એરપોર્ટની આસપાસના વિલેપાર્લે, સાંતાક્રુઝ અને કુર્લા પરિસરમાં એરપોર્ટ ફનલવાસીઓને 4 થી 9 જેટલી વધારાની એફએસઆઈ આપવાનો પ્રસ્તાવ મુંબઈ મહાપાલિકાએ નગરવિકાસ ખાતાને મોકલ્યો હતો. એને બે વર્ષ વીતી જવા છતાં હજી એના પર નિર્ણય લેવાયો નથી. તેથી એરપોર્ટ ફનલવાસીઓની લગભગ સાડા ચારસો જેટલી ઈમારતોનો પુનર્વિકાસ અટકી પડ્યો છે.
મહાપાલિકા કમિશનરે આપેલા પ્રસ્તાવ અનુસાર વિલેપાર્લે અને સાંતાક્રુઝ પરિસર માટે અનુક્રમે 4.48 અને 4.97 તથા કુર્લા પરિસર માટે 9.22 જેટલી એફએસઆઈ પ્રસ્તાવિત કરવામાં આવી છે. જોકે ઈમારતની ઉંચાઈ પર બંધી હોવાથી આ એફએસઆઈ વાપરી શકાશે નહીં. એ નિમિત્તે નિર્માણ થનાર ટીડીઆર બીજે ઠેકાણે વાપરવાની છૂટ આપવામાં આવી છે. એના માટે વિકાસ રૂપરેખામાં સુધારો કરવો પડશે.
એફએસઆઈ વપરાશ પર બંધીના કારણે આ ઈમારતોનો પુનર્વિકાસ ઠપ્પ થયો હતો. આ ઈમારતોને ફક્ત એક ટકો એફએસઆઈ ઉપલબ્ધ હતી. તેથી કોઈ ડેવલપર આગળ આવતો નહોતો. તેથી આ ઈમારતોના પુનર્વિકાસ માટે વધારાની એફએસઆઈ મળે અને ઈમારતના પુનર્વિકાસ માટે એફએસઆઈ બાદ કરીને વધારાની એફએસઆઈનું ટીડીઆરના સ્વરૂપમાં રૂપાંતર કરવાની પરવાનગી આપીને બાંધકામનો ખર્ચ નીકળે એવી માગણી સ્થાનિકો તરફથી કરવામાં આવતી હતી.
નવી વિકાસ રૂપરેખામાં એના માટે ઉલ્લેખ કરવામાં આવશે એમ જણાવવામાં આવ્યું હતું પણ હકીકતમાં આ બાબતને વિલંબિત રાખવામાં આવી હતી. એરપોર્ટ ફનલ રહેવાસીઓ માટે નવી વિકાસ નિયંત્રણ નિયમાવલીની વિશેષ જોગવાઈ લાવવામાં નગરવિકાસ વિભાગના અધિકારીઓએ વિરોધ કર્યો છે. નવી વિકાસ રૂપરેખામાં આ બાબતનો અછડતો ઉલ્લેખ હતો. પણ વિકાસ નિયમાવલીમાં એનો જરાય ઉલ્લેખ નથી. આ ઈમારતો છે એ ઠેકાણે પુનર્વિકાસ અને એમાંથી નિર્માણ થનારા ટીડીઆર ખુલ્લી બજારમાં વેચવાની પરવાનગી એવી આ રહેવાસીઓનીમુખ્ય માગણી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.