કડક કાર્યવાહી:STના હડતાળ પર ઊતરેલા 55 હજાર આંદોલનકારીઓને કારણદર્શક નોટિસ

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક દિવસમાં 189 કર્મચારી બરતરફઃ કોન્ટ્રાક્ટ પર ડ્રાઈવરોને ભરતી કરવાના પ્રયાસ ચાલુ

અનેક વાર મુદત આપીને પણ હડતાળિયા કર્મચારીઓ કામ પર પાછા આવવા તૈયાર નહીં હોવાથી હવે એસટી મહામંડળે કઠોર પગલાં લેવાનું શરૂ કર્યું છે. એસટી મહામંડળ દ્વારા 55,000 આંદોલનકારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. બીજી બાજુ મહામંડળે કોન્ટ્રાક્ટના ધોરણે નવા ડ્રાઈવરોની ભરતી કરવાની હિલચાલ શરૂ કરી છે. આથી હવે એસટી આંદોલનકારીઓ તેની પર શું ભૂમિકા લે છે તેની તરફ બધાનું ધ્યાન દોરાયું છે. હમણાં સુધી એસટી મહામંડળના 1333 કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે, જ્યારે 11,024 કર્મચારીઓ પર સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. બુધવારે એક દિવસમાં સૌથી વધુ 189 કર્મચારીને બરતરફ કરવામાં આવ્યા હતા.

રાજ્યમાં એસટી કર્મચારીઓની હડતાળને બુધવારે 70 દિવસ પૂરા થયા. આ દરમિયાન એસટી કર્મચારીઓના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. જોકે એસટી મહામંડળને રાજ્ય સરકારમા વિલીનીકરણ કરવા માટે હડતાળિયા કર્મચારીઓ આગ્રહી છે. વિલીનીકરણ નહીં ત્યાં સુધી નોકરી પર પાછા હાજર નહીં થઈએ એવું વલણ તેમણે અપનાવ્યું છે.

આ ધ્યાનમાં લેતાં એસટી મહામંડળે નાગરિકોની અસુવિધા ટાળવા માટે અને ફરી એક વાર એસટી પરિવહન સહજ બનાવવા માટે હિલચિલ શરૂ કરી છે. આ મુજબ એસટી મહામંડળે સેવાનિવૃત્ત અને સ્વેચ્છાનિવૃત્તિ લેનારા ડ્રાઈવરોને ફરી સેવામાં લેવાનો નિર્ણય લીધો છે. આ માટે જાહેરાતો આપી છે.

આ જાહેરાત અનુસાર 62 વર્ષ પૂરા થવા માટે કમસેકમ છ મહિના અથવા તેનાથી વધુ સમયગાળો બાકી હોય તે જરૂરી છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિ પર નિમણૂક કરવામાં આવનારા ડ્રાઈવરોને દર મહિને રૂ. 26,000 વેતન આપવામાં આવશે. ઈચ્છુક ડ્રાઈવરો જે વિભાગમાંથી સેવાનિવૃત્ત થયા છે તે વિભાગોમાં કરાર પદ્ધતિથી નિમણૂક માટે અરજી કરી શકશે. આગામી ત્રણ દિવસમાં અરજી કરવા એસટી મહામંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

સ્વેચ્છામરણની મંજૂરી આપવા પત્ર
દરમિયાન એસટી મહામંડળને રાજ્ય સરકારમાં વિલીન કરવાની કર્મચારીઓ માગણી છે, જેથી આ કર્મચારીઓને પણ સરકાર જેવા જ પગારધોરણ શરૂ થાય. તેમની હડતાળને 57 દિવસ પૂરા થયા છે. જોકે તે છતાં સરકારે વિલીનીકરણની શક્યતા નહીં હોવાનું આ અગાઉ જ સ્પષ્ટ કરી દીધું છે. આથી હવે એસટી કર્મચારીઓની વિલીનીકરણની માગણી પૂરી નહીં થતી હોય તો અમને કમસેકમ સ્વેચ્છામરણની પરવાનગી આપો એવી માગણી કર્મચારીઓએ કરી છે. મંગળવારે ઔરંગાબાદ ખાતેના 172 કર્મચારીઓએ આ બાબતે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...