાલયની સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. હેડગેવાર મેમોરિયલ બિલ્ડિંગ ક્ષેત્રમાં ડ્રોન પર પણ પ્રતિબંધ છે. એટીએસે સીસીટીવી ફૂટેજમાં શેખને ઓળખી કાઢ્યો હતો. તે સમયથી તેની તલાશ ચાલુ હતી.

દરમિયાન જમ્મુ- કાશ્મીર પોલીસે તની ધરપકડ કરી હતી. શેખે કબૂલ કર્યું છે કે પાકિસ્તાનમાં જૈશના આકાઓને ઈશારે પોતે આરએસએસ મુખ્યાલયની રેકી કરી હતી. આરએસએસનું મુખ્યાલય કાયમ આતંકવાદીઓની હિટલિસ્ટમાં રહ્યું છે. આથી આ વિસ્તારમાં સઘન પોલીસ બંદોબસ્ત હોય છે.

2020માં હુમલાની વાત બહાર આવી
આ પૂર્વે ઓક્ટોબર 2020માં આરએસએસ નેતાઓ પર આતંકી હુમલાઓના કાવતરાની વાત સામે આવી હતી. તે સમયે એવું કહેવાયું હતું કે હુમલા માટે આતંકવાદી આઈઈડી (ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસીસ) અથવા વિસ્ફોટકોથી લાદેલું વાહન (વીઆઈઈડી)નો ઉપયોગ કરી શકે છે. આ દરમિયાન ઈન્ટેલિજન્સ બ્યુરો દિલ્હી અનુસાર મહારાષ્ટ્ર, પંજાબ અને રાજસ્થાન તથા પૂર્વોત્તર રાજ્યોના નેતાઓને લક્ષ્ય બનાવવાનું કાવતરું હતું.

2006માં હુમલો થયો હતો
જૂન 2006ની સવારે 4 વાગ્યે આરએસએસ મુખ્યાલય પર આતંકી હુમલો થયો હતો. એક લાલ બત્તીવાળી એમ્બેસેડર કાર આરએસએસ મુખ્યાલય તરફ આવી રહી હતી. કાર પર લાલ બત્તી જોઈને જવાનો સતર્ક થઈ ગયા હતા. કારને રોકવાનો ઈશારો કર્યો, પરંતુ તે રોકાઈ નહીં. આ પછી મુખ્યાલયથી લગભગ 100 મીટર પર તે ઊભી રહી. જવાનો કાર પાસે પહોંચતાં તેમાં 20-22 વર્ષના ત્રણ યુવાન હતા. તેમને નીચે ઊતરવા કહેતાં તેમણે કાર ભગાવી મૂકી હતી અને બેરિકેડ તોડી નાખ્યું હતું. આ પછી પોલીસે પીછો કરીને ગોળીબાર કરતાં ત્રણ આતંકવાદીને ઠાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...