ભાસ્કર વિશેષ:મુંબઈમાં ઓક્ટોબરમાં 8000 પ્રોપર્ટીનાં રજિસ્ટ્રેશન

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિષ્ણાતો કહે છે કે આકર્ષક ઓફરો, હોમ લોનના ઓછા દર ગ્રાહકોને આકર્ષે છે

મુંબઈમાં ઓક્ટોબર 2021માં 8000થી વધુ પ્રોપર્ટીનાં રજિસ્ટ્રેશન નોંધાયાં હતાં, જેણે સપ્ટેમ્બરના આંકડાઓને પણ પાછળ મૂકી દીધા છે, એમ ઈન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન કાર્યાલયે જણાવ્યું હતું. ઓક્ટોબર 2020માં કોવિડની સ્થિતિને લીધે વેચાણો આકર્ષવા માટે સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં રાહતો આપી હતી. તે સમયે 7928 પ્રોપર્ટીનાં રજિસ્ટ્રેશન નોંધાયા હતાં, જેનો અર્થ આ વખતે રાહતો નહીં હોવા છતાં વેચાણ વધ્યાં છે.

અમુક ડેવલપરોએ તહેવારની મોસમને ધ્યાનમાં રાખીને નવા પ્રોજેક્ટ લોન્ચ કર્યા હતા. ઘણા બધા આકર્ષક કિંમતો, સાનુકૂળ ચુકવણી યોજનાઓ આપી રહ્યા છે. હોમ લોનના દરો પણ અભૂતપૂર્વ નીચે આવ્યા છે. સરકાર પણ છેલ્લા એક વર્ષથી વિવિધ ધોરણો લાવી રહી છે, જેને લઈ મિલકત ખરીદી તરફ ફરીથી ગ્રાહકોનું આકર્ષણ વધી રહ્યું છે, એમ નરેડકો મહારાષ્ટ્રના ઈલેક્ટ પ્રેસિડેન્ટ સંદીપ રુણવાલે જણાવ્યું હતું.ઐતિહાસિક ઓછા વ્યાજ દર, આકર્ષક તહેવારની ઓફરો સાથે સાનુકૂળ પેમેન્ટ વિકલ્પો અને બહેતર ગ્રાહક જાગૃતિને કારણે દાયકાનો આ શ્રેષ્ઠ અવસર બની રહ્યો છે.

ભારતીય રિયલ એસ્ટેટ બજાર બહુ અસાધારણ છે. ઈતિહાસમાં પહેલી જ વાર દરેક પરિબળ ગ્રાહકોની તરફેણમાં જઈ રહેલાં દેખાય છે, જેને કારણે ખરીદી તરફ ઝોક વધ્યો છે, એમ ધ ગાર્ડિયન્સ રિયલ એસ્ટેટ એડવાઈઝરીના એક્ઝિકયુટિવ ડાયરેક્ટર રામ નાઈકે જણાવ્યું હતું.

યોગ્ય પ્રોડક્ટ સંમિશ્રણ, બહેતર જીવનશૈલી અપગ્રેડ્સ અને શહેરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમા સુધારણાને લીધે નિવાસી રિયલ એસ્ટેટ બજાર રોકાણકારો અને ઘર ખરીદદારો માટે વધુ આકર્ષક બની છે. વળી, સરકાર પણ તરફેણકારી ધોરણો લાવી રહી છે. ઈચ્છિત મિલકતોમાં રોકાણ કરવાનો આ સૌથી ઉત્તમ સમય છે, એમ ટ્રાન્સકોન ડેવલપર્સના ડાયરેક્ટર શ્રદ્ધા કેડિયા- અગરવાલે જણાવ્યું હતું.

તહેવારની મોસમે વેચાણ વધાર્યું
તહેવારની મોસમમાં વેચાણ વધ્યું છે. લોકો સાઈટ વિઝિટ પર પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. તેમની પાસેથી ખરીદી પણ થઈ રહી છે. આથી આ તહેવારની મોસમમાં વેચાણની ગતિ આ રીતે જ ચાલુ રહેશે, એવી મને આશા છે, એમ સીઆર રિયાલ્ટીના એમડી ચિરાગ રામકૃષ્ણને જણાવ્યું હતું. હાલમાં વ્યાજ દરો ઓછા હોવાથી ઘર ખરીદદારો આકર્ષાય રહ્યા છે, જેને કારણે છેલ્લા થોડા મહિનાઓમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને ભરપૂર લાભ થઈ રહ્યો છે, એમ સુમિત વૂડ્સ લિમિટેડના ડાયરેક્ટર ભૂષણ નેમલેકરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...